પર્દાફાશ:શહેરના જંગલેશ્વર શિવમંદિરમાં લીંગની પ્રાણપ્રતિષ્ઠા થઈ જ નથી
જામનગરમાં જંગલેશ્વર મહાદેવના મંદિરનું શ્રાવણ માસના પ્રથમ દિવસે જ ડિમોલિશન કર્યા બાદ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, નવા સ્થળે મંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. પરંતુ કોંગ્રેસ દ્વારા આ જુઠાણનો પર્ફાદાશ કરી કોઈ પ્રતિષ્ઠા થઈ નથી કે મંદિરનું કામ પણ હજુ અધૂરુ છે તે સામે લઈ આવતા ભારે ચકચાર જાગી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર મંદિરથી જૂની આરટીઓ કચેરી સુધીના ડીપી કપાત રોડ માટે દબાણ હટાવવાની કામગીરી અંતર્ગત વર્ષો જૂના જંગલેશ્વર મહાદેવ મંદિરનું ગત તારીખ 25 જુલાઈ, શ્રાવણ માસના પ્રથમ દિવસે જ ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ કામગીરી સમયે કમિશનરે મીડિયાને સંબોધીને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, "બાજુમાં નવા મંદિરનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે અને જૂના મંદિરની મૂર્તિઓને શાસ્ત્રોક્ત વિધિ મુજબ નવા મંદિરમાં સુખરૂપ સ્થાપિત કરી દેવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયામાં મંદિરના ટ્રસ્ટી મંડળનો પણ સંપૂર્ણ સહયોગ મળ્યો છે અને ધર્મપ્રેમી જનતાનો કોઈ વિરોધ નથી." આ નિવેદનથી તંત્રએ કામગીરીને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. આ વિવાદ વધુ ત્યારે વકર્યો જ્યારેગઈકાલે ફરી જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને વિરોધ પક્ષના નેતા ધવલ નંદા સહિતના કોંગ્રેસી હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ લખોટા તળાવની પાળ નજીક આવેલા નિર્માણાધીન જંગલેશ્વર મહાદેવ મંદિરની જાત મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન જે વાસ્તવિકતા સામે આવી તે ચોંકાવનારી હતી. સ્થળ પર જોવા મળ્યું કે મંદિરનું નિર્માણ કાર્ય હજુ અધૂરું છે