યુક્રેને 5 એરબેઝ પર એરસ્ટ્રાઇક કરી હોવાનું રશિયાએ સ્વીકાર્યું:કહ્યું- યુક્રેને 4,000 કિમી અંદર ઘૂસીને ટ્રકમાંથી ડ્રોન દ્વારા આતંકી હુમલો કર્યો; ઘણાં વિમાનો નાશ પામ્યાં
રશિયન સંરક્ષણ મંત્રાલયે રવિવારે પુષ્ટિ આપી હતી કે યુક્રેન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાઓમાં દેશભરમાં પાંચ લશ્કરી એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં અનેક વિમાનોને નુકસાન થયું હતું. જોકે નુકસાન પામેલાં વિમાનનો ચોક્કસ આંકડો આપવામાં આવ્યો નથી. પોતાના નિવેદનમાં રશિયન સંરક્ષણ મંત્રાલયે યુક્રેન પર મુર્મન્સ્ક, ઇર્કુત્સ્ક, ઇવાનોવો, રિયાઝાન અને અમુર પ્રદેશોમાં સ્થિત એરપોર્ટ પર FPV (ફર્સ્ટ પર્સન વ્યૂ) ડ્રોનનો ઉપયોગ કરીને આતંકવાદી હુમલા કરવાનો આરોપ મૂક્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ઇવાનોવો, રિયાઝાન અને અમુર પ્રદેશોમાં લશ્કરી એરબેઝ પરના તમામ આતંકવાદી હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. પહેલીવાર સત્તાવાર રીતે પુષ્ટિ મળી છે કે એરબેઝની ખૂબ નજીક કેટલાક ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુર્મન્સ્ક પ્રદેશમાં ઓલેનોગોર્સ્ક એરબેઝ અને ઇર્કુત્સ્ક (સાઇબિરિયા)માં સ્રેડની એરબેઝને નજીકના વિસ્તારોમાંથી ટ્રેલર ટ્રકની મદદથી છોડવામાં આવેલાં ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. રશિયન મીડિયા અને યુદ્ધ સમર્થકોએ એને રશિયા માટે ‘એવિએશનનો સૌથી કાળો દિવસ’ ગણાવ્યો અને પરમાણુ હુમલો કરવા માટે પુટિનને હાકલ કરી છે. ડ્રોનને ટ્રકોમાં કન્ટેનર દ્વારા રશિયાની અંદર લાવવામાં આવ્યાં હતાં. એક ટ્રક મુરમાન્સ્કના ઓલેનેગોર્સ્કમાં એક પેટ્રોલ પંપ પર રોકાઈ હતી, જ્યાંથી ડ્રોન ઊડીને એરબેઝ તરફ ગયાં હતાં. આ ડ્રોન એફપીવી ટેક્નોલોજીથી સજ્જ હતાં અને સેટેલાઇટ દ્વારા નિયંત્રિત હતાં. રશિયાના બેલાયા એરબેઝ સહિત ઘણાં એરફિલ્ડ્સ પર 40 લશ્કરી વિમાનને નિશાન બનાવાયાં હતાં. યુક્રેનનો દાવો - 41 રશિયન વિમાનનો નાશ કરવામાં આવ્યો હતો યુક્રેને રવિવારે દાવો કર્યો હતો કે તેણે 41 રશિયન ફાઇટર જેટનો નાશ કર્યો છે. યુક્રેનિયન વેબસાઇટ કિવ ઇન્ડિપેન્ડન્ટના અહેવાલ મુજબ, યુક્રેને મુર્મન્સ્કમાં ઓલેન્યા એરબેઝ, ઇર્કુત્સ્કમાં બેલાયા એરબેઝ, ઇવાનોવોમાં ઇવાનોવો એરબેઝ અને રશિયામાં ડાયાઘિલેવો એરબેઝને નિશાન બનાવ્યા હતા. રશિયાનું બેલાયા એરબેઝ યુક્રેનિયન સરહદથી 4 હજાર કિમીથી વધુ દૂર છે. તે રશિયાના સાઇબેરિયા ક્ષેત્રમાં સ્થિત છે. રિપોર્ટ અનુસાર, યુક્રેનિયન સુરક્ષા એજન્સી (SBU) એ આ હુમલો કર્યો હતો, જેમાં FPV (ફર્સ્ટ-પર્સન-વ્યૂ) ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમાં A-50, TU-95 અને TU-22 જેવા વ્યૂહાત્મક બોમ્બર્સને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. SBUના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમણે સ્વ-બચાવમાં હુમલો કર્યો હતો, કારણ કે રશિયન વિમાનો વારંવાર યુક્રેનિયન શહેરો પર બોમ્બ ફેંકતાં હોય છે. રશિયાએ આ હુમલાની પુષ્ટિ કરી છે. પ્રારંભિક અંદાજ મુજબ, નુકસાનની કિંમત 2 અબજ યુએસ ડોલર (રૂ. 