શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો, પ્રલય અને નિર્માણ એના ખોળામાં રમતા હોય છે… ઘણી જગ્યાએ દીવાલો પર ચાણક્યના નામે લખેલી આ વાતમાં શિક્ષકની મહાનતા અને કર્તવ્ય બન્નેના દર્શન થાય છે પણ હકીકત એવી છે ખરી? થોડા દિવસ પહેલાં એક ફરમાન આવ્યું કે શ્રાવણ માસ દરમિયાન ઘેલા સોમનાથ મંદિરે શિક્ષકો VVIP ભોજન સંચાલન માટે મદદરૂપ થશે. ભારે વિરોધ થતાં અંતે આ ફરમાન પાછું ખેંચવાની ફરજ પડી. જસદણ અને વિંછીયા તાલુકાની શાળાઓમાં શિક્ષકોને આ આદેશ અપાયો હતો એટલે દિવ્ય ભાસ્કરની ટીમ જસદણ અને વિંછીયા પહોંચી. જ્યાં જઇને અમે તપાસ કરી તો આ વિસ્તારમાં શિક્ષકોની ઘટના આંકડાઓ અને શિક્ષણની હાલતની ચોંકાવનારી વાતો સામે આવી. જે શાળાઓના શિક્ષકોને VVIP ભોજનની વ્યવસ્થા કરવાની હતી તે શાળાઓમાં બાળકોના પરિણામની સ્થિતિ ખૂબ ખરાબ હતી. અમારી તપાસ દરમિયાન જોવા મળેલી ચોંકાવનારી બાબતો અહીં રજૂ કરીએ છીએ. વિવાદ શું હતો?
થોડા દિવસ અગાઉ એક તઘલખી ફરમાન સામે આવ્યું. આ ફરમાન હતું શિક્ષકોને ઘેલા સોમનાથ મંદિરે શ્રાવણ માસમાં VVIP ભોજનના વ્યવસ્થાની કામગીરીનું. ભારે વિરોધ બાદ ફરમાન પાછું લેવાયું. કેટલાક શિક્ષકો અને સંઘે કહ્યું અમે સ્વૈચ્છાએ કામ કરવા માટે રજૂઆત કરી હતી. હવે ડેપ્યુટી ક્લેક્ટરે સારા આયોજનને ધ્યાને લઈ આ નિર્ણય કર્યો હશે અને શિક્ષકો પોતાની ઇચ્છાથી ભક્તિનું કામ કરવા માંગતા હશે તેવું માની લઇએ પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે કોઈના માટે પ્રાથમિકતા શિક્ષણ કેમ નથી? બાળકોનું ભવિષ્ય કેમ નથી? જસદણમાં 15 % અને વિંછીયામાં 40 % શિક્ષકોની ઘટ
સૌ પહેલાં અમે જસદણ અને બાદમાં વિંછીયા એમ બન્ને તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારીની ઓફિસે પહોંચ્યા હતા. બન્ને તાલુકા ખાતે પ્રાથમિક શિક્ષણાધિકારી હાજર નહોતા. જસદણના પ્રાથમિક શિક્ષણાધિકારી ફિલ્ડ વિઝિટ પર ગયા હતા. જ્યારે વિંછીયાના પ્રાથમિક શિક્ષણાધિકારી રજા પર હતા. જો કે ત્યાં વધારાનો ચાર્જ સંભાળતા આચાર્ય બેઠા હતા. તેમની પાસેથી અમે કેટલીક વિગતો મેળવી. આચાર્યે જણાવ્યું કે, કેટલાક આચાર્ય પાસે કેનીનો એડિશનલ ચાર્જ હોય છે. જેમાં તેમને અઠવાડિયામાંથી 2 દિવસ પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીએ વહિવટી કાર્ય કરવાનું હોય છે. અમે આ તાલુકાઓમાં શિક્ષકોની ઘટ અંગે આંકડા મેળવ્યા તો ખબર પડી કે જસદણ તાલુકામાં 422 પ્રાથમિક શિક્ષકોની જગ્યા મંજૂર થયેલી છે. જેની સામે માત્ર 360 શિક્ષકો જ કામ કરે છે એટલે કે 62 શિક્ષકોની ઘટ છે. જેનો અર્થ એ થયો કે જસદણમાં 15 % થી વધુ શિક્ષકોની ઘટ છે. વિંછીયાનો આંકડો જાણીને તો તમે ચોંકી જશો. વિંછીયામાં પ્રાથમિક શાળામાં 270 શિક્ષકોનું મહેકમ મંજૂર થયેલું છે પરંતુ તેની સામે માત્ર 157 શિક્ષકો કાર્યરત છે. જ્યારે 113 શિક્ષકોની ઘટ છે એટલે કે વિંછીયામાં 40 % થી વધુ શિક્ષકોની ઘટ છે. ભોજન વ્યવસ્થા માટે 26 શાળાના શિક્ષકોને આદેશ અપાયો હતો
