લોકોએ કાર્યવાહીની માંગણી કરી:બીલીમોરા-વઘઇ ટ્રેન સામે દોડતા યુવકનો વીડિયો સોશિયલ મિડીયામાં વહેતો થયો
વાંસદા નેશનલ પાર્ક વિસ્તારમાં બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેનની સામે દોડતા અને પુલ પરથી પસાર થતી ટ્રેનનો ડ્રોન કેમેરાથી ઉતારેલો જોખમી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં એક યુવક ટ્રેન સામે દોડતો જોવા મળે છે. ડ્રોન કેમેરા ટ્રેનની અત્યંત નજીકથી ફરતો દેખાય છે. નદીના પુલ પરથી પસાર થતી ટ્રેનની નીચેથી પણ ડ્રોન ઉડાડવામાં આવ્યો હતો. આ પ્રકારની હરકત ટ્રેન માટે અડચણરૂપ અને અત્યંત જોખમી છે. નેશનલ પાર્ક વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ હોવા છતાં આ વીડિયો બનાવવામાં આવ્યો છે. આ ઘટના બાદ અનેક સવાલો ઉભા થયા છે. પ્રવાસીઓને આ પ્રકારના વીડિયો બનાવવાની પરમિશન કોણે આપી? અથવા પરમિશન વગર વીડિયો બનાવ્યો હોય તો વનવિભાગના અધિકારીઓને કેમ જાણ ન થઈ? ભૂતકાળમાં આ નેશનલ પાર્કમાંથી હરણની તસ્કરીની ઘટના પણ સામે આવી હતી. આવા ડ્રોન વીડિયો ગુનાહિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી શકે છે. લોકોએ માંગ કરી છે કે, વન વિભાગ અને પોલીસે આ પ્રકારે જોખમી રીતે રીલ્સ બનાવનાર અને ટ્રેનને અડચણરૂપ થનારા લોકો સામે સખત પગલાં લેવા જોઈએ. તેવી લોકોની માગ છે. ડ્રોન ઉડાડનારની શોધ કરી રહ્યાં છીએ અમને વીડિયો અંગે જાણ થઈ છે. અમે ડ્રોન ઉડાડનાર વ્યક્તિની શોધખોળ કરી રહ્યા છે. નેશનલ પાર્કનો અડધો ભાગ ડાંગ જિલ્લામાં અને કેટલોક ભાગ નવસારી જિલ્લાના વાંસદામાં આવે છે. પોલીસ ચોક્કસ સ્થળની માહિતી મેળવી રહી છે અને ત્યારબાદ ડ્રોન ઉડાડનાર સામે કાર્યવાહી કરાશે.> એન.એમ. આહિર, પોલીસ ઇન્સ્પેક્ટર, વાંસદા

What's Your Reaction?






