'મને ગોવિંદાની ભાણેજ કહેવાનું બંધ કરો':'સસુરાલ ગેંદા ફૂલ' ફેમ રાગિની ખન્નાએ કહ્યું, 'ટેગથી જવાબદારીના બોજ તળે દબાઈ જાઉં છું, મને મારા કામથી ઓળખો'
ટીવી સિરિયલ 'સસુરાલ ગેંદા ફૂલ' ફેમ એક્ટ્રેસ રાગિની ખન્નાએ પોતાને 'ગોવિંદાની ભાણેજ' કહેવા સામે વાંધો ઉઠાવ્યો છે. તાજેતરમાં એક્ટ્રેસે આ વિશે ખૂલીને વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિને તેના કામના આધારે ઓળખાવું જોઈએ, ન કે કોઈ સંબંધના આધારે. તેણે કહ્યું કે, આવા ટાઇટલ ન માત્ર વ્યક્તિની પોતાની સિદ્ધીઓ જ ઓછી કરે છે પરંતુ ગોવિંદા પ્રત્યે પણ અપમાનજનક છે. એક્ટ્રેસે જણાવ્યું કે, પોતે કોઈ ફેમેલી કનેક્શનના આધારે નહીં પણ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં તેણે કરેલા કામના આધારે ઓળખાવા માંગે છે. બોલિવૂડ બબલ (એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ) સાથેની વાતચીતમાં રાગિનીએ જણાવ્યું કે, ગોવિંદાની ભાણેજ તરીકેની ઓળખના લીધે તેને ઇન્ડસ્ટ્રીમાં ન્યુકમર (નવા આવતા કલાકાર) તરીકેના સંઘર્ષમાં વધારો થયો હતો. એક્ટ્રેસે કહ્યું, 'મને એ નથી સમજાતું કે કારણ કે તેમણે અભિનયના ક્ષેત્રમાં ઘણું બધું કામ કર્યું છે, તેથી લોકો માટે તેમનું નામ યાદ રાખવું સરળ થઈ જાય છે. દર્શકો ખૂબ અનુકૂળ બની ગયા છે. તેઓ દરેક વ્યક્તિનું નામ યાદ રાખવા નથી માંગતા, ફક્ત તેમનો સંબંધ યાદ રાખી લે છે. જો આવા કનેક્શનના કારણે પ્રોડ્યૂસર્સને વધુ દર્શકો મળતા હોય, તો તેઓ આને પ્રોત્સાહન આપે છે. પણ મને લાગે છે કે, ખરેખર તો આ તમારા ન્યુકમર તરીકેના સંઘર્ષમાં વધારો કરે છે. તમે ખૂબ મોટી છબી અને જવાબદારીના બોજ તળે દબાઈ જાવ છો.' રાગિનીએ વધુમાં ઉમેર્યું કે, 'તેના દરેક કઝીન્સને ગોવિંદાના ભાણેજનું બિરુદ મળ્યું છે અને તેઓ માને છે કે આ તેમના માટે અન્યાયી છે. તેમાંના મોટાભાગના લોકોએ નોંધપાત્ર કામ કર્યું છે, ત્યારે માત્ર તેમના સંબંધોના નામે તેમનો ઉલ્લેખ કરવાને પાત્ર નથી. તેનાથી વ્યક્તિની પ્રતિભા અને મહેનતની બદનામી થાય છે. જો મેં આટલા બધાં કામો કર્યા પછી પણ લોકો ફક્ત મને મારા મામા સાથેના સંબંધના કારણે મને યાદ રાખે છે, તો હું સ્તબ્ધ છું કે, આ પિક્ચરમાં મારું કામ ક્યાં છે?' રાગિનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેણે 2008માં ટીવી સિરિયલ 'રાધા કી બેટિયાં કુછ કર દિખાયેગી'થી ડેબ્યૂ કર્યું હતું. જોકે, તેને સિરિયલ 'સસુરાલ ગેંદા ફૂલ'માં ભજવેલા 'સુહાના કશ્યપ'ના પાત્રના કારણે ઘરે ઘરે ઓળખ મળી હતી. બાદમાં તેણે ટીવી રિયાલિટી શો 'ઝલક દિખલા જા' (સિઝન 4), 'કોમેડી નાઇટ્સ લાઇવ', 'કોમેડી સર્કસ' કર્યા હતા. ત્યારબાદ તેણીએ 'તીન થે ભાઈ'થી ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જે પછી તે 'પોષમ પા', 'ગુડગાંવ' અને 'ઘુમકેતુ' ફિલ્મમાં જોવા મળી હતી.

What's Your Reaction?