ઘેલા સોમનાથ મંદિરમાં VVIPની ભોજન વ્યવસ્થાના કામ માટે 26થી વધુ શાળાના શિક્ષકોને આદેશ અપાયો હતો. આ 26 શાળામાંથી અમે કેટલીક શાળાઓની મુલાકાત લીધી હતી. તે શાળાના પરિણામ અને શાળામાં શિક્ષકોની ઘટ આ તાલુકાઓમાં શિક્ષણના કથળેલા સ્તરની ચાડી ખાતા હતા. 5 શિક્ષકોનું કામ 2 શિક્ષકોથી ચલાવાય છે
સૌ પહેલા અમે જસદણ તાલુકાની આંબરડી કન્યા પ્રાથમિક શાળામાં પહોંચ્યા. અમે શાળાએ જઇને જોયું તો આમાં શિક્ષકોનો વાંક હોય તેવું ન લાગ્યું. આ શાળામાં પ્રાથમિક શિક્ષકોનું મહેકમ 5 શિક્ષકોનું છે પરંતુ શાળામાં 3 શિક્ષકોની ઘટ છે. એટલે કે 5 શિક્ષકોનું કામ માત્ર 2 શિક્ષકો ચલાવે છે. શાળામાં જ્ઞાન સહાયક છે પરંતુ તે વૈકલ્પિક અને કામચલાઉ વ્યવસ્થા છે. 2 શિક્ષકો પર 30 વિષયની જવાબદારી
શાળાના બે શિક્ષકોને બાલવાટિકા અને 5 ધોરણ એમ કુલ 6 ધોરણ ભણાવવા પડે છે. દરેક ધોરણના 5 વિષય ગણીએ તો પણ 2 સરકારી શિક્ષકો પર 30 વિષયોની જવાબદારી છે. તેવામાં શિક્ષકોને માત્ર ભણતર જ નહીં પરંતુ વહીવટી સહિતની અન્ય કામગીરી પણ કરવી પડે છે. આ પરિસ્થિતિમાં પ્રશ્ન એ થાય કે જો આ 2 સરકારી શિક્ષકમાંથી 1 શિક્ષક VVIP ભોજન વ્યવસ્થા સંભાળવા ગયા હોત તો 1 સરકારી શિક્ષકના ભરોસે આખું પ્રાથમિક શિક્ષણ કેવી રીતે ચાલે? આંબરડી કન્યા પ્રાથમિક શાળાના છેલ્લા 3 વર્ષનું પરિણામ જોઇએ તો 2022-23માં ગુણોત્સવ પ્રમાણે શાળાનું (અધ્યયન અને અધ્યાપન) પરિણામ માત્ર 47.71 % હતું. 2023-24માં ગુણોત્સવ પ્રમાણે શાળાનું (અધ્યયન અને અધ્યાપન) પરિણામ માત્ર 64.59 % હતું. જ્યારે 2024-25માં શાળાનું (અધ્યયન અને અધ્યાપન) પરિણામ 70.7 %એ પહોંચ્યું છે. આ શાળા હજુ પણ B ગ્રેડમાં આવે છે. સરકારી નિયમ મુજબ પ્રાથમિકમાં કોઇ વિદ્યાર્થીને નાપાસ કરી શકાતો નથી નહીંતર આ શાળાનું પરિણામ જોતા કેટલા વિદ્યાર્થીઓ નાપાસ થાય તેનો અંદાજો લગાવી શકાય તેમ છે. આંબરડી કન્યા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ કોઇ મિટિંગમાં ગયા હતા. જેથી અમે ત્યાંના સરકારી શિક્ષિકા જ્યોતિબેન ડોબરિયા સાથે વાતચીત કરી હતી. જ્યોતિબેન છેલ્લા 2 વર્ષથી આંબરડી કન્યા શાળામાં ભણાવે છે. વિદ્યાર્થી 133 અને શિક્ષકો 2
તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે આ શાળામાં ધોરણ 1 થી 5 સુધીમાં 133 જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે. અમે પૂછ્યું કે શિક્ષણ ઉપરાંત પ્રાથમિક શાળાના શિક્ષકોને કઇ કઇ કામગીરી કરવાની હોય છે?
તે પ્રશ્નનો જવાબ આપતા તેઓ કહે છે કે, સરકાર તરફથી શિષ્યવૃત્તિની કામગીરી કરવાની હોય છે. આ ઉપરાંત BLO, વસતિ ગણતરી, ચૂંટણીની કામગીરી સહિતની કામગીરીઓ કરવાની હોય છે. શાળાનું કામ પડતું મૂકીને બીજી કામગીરી કરવી પડે છે
અમે પૂછ્યું કે ધોરણ 1 થી 5 સુધીમાં કેટલા વિષયો આવતા હોય છે અને 1 શિક્ષકના ભાગે કેટલા વિષય આવે છે?
આ પ્રશ્ન અંગે તેમણે કહ્યું કે ધોરણ 3 થી 5 માં 5-5 વિષયો આવે છે. ધોરણ 1થી 3માં ઓછા વિષયો હોય છે પરંતુ જ્ઞાન સહાયકો સહિત દરેક શિક્ષકના ભાગમાં 1 દિવસમાં 8 પીરિયડ લેવાના આવે છે. 1 વીકમાં અમારે 45 પીરિયડ લેવાના હોય છે અને આ ઉપરાંત બીજી કામગીરી આ વચ્ચેના સમયમાં કરવાની હોય છે ત્યારે શાળા પછીના સમયમાં પણ કરવી પડે છે. આ ઉપરાંત બીજી કોઇ કામગીરી આવે તો શાળાનું કામ બગાડીને પણ કરવી પડતી હોય છે. આંબરડી કન્યા શાળાની મુલાકાત બાદ અમે વિંછીયા તાલુકાની સોમ પીપળિયા સ્કૂલે પહોંચ્યા હતા. આજે પણ 4 શિક્ષકોની ઘટ
સોમ પીપળિયા પ્રાથમિક શાળામાં કુલ 7 શિક્ષકોનું મહેકમ છે. જેમાં જૂન મહિના સુધી 2 શિક્ષકો જ હતા એટલે 5 શિક્ષકોની ઘટ હતી. છેલ્લા અઠવાડિયા પહેલા એક મહિલા શિક્ષક આવ્યા પરંતુ આજે પણ આ શાળામાં 4 શિક્ષકોની ઘટ છે. તેવામાં 1 શિક્ષક શાળાના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. અમે સોમ પીપળિયા શાળાના અગાઉના પરિણામ તપાસ્યા તો ત્યાં પણ આંબરડી જેવા જ હાલ હતા. 2022-23માં ગુણોત્સવ પ્રમાણે શાળાનું (અધ્યયન અને અધ્યાપન) પરિણામ માત્ર 61.47 % હતું. 2024-25માં ગુણોત્સવ પ્રમાણે શાળાનું (અધ્યયન અને અધ્યાપન) પરિણામ 84 % એ પહોંચ્યું છે. પરંતુ શાળાનું ઓવરઓલ પરિણામ હજુ પણ 65 % જ છે એટલે કે આ શાળા પણ હજુ B ગ્રેડમાં જ આવે છે. અમે સ્કૂલના પ્રિન્સિપાલ કેયુર મંડેર સાથે વાતચીત કરી હતી. 253 વિદ્યાર્થીઓ માટે ફક્ત 3 શિક્ષકો
પ્રિન્સિપાલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે,અમારે ધોરણ 1 થી 5માં 253 વિદ્યાર્થીઓની સંખ્યા છે. અમારે 7 શિક્ષકોનું મહેકમ છે. તેમાંથી અત્યાર સુધી 2 શિક્ષકો ફરજ બજાવતા હતા. જ્યારે અઠવાડિયા પહેલા બીજા 1 શિક્ષિકા હાજર થયા છે એટલે કે 7માંથી 3 શિક્ષકો છે જ્યારે 4ની ઘટ છે. આ ઉપરાંત જ્ઞાન સહાયકો ફરજ બજાવે છે. દરેકના ભાગે કેટલા વિષયો આવે છે તેની માહિતી આપતા તેમણે કહ્યું કે, ધોરણ 3થી 5માં દરેકના ભાગે 5-5 વિષયો આવે છે. જ્યારે બીજા ધોરણ સુધીમાં ઓછા વિષયો આવતા હોય છે પરંતુ અંદાજે 1 સરકારી શિક્ષકના ભાગે દરેક ધોરણના થઇ 10 થી વધુ વિષયો ભણાવવાના હોય છે. અમે પૂછ્યું કે શિક્ષણ સિવાયની અન્ય કઇ કઇ કામગીરી કરવી પડે છે?
તેનો જવાબ આપતા તેમણે કહ્યું કે ઉપરથી જે કોઇ પ્રકારના પરિપત્ર થાય તે તમામ કામગીરી અમારે કરવી પડે છે. વિદ્યાર્થીઓની હાજરી પૂરવાની, શિક્ષકોની હાજરી પૂરવાની, શિષ્યવૃતિનું ઓનલાઇન કામ કરવાનું, સત્રાંત પરીક્ષાના ઓનલાઇન ડેટાના માર્ક અપલોડ કરવાના રહે છે. વિદ્યાર્થીઓની હાજરી તો અમે શાળાના સમયમાં જ પૂરી લઇએ છીએ. આ ઉપરાંતના કામો શિક્ષકો રિસેસના સમયમાં કે શાળાનું કાર્ય પૂરું થયા પછી પોતાની રીતે કરતા હોય છે. બન્ને શાળાની મુલાકાત લીધા બાદ અમે જસદણના ડેપ્યુટી કલેક્ટર રાહુલકુમારને મળ્યા હતા અને વાતચીત કરી હતી. શિક્ષકો સ્વૈચ્છાએ વ્યવસ્થામાં જોડાય છેઃ ડેપ્યુટી કલેક્ટર
રાહુલ કુમારે પરિપત્ર વિશે વાત કરતા કહ્યું હતું કે, જસદણ વિંછીયા વિસ્તારમાં જે ઘેલા સોમનાથ મંદિર આવેલું છે તેના ટ્રસ્ટમાં મામલતદાર અને અમે એમ તમામ અધિકારીઓ સામેલ છે. આ શ્રાવણ માસમાં મંદિરમાં કોઇ અવ્યવસ્થા ન સર્જાય તેના માટે દરેકને અલગ અલગ પ્રકારની કામગીરી સોંપાતી હોય છે. દર વર્ષે શિક્ષણ વિભાગના કેટલાક શિક્ષકો સ્વૈચ્છાએ વ્યવસ્થામાં ફરજ બજાવતા હોય છે અને તેમણે આ વર્ષે પણ અમારો સંપર્ક કર્યો હતો. જેના અનુસંધાને અમે તેમને કામગીરીની વહેંચણી કરી હતી. આ પાછળનો અમારો એકમાત્ર એ ઉદ્દેશ્ય હતો કે ત્યાં અવ્યવસ્થા ન સર્જાય. 'જ્યારે હુકમ બહાર પડ્યો ત્યારે શાળા સમય દરમિયાન ફરજ બજાવવાની વાત સામે આવી ત્યારે જ અમે શિક્ષકોને જાણ કરી દીધી હતી કે આ ફરજ શાળા સમય દરમિયાન નહીં પરંતુ શાળાનો સમય પત્યા બાદ બજાવવાની છે અને અમે આમાં કોઇને ફોર્સ કર્યો નહોતો.' અમે પૂછ્યું કે આ પ્રકારની શાળાઓમાં VVIP કલ્ચર ઊભું થાય તે કેટલું યોગ્ય છે?