17 હજાર કરોડથી વધુ) સુધી પહોંચી શકે છે. સોમવારે ઇસ્તંબુલમાં યોજાનારી શાંતિ મંત્રણા પહેલાં અને સરહદ પારની અથડામણો તીવ્ર બની હોવાથી આ હુમલો થયો છે. ઓલેન્યા એરબેઝ પર આગ લાગી યુક્રેનની સુરક્ષા સેવા (SBU)એ જણાવ્યું હતું કે તેનાં ડ્રોન રશિયાની અંદર ઊંડે સુધી ઊડ્યાં હતાં અને Tu-95, Tu-22 જેવાં મોટા બોમ્બર અને A-50 જેવાં મોંઘાં જાસૂસી વિમાનોને નુકસાન પહોંચાડ્યું હતું. A-50 વિમાન ખૂબ જ દુર્લભ છે અને રશિયા પાસે આવાં ફક્ત 10 વિમાનો છે. એક વિમાનની કિંમત લગભગ 350 મિલિયન ડોલર (3000 કરોડ રૂપિયા) હોવાનું કહેવાય છે. આ હુમલામાં 'બેલાયા' નામના એરબેઝને ખાસ નિશાન બનાવવામાં આવ્યું હતું, જે રશિયાના ઇર્કુત્સ્ક ક્ષેત્રમાં છે. એ જ સમયે, 'ઓલેન્યા' એરબેઝ પર પણ આગ લાગવાના અહેવાલો છે, પરંતુ હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. Tu-95 અને Tu-160 જેવાં વિમાનો જૂનાં હોઈ શકે છે, પરંતુ એ લાંબા અંતર સુધી ઊડી શકે છે અને અનેક મિસાઇલો લઈ જઈ શકે છે. આને રશિયન વાયુસેનાનાં સૌથી શક્તિશાળી શસ્ત્રોમાંના એક માનવામાં આવે છે. એને નષ્ટ કરવા એ યુક્રેન માટે એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. યુક્રેને કહ્યું- જો રશિયા બંધ નહીં કરે તો અમે વધુ હુમલો કરીશું યુક્રેનનું કહેવું છે કે તેણે રશિયાના બોમ્બમારા રોકવા માટે આ હુમલો કર્યો હતો, કારણ કે રશિયન વિમાનો લગભગ દરરોજ રાત્રે યુક્રેનિયન શહેરો પર હુમલો કરે છે. યુક્રેનને આશા છે કે આ હુમલો રશિયાની શક્તિને આંચકો આપશે. આ હુમલા અંગે રશિયા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, તેથી કેટલીક માહિતી બદલાઈ શકે છે, પરંતુ જો યુક્રેનનો દાવો સાચો હોય તો આ રશિયન વાયુસેના પર અત્યારસુધીનો સૌથી મોટો હુમલો છે. યુક્રેને એમ પણ કહ્યું છે કે તેના ડ્રોન મિશન ચાલુ રહેશે. ઓલેન્યા એરબેઝ રશિયાના મુર્મન્સ્ક ક્ષેત્રમાં છે. ત્યાંના ગવર્નરે કહ્યું હતું કે દુશ્મન ડ્રોને હુમલો કર્યો હતો, પરંતુ તેમણે પણ વધુ વિગતો શેર કરી ન હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક FPV ડ્રોન ટ્રકમાંથી ઊડતો જોઈ શકાય છે. યુક્રેન દોઢ વર્ષથી તૈયારી કરી રહ્યું હતું મીડિયા રિપોર્ટ્સ અનુસાર, SBU લગભગ 18 મહિનાથી આ હુમલાની તૈયારી કરી રહ્યું હતું. તેમણે આ કામગીરીને 'વેબ' નામ આપ્યું. આ મિશનનું નિરીક્ષણ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી પોતે કરી રહ્યા હતા. એ જ સમયે આ SBU ચીફ વાસિલ માલ્યુકની દેખરેખ હેઠળ થઈ રહ્યું હતું. અહેવાલો અનુસાર, આ ઓપરેશનમાં ઘણી ખાસ બાબતો સામેલ હતી... રશિયન ટેલિગ્રામ ચેનલોએ ફૂટેજ શેર કર્યા, જેમાં કેટલાક લોકો ટ્રકની ટોચ પર ચઢીને ડ્રોનને રોકવાનો પ્રયાસ કરતા દેખાય છે. ઘણા રશિયન લશ્કરી એરબેઝની છબિઓમાં બળી ગયેલાં વિમાનો અને આગ દેખાઈ હતી, પરંતુ નુકસાનનું સંપૂર્ણ પ્રમાણ હજુ સ્પષ્ટ થયું નથી. મોસ્કો નજીક વોસ્ક્રેસેન્સ્કમાં સળગતા એરબેઝનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક રશિયન સૈનિક કહી રહ્યો છે- અહીં બધું બરબાદ થઈ ગયું છે. એક વાઇરલ વીડિયોમાં એક ડ્રોન Tu-95 ફાઇટર જેટનો નાશ કરતું દેખાય છે. લગભગ 40,000 રૂપિયાની કિંમતનું આ FPV ડ્રોન વિમાનની નજીક અટકે છે અને એના ટેન્કને નિશાન બનાવે છે. બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2025 સુધીમાં રશિયા પાસે લગભગ 40 Tu-95 ફાઇટર જેટ હશે. એમાં 4 એન્જિન છે અને એ ઘણાં બધાં શસ્ત્રો લઈ જવા સક્ષમ છે.

What's Your Reaction?






