VMCની દબાણ શાખા સામે વેપારીઓનો વિરોધ:ગોત્રી કૃણાલ ચાર રસ્તા પાસે ગેરકાયદે ધમધમતા કાપડ બજારના 150 પથારા, શેડ દૂર કરાયા
શહેરના ગોત્રી કૃણાલ ચાર રસ્તા પાસે હાઈટેન્શન લાઈનની નીચે પરવાનગી વગર વર્ષોથી ગેરકાયદેસર ચાલતા કાપડ બજારને દૂર કરવાની રજૂઆત અને વિવાદ વચ્ચે આજે પાલિકાની દબાણ શાખા દ્વારા 150 જેટલા પથારા અને શેડ દૂર કરવામાં આવ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વેપારીઓએ વિરોધ કર્યો હતો. જોકે, દબાણ શાખાએ વિરોધ વચ્ચે કામગીરી ચાલુ રાખી હતી. ઉલ્લેખનીય છે કે, શહેરના ગોત્રી વિસ્તારમાં કૃણાલ ચાર રસ્તા પાસે આવેલા કાપડ બજારમાં બેસતા અસામાજીક તત્વો દ્વારા મહિલાની છેડતી કરતાં વિવાદ સર્જાયો હતો. આ ઉપરાંત સ્થાનિક કાઉન્સિલર શ્રીરંગ આયરે અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે દ્વારા સમતા વિસ્તારના રહીશો અને યુવતીઓ તરફથી ફરિયાદો મળતા આ બજાર દૂર કરવા પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. નોંધનીય છે કે, પાલિકાના ફૂડ વિભાગ દ્વારા તાજાતરમાં ચેકિંગ કરીને અખાધ્ય પદાર્થોનો નાશ પણ કરવામાં આવ્યો હતો. જ્યારે ફાયર વિભાગે હાઈટેન્શન લાઈનની નીચે ધમધમતા કાપડ બજારને નોટિસ પણ આપી હતી. દરમિયાન પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા સર્વે કરીને પરવાનગી વગર અને હાઈટેન્શન લાઈનની નીચે ચાલતા આ બજારને દૂર કરવા મૌખીક સુચના આપી હતી. જાકે, તેમ છતાં પથારા ધરાવતા લોકોએ પથારા અને શેડ દૂર નહી કરતાં આજે પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગની ટીમ દબાણ શાખાની ટીમ સાથે જેસીબી સહિત સાધનો લઈને પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. દબાણ ટીમ પહોંચતાજ શેડની સાથે પથારો ધરાવતી મહિલા સહિત અહીના વેપારીઓએ અમને કોઈ નોટીસ આપી નથી. પહેલા નોટીસ આપો અમે જાતે શેડ, પથારાને દૂર કરી દઈશું તેવી રજૂઆત કરી હતી. જાકે, પાલિકા તંત્ર દ્વારા સમય આપ્યા બાદ ત્રણ કલાક સુધી શેડ દૂર નહી કરતા પાલિકાની ટીમ જેસીબી સાથે શેડ દૂર કરી દીધા હતા. કામગીરી સમયે જેટકોની ટીમ હાજર રહી હતી. પાલિકાને અગાઉ જેટકો દ્વારા પણ ગોત્રી વિસ્તારમાં 132 કેવી ગોત્રી ફર્ટીલાઈઝરનગર લાઈનની નજીક તેમજ નીચે ગેરકાયદેસર ચાલતા કાપડ બજાર અંગે પાલિકામાં રજૂઆત કરી હતી.

What's Your Reaction?






