'તમે છો તો અમે સુરક્ષિત છીએ':હુમા કુરેશીએ બીએસએફ જવાનો સાથે મુલાકાત કરી; એક્ટ્રેસે લોકોને કહ્યું- 'ડરને જમ્મુ-કાશ્મીરની ઓળખ ન બનવા દો'
જમ્મુ-કાશ્મીર પર્યટન વિભાગે બીએસએફ સાથે મળીને જમ્મુમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે સુચેતગઢના ઓક્ટ્રોઈ જનરલ એરિયામાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં એક્ટ્રેસ હુમા કુરેશીએ ભાગ લીધો હતો. કુરેશીએ ભારતીય સેના અને બીએસએફ જવાનોને સલામ કરતાં કહ્યું કે, "તમે છો તો અમે સુરક્ષિત છીએ, અમે ભાગ્યશાળી છીએ." કાર્યક્રમમાં હુમાએ જવાનો સાથે વાતચીત કરી કાર્યક્રમમાં પહોંચેલી હુમા કુરેશીએ સિઝફાયર ભંગ, સરહદ પારથી ગોળીબારથી અસરગ્રસ્ત પરિવારો અને બીએસએફ તેમજ ભારતીય સેનાના જવાનો સાથે વાતચીત કરી. હુમા કુરેશીએ જણાવ્યું, "હું અહીં આપણા બીએસએફ જવાનો, આપણા સૈન્ય કર્મચારીઓ અને ખાસ કરીને આપણી મહિલા સૈનિકોનું મનોબળ વધારવા આવી હતી. તમે બધાએ મને એટલો પ્રેમ આપ્યો કે હું ખૂબ પ્રભાવિત થઈ. ફરી એકવાર મને અહેસાસ થયો કે અમે કેટલા ભાગ્યશાળી છીએ કે તમે આપણી સરહદોની રક્ષા કરી રહ્યા છો અને અમારી સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યા છો." 'ઓપરેશન સિંદૂર' અંગે હુમાએ ભારતીય સેના અને બીએસએફની પ્રશંસા કરી કુરેશીએ 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ભારતની સરહદોની રક્ષા અને સમર્પણ માટે ભારતીય સેના અને બીએસએફની પ્રશંસા કરી. એક્ટ્રેસે આગળ કહ્યું, 'આ સમય છે, ચાલો સાથે મળીને નફરતને હરાવીએ. જમ્મુ અને કાશ્મીર આવો. અહીંની સુંદરતાનો અનુભવ કરો. દેશની સેનાની બહાદુરીને કારણે જ આપણી સરહદો પર શાંતિ સ્થપાઈ શકી છે. હું બીએસએફ અને સેનાની આભારી છું. તાજેતરની ઘટનાઓએ આપણને દેશ માટે તમારી ભૂમિકાનું મહત્ત્વ વધુ સમજાવ્યું છે. જમ્મુ અને કાશ્મીર ભારતની કરોડરજ્જુ છે અને તમારા સાહસ અને બલિદાન સાથે મજબૂતી અને એકતાથી ઊભી છું. હું તમને અને તમારા પરિવારોને મારા હૃદયના ઊંડાણથી સલામ કરું છું.' હુમા જમ્મુના લોકોને પણ મળી કુરેશીએ લોકોને અપીલ કરતાં કહ્યું, 'હું ફક્ત એટલું જ કહેવા માંગું છું કે ડરને જમ્મુ-કાશ્મીરની ઓળખ ન બનવા દો. દુનિયાને શાંતિ, શક્તિ અને પ્રેમનું સાક્ષી બનવા દો, જે આ ક્ષેત્રના લોકોને ખરેખર વ્યાખ્યાયિત કરે છે. આજે આપણે બધા ગર્વ અને આશા સાથે એકસાથે ઊભા છીએ અને આ જ જમ્મુ-કાશ્મીર અને ભારતની ભાવના છે.'

What's Your Reaction?