આ પ્રશ્નનો જવાબ આપતા તેમણે કહ્યું કે, પ્રોટોકોલના ભાગરૂપે મંદિરમાં કોઇ આવતું હોય તો તેની વાત છે, બાકી આ શિક્ષકો VVIP માટેની કામગીરી બજાવતા નથી હોતા. પાર્કિંગ, પ્રસાદ વિતરણ સહિતની જે સેવાઓ તેમને યોગ્ય લાગે તે સ્વૈચ્છાએ કરતા હોય છે. પરિપત્ર રદ થયો પણ શિક્ષકો સ્વૈચ્છાએ સેવા કરશે
પોતાની વાત પૂરી કરતાં ડેપ્યુટી કલેક્ટર કહે છે કે, અમારો ઉદ્દેશ્ય ક્યારેય શાળાનું શિક્ષણ બગડે તેવો ન હોય. જે સ્વૈચ્છાએ આવતા હોય છે એ પોતાની રીતે ત્યાં આવતા હોય છે. હજુપણ સેવા આપવા માંગતા શિક્ષકો સામે સવાલ
ડેપ્યુટી કલેક્ટરના આ બચાવ બાદ સવાલ એ થાય કે જે શિક્ષકો એકસ્ટ્રા ટાઇમ કાઢીને હજુ પણ સ્વૈચ્છિક સેવા આપવા માંગે છે તે શિક્ષકો બાળકોને ભણાવવા માટે શા માટે એકસ્ટ્રા ટાઇમ કાઢી નથી શકતા? હજુપણ સેવા આપવા માગતા શિક્ષકોએ બાળકોના એકસ્ટ્રા પીરિયડ લેવા તેવો પરિપત્ર ડેપ્યુટી કલેક્ટર શા માટે નથી કરતા? શિક્ષકોના અભાવે બાળકોનું ભણતર બગડી રહ્યું છે તેના માટે કોણ જવાબદાર? શિક્ષકો અને જ્ઞાન સહાયકો કેમેરા સામે બોલવા તૈયાર નથી
અમે સમગ્ર મુદ્દે શિક્ષકો અને જ્ઞાન સહાયકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો. જો કે આ વિવાદિત વિષય અને પોતાના કામના ભારણ અંગે કોઇ ઓન કેમેરા બોલવા તૈયાર ન થયું પરંતુ અનેક શિક્ષકોએ નામ અને ચહેરો ન બતાવવાની શરતે બળાપા કાઢ્યા. અમે જસદણ અને વિંછીયા એમ 2 તાલુકાના શિક્ષકોની વ્યથા તમારી સામે રજૂ કરીએ છીએ. સરકારને શિક્ષકો જ શા માટે દેખાય છે?
એક શિક્ષકે કહ્યું કે, સરકારી આદેશ પ્રમાણે 13 પ્રકારના કર્મચારીને BLOની કામગીરી સોંપી શકાય પરંતુ કેમ હંમેશા મોટાભાગના BLOનું કામ શિક્ષકને સોંપવામાં આવે છે? હવે તો આંગણવાડીના લોકો વિરોધ કરે છે એટલે એમનું કામ પણ અમને અપાય છે. અમારે શિક્ષણકાર્ય સિવાયના અનેક કામ અને ઉપરથી BLOનું કામ પણ કરવું પડે છે. અન્ય શિક્ષકે આ જ કામ અંગે કહ્યું કે, અમારી શાળામાં 6માંથી 3 શિક્ષક BLO છે. હવે BLOની મિટિંગ હોય ત્યારે 6 માંથી 3 શિક્ષક ત્યાં જાય એટલે 8 ધોરણ 3 શિક્ષકોના ભરોસે થઇ જાય છે. અમે જસદણ તાલુકા પાસેની એક શાળાએ પહોંચ્યા તો શિક્ષકે નામ ન દેવાની શરતે કહ્યું કે અમારી શાળામાં હજુ સુધી આ વર્ષના પૂરતા પાઠ્યપુસ્તકો નથી પહોંચ્યા.વિદ્યાર્થીઓ પાસે પાઠ્યપુસ્તકો જ ન હોય તો તે કેવી રીતે ભણશે? મિટિંગમાં હાજર ન રહે તો નોટિસ આવે
એક શિક્ષકે કહ્યું કે ઘણીવાર એક શિક્ષકને શૈક્ષણિક પ્રવૃતિ સિવાય પણ એક દિવસમાં 2 ઓર્ડર મળતા હોય છે. મારા પરિચિત એક શિક્ષકને એક જ દિવસે BLOની મિંટિંગમાં જવાનો ઓર્ડર હતો અને ટ્રેનિંગમાં જવાનો પણ ઓર્ડર હતો. હવે એક વ્યક્તિ બે જગ્યાએ કેવી રીતે હાજર રહી શકે. જો એક પણ મિટિંગમાં હાજર ન રહીએ તો સીધી નોટિસ મળી જાય છે. અન્ય એક શિક્ષકે કહ્યું કે,જ્યારે નવી ભરતીમાં શિક્ષકની ઘટ અંગે પૂછવામાં આવે તો અમને ગણ્યા પછી ઘટ કહેવામાં આવે છે. એટલે કે 5 શિક્ષકની ઘટ હોય અને 3 જ્ઞાન સહાયક હોય તો 2ની જ ઘટ બતાવાય છે. જ્ઞાન સહાયક ગમે ત્યારે રાજીનામું આપીને જતો રહી શકે છે. તે ગમે તેવું ભણાવે તો પણ કંઇ કહી નથી શકાતું કારણ કે જતો રહેશે તેવો ડર હોય છે. જો તે જતો રહે તો દુકાળમાં અધિક માસ જેવું થઇ જાય. તે શિક્ષકે ઉમેર્યું કે સરકારના અનેક નિયમ તઘલખી હોય છે. એકતરફ ફોન જમા કરાવવાનું કહે છે બીજી તરફ હાજરીથી લઇને તમામ કાર્ય ઓનલાઇન કરવાનું કહે છે. કોઇ સૂચના પણ હવે ઓનલાઇન જ મોકલે છે તો ફોન વાપરવાનો કે નહીં વાપરવાનો? શિક્ષણનું કામ ઓછું અને બાકીના કામ વધી ગયા
અમે વિંછીયા તાલુકાની કેટલીક શાળાઓમાં ફર્યા. ત્યાં એક શિક્ષકે નામ ન દેવાની શરતે કહ્યું કે, શૈક્ષણિક કાર્ય સિવાયના કામો એટલા બધા વધી ગયા છે કે, શિક્ષણનું કામ ઓછું અને બાકી બધું વધી ગયું છે. બીજા કાર્યના ત્રાસથી સરકારી શિક્ષકો વહેલા નિવૃતિ લેવા માંડ્યા છે. એક શિક્ષકે કહ્યું કેમેરા સામે પણ ઘણું કહેવુ છે પરંતુ કંઇ કહીશ તો ગાંધીનગથી નોટિસ આવી જશે. 