આંદામાન-નિકોબાર ટાપુઓમાં જોરદાર ભૂકંપ:રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.2 નોંધાઈ, જાનહાનિના કોઈ અહેવાલો નહીં; ડિઝાસ્ટર મેનેજમેન્ટની તૈયારીની કવાયત પૂર્વે જ ભૂકંપ આવ્યો
સોમવાર-મંગળવારની મોડીરાત્રે 2:11 વાગ્યે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બંગાળની ખાડીમાં સમુદ્રની સપાટીથી 10 કિલોમીટર નીચે હતું. 6.2ની તીવ્રતાનો જોરદાર આંચકો અનુભવાયો સમાચાર એજન્સી રોઇટર્સે પણ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સ (GFZ)ને ટાંકીને જણાવ્યું હતું કે આંદામાન-નિકોબાર ટાપુઓમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 નોંધાઈ હતી, જ્યારે ધરતીકંપનું કેન્દ્રબિંદુ 10 કિમી ઊંડાઈએ રહ્યું હોવાનું પણ GFZએ નોંધ્યું છે, જોકે હાલ આ ભૂકંપથી કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલો મળ્યા નથી. આપત્તિ વ્યવસ્થાપન તૈયારીની કવાયત પૂર્વે જ આવ્યો ભૂકંપ ભૂકંપ જેવી આપત્તિઓ દરમિયાન તૈયારીઓની સમીક્ષા કરવા માટે દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR)માં 29 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન મોટે પાયે આપત્તિ વ્યવસ્થાપન તૈયારી કવાયત યોજવાનું નક્કી કર્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભૂકંપ અને ઔદ્યોગિક રાસાયણિક જોખમો જેવી મોટી આપત્તિઓ માટે સંકલન અને પ્રતિભાવ પદ્ધતિઓને મજબૂત બનાવવા માટે આ કવાયત હાથ ધરવામાં આવશે. આ કવાયત પૂર્વે જ આંદામાન-નિકોબાર ટાપુઓમાં 6.2ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવતાં આપત્તિ વ્યવસ્થાપન તંત્ર કામે લાગી ગયું છે. આ કવાયત રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA), ભારતીય સેના અને દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશની રાજ્ય સરકારો દ્વારા હાથ ધરવામાં આવશે. ભૂકંપ શા માટે આવે છે? આપણી પૃથ્વીની સપાટી મુખ્યત્વે 7 મોટી અને ઘણી નાની ટેક્ટોનિક પ્લેટોથી બનેલી છે. આ પ્લેટો સતત તરતી રહે છે અને ક્યારેક એકબીજા સાથે અથડાય છે. ઘણી વખત અથડામણને કારણે પ્લેટોના ખૂણા વળી જાય છે અને જ્યારે વધુપડતું દબાણ આવે છે, ત્યારે આ પ્લેટો તૂટવા લાગે છે. આવી સ્થિતિમાં નીચેથી નીકળતી ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે અને આ ડિસ્ટર્બન્સ પછી ભૂકંપ આવે છે.

What's Your Reaction?






