રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં:કાયદા ભવન પાસેથી દારૂની ખાલી બોટલો મળી આવતા NSUIએ ઉઠાવ્યા સવાલ, કુલપતિ પાસે તટસ્થ તપાસની કરાઈ માંગ
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અવારનવાર કોઈને કોઈ વિવાદમાં આવતી હોય છે. ફરી એકવાર આ યુનિવર્સિટી વિવાદના વમળમાં ફસાઈ છે. યુનિવર્સિટીના કાયદા ભવન નજીકથી વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવતા ભારે ચકચાર મચી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં યુનિવર્સિટી કેમ્પસમાં આવા દ્રશ્યો જોવા મળતા સુરક્ષા વ્યવસ્થા અને યુનિવર્સિટી વહીવટ સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સમગ્ર મામલે NSUIએ સવાલ ઉઠાવ્યા છે. અને કુલપતિ પાસે તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે. આ મામલે NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા) ના વિદ્યાર્થી નેતા અંકિત સોંદરવાએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાતની હદમાં ન આવતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં યુનિવર્સિટીના કાયદા ભવન પાસેથી વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવી છે. તેમણે ઉમેર્યું કે, આ ઘટના યુનિવર્સિટીની સુરક્ષા સામે પણ પ્રશ્ન ઉભો કરે છે.દારૂની બોટલો ક્યાંથી આવી? કોણ લાવ્યું? અને તેમાં કોણ કોણ સામેલ છે તે સહિતના મુદ્દે તટસ્થ તપાસ કરવી જરૂરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, અહીં મધ્યમ વર્ગની બહેનો અભ્યાસ માટે આવતી હોય છે. ત્યારે શિક્ષાના ધામમાંથી આમ દારૂની બોટલો મળી આવે તે જરાપણ યોગ્ય નથી. કાયદા ભવનમાં કાયદાનું રક્ષણ કેમ કરવું તે શીખવાનું હોય છે, જેને બદલે અહીં કાયદાનો સરેઆમ ભંગ થાય છે. ત્યારે આ શરમજનક ઘટના અંગે યુનિવર્સિટીના કુલપતિ દ્વારા તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લે તેવી NSUIની માંગ છે. બીજીતરફ શૈક્ષણિક સંસ્થામાં આ દારૂની બોટલો મળી આવવાની ઘટનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વ્યાપક ચિંતા જોવા મળી રહી છે. યુનિવર્સિટી કેમ્પસ એ જ્ઞાન અને સંસ્કારનું મંદિર ગણાય છે, જ્યાં વિદ્યાર્થીઓ સુરક્ષિત વાતાવરણમાં અભ્યાસ કરી શકે. આવા પ્રકારની ઘટનાઓ યુનિવર્સિટીના વાતાવરણને દૂષિત કરે છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલ ઉભા કરે છે. ખાસ કરીને કાયદા ભવન જેવા સંવેદનશીલ સ્થળેથી દારૂની બોટલો મળી આવવી એ વધુ ગંભીર બાબત છે. આ ઘટનાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થા અને વહીવટ પર અનેક સવાલો ઉભા કર્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ અને બહાર નીકળવા માટે સુરક્ષાકર્મીઓ તૈનાત હોય છે. CCTV કેમેરા પણ કાર્યરત છે. છતાં, દારૂની બોટલો કેમ્પસમાં કેવી રીતે પહોંચી તે એક મોટો પ્રશ્ન છે. શું સુરક્ષાકર્મીઓ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી રહ્યા નથી? કે પછી આ સમગ્ર ઘટનામાં કોઈ આંતરિક સંડોવણી છે? આવા અનેક પ્રશ્નોના જવાબ તપાસ બાદ જ મળી શકશે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની ભૂમિકા અત્યંત મહત્વની બની રહેશે. તેમની દ્વારા તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી, સમગ્ર પ્રકરણના મૂળ સુધી પહોંચી, જવાબદાર વ્યક્તિઓ સામે કાયદાકીય અને વહીવટી પગલાં લેવામાં આવે તે આવશ્યક છે. વિદ્યાર્થી સંગઠનો અને સામાજિક કાર્યકરો દ્વારા પણ આ મામલે ન્યાયિક તપાસ અને કાર્યવાહી માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે યુનિવર્સિટી સત્તાધીશો આ ઘટનાની ગંભીરતાને સમજી ક્યારે અને કેવા પગલાં લેશે તેના ઉપર સૌની નજર છે.

What's Your Reaction?