15 વર્ષ પહેલા દરેક શિક્ષકને એક જ વિષય મળતો. તે 1 થી 8 ધોરણ સુધી એક વિષય લેતો એટલે એક જ બાળક 8માં ધોરણ સુધી તેની સામેથી પસાર થતો. જેનાથી કોણ સારુ છે અને કોણ નબળું છે તેનો શિક્ષકને ખ્યાલ રહેતો અને બાળકનું યોગ્ય ઘડતર થઇ શકતું હતું. હવે તો શિક્ષકને દરેક વિદ્યાર્થીના નામ પણ યાદ નથી રહેતા. એક શિક્ષકે તો એવું કહ્યું કે, ઘેલા સોમનાથમાં વ્યવસ્થા કરવાની હતી તો તેના માટે બીજા અનેક લોકો હતા. જો સરકારી કર્મચારી ન મળે તો બીજાને નોકરીએ રાખવા જોઇતા હતા, અનેક લોકો બેરોજગાર છે. દરેક જગ્યાએ શિક્ષક જ કેમ દેખાય છે? 3 મહિનાથી જ્ઞાન સહાયકનો પગાર નથી થયો
અમને જ્ઞાન સહાયક પણ મળ્યા તેમણે કહ્યું કે, અમે રાજકોટ જિલ્લામાં કામ કરીએ છીએ. અમારો છેલ્લા 3 મહિનાથી પગાર નથી થયો. અમારા કરારમાં 11 મહિના પછી કોન્ટ્રાક્ટ રિન્યૂ થશે તો કેટલા સમયમાં થશે તેનો કોઇ ઉલ્લેખ નથી. કોન્ટ્રાક્ટ પૂરો થયા પછી રિન્યૂ થાય ત્યાં સુધી અમારે રઝળવાનો વારો આવે છે. આંકડિયા ગામની શાળામાં શિક્ષક જ નથી
અમે વિંછીયાના આંકડિયા ગામે પહોંચ્યા તો ત્યાંની પરિસ્થિતિ આશ્ચર્ય પમાડે તેવી હતી. આ ગામની પ્રાથમિક શાળામાં ફક્ત એક જ સરકારી શિક્ષક હતા જે નિવૃત થયા પછી આ શાળા માત્ર જ્ઞાન સહાયકોના ભરોસે જ ચાલે છે. સરકારી શિક્ષક માટે પે સેન્ટરે વારા કાઢ્યા છે. આસપાસની શાળામાંથી જુદા જુદા શિક્ષકના અઠવાડિયાના વારા છે એટલે આંકડિયાના વિદ્યાર્થીને આવતીકાલે કોણ ભણાવશે તેની ખબર જ નથી હોતી. છેલ્લે એક શિક્ષકે અમને જે વાત કરી તેણે અમને વિચારતા કરી દીધા. તેણે કહ્યું કે સરકારને સૌથી ઓછો રસ શિક્ષણ ખાતામાં કારણ કે આ ખાતામાંથી કોઇ આવક નથી માત્ર જાવક છે. અધિકારીઓને પણ વધારે રસ નથી કારણ કે બીજા ખાતા કરતા અહીં કરપ્શનના ચાન્સ ઓછા છે. ફરિયાદ કરનારા શિક્ષકો સિવાયનો પણ અન્ય એક વર્ગ મળ્યો હતો. જેમાં મોટાભાગના લોકો શિક્ષણ સંઘ સાથે જોડાયેલા હતા. અમે તેમની સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે આ વિષય પૂરો થઇ ગયો છે એટલે અમે કેમેરા સામે ફરી બોલવા નથી માંગતા. મહાદેવ સામે કોઇનું કંઇ પદ હોતું નથી. અમે શિક્ષક નહોતા ત્યારે પણ સેવા કરવા જતા હતા અને રિટાયર્ડ થયા પછી પણ જવાના છીએ. અમને દર વર્ષે 12 CL મળે છે તેને અમે અમારી રીતે ગમે ત્યારે વાપરી શકીએ. અમે એ વાપરીને તો સેવા કરવા જઇ જ શકીએ ને? આ રીતે અમે અનેક શિક્ષકોને મળ્યા તેમનો મત જાણ્યો હતો. ગુજરાતમાં શિક્ષણ તંત્ર અંગે અનેક રજૂઆતો અને પ્રશ્નો છાશવારે સામે આવતા રહે છે. રાજ્યની સરકારી શાળાઓમાં એક, બે નહીં પરંતુ 40 હજાર શિક્ષકોની ઘટ છે. આ મુદ્દે અનેકવાર રજૂઆતો થયા પછી જ્ઞાન સહાયકની કરવામાં આવી. જેમાં HTAT પાસ કરેલા ઉમેદવારોને સરકારી શાળામાં કોન્ટ્રાક્ટ હેઠળ નોકરીએ રાખવામાં આવે છે. જ્ઞાન સહાયકોની નિમણુક બાદ પણ શિક્ષકોની ઘટ પૂરી નથી થઇ. તીડ ભગાડવાની, શૌચાલયની તપાસની જવાબદારી સોંપાઇ ચૂકી છે
ઘટ વચ્ચે પોતાની રીતે મેનેજ કરીને શાળા ચલાવતા શિક્ષકો પાસે ફક્ત ભણાવવાનું કામ નથી. તેમને ભણાવવાની સાથે અનેક વહીવટી કાર્યો કરવા પડે છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓનું આધાર કાર્ડ નીકળ્યું કે નહીં તે જોવાનું કામ પણ શિક્ષકોને સોંપાયું છે. ચૂંટણી સમયે BLO તરીકે કામ કરવાથી લઇને વસતિ ગણતરી જેવા કાર્ય તો શિક્ષકો વર્ષોથી કરતા આવે છે પરંતુ સમય સાથે શિક્ષકો પરનું ભારણ વધતું જાય છે. અગાઉ આપણે જોયું છે તેમ તીડ ભગાડવા, ગામમાં શૌચાલય બન્યા છે કે નહીં તેની તપાસ, કોઇ ખુલ્લામાં શૌચ કરવા ન જાય તેનું ધ્યાન રાખવા જેવા અનેક તઘલખી ફરમાન શિક્ષકોને થઇ ચૂક્યા છે. વડાપ્રધાનનું જીવંત પ્રસારણ નિહાળવાની કામગીરી
વર્ષ 2022માં વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું હતું કે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને શિક્ષણકાર્ય સિવાયની વધારાની 93 કામગીરી સોંપાય છે. જેમાં વડાપ્રધાનનું જીવંત પ્રસારણ નિહાળવાનો પણ સમાવેશ થાય છે. શિક્ષણ વિશે કેમ કોઇ વિચારતું નથી?
જસદણ અને વિંછીયામાં શિક્ષકોની ઘટ, શાળાઓના પરિણામ અને શિક્ષણના સ્તરને જોઇને આવો નિર્ણય કરવાનો વિચાર પણ કેવી રીતે આવે તે પ્રશ્ન હતો? અગાઉ પણ બીજા જિલ્લાઓમાં શિક્ષકોને વિચિત્ર તઘલખી ફરમાન કરાયા છે. કોઇપણ કાર્યમાં પહેલા શિક્ષક જ કેમ યાદ આવે છે? શિક્ષણ કોઇ માટે પ્રાથમિકતા કેમ નથી? કોઇપણ કામ સોંપતા પહેલા વિદ્યાર્થીઓના શિક્ષણનું શું થશે તેનું કેમ કોઇ વિચારતું નથી? અન્ય વિભાગોમાં ઘટ પૂરાય છે પરંતુ આટલા વર્ષોથી શિક્ષકોની ઘટ પર કેમ કોઇ ધ્યાન નથી આપતું? જ્ઞાન સહાયકોને નોકરીએ રખાય છે તો તેમનો સમયસર પગાર કેમ આપવામાં નથી આવતો? આવા અનેક સવાલો અમારી સામે આવ્યા. શિક્ષકોના મનમાં પણ છે, વિદ્યાર્થીઓ અને ગામ લોકોના મનમાં પણ છે પરંતુ સરકારના મનમાં કેમ નથી? છે તો તેને ગંભીરતાથી કેમ નથી લેતા? આ બધા સવાલોના જવાબ મળે અને શિક્ષણનું સ્તર સુધરે તેવી આશા. આ પણ વાંચો
ગુજરાતમાં 12,500 શિક્ષકો અને 700 આચાર્યોની ઘટ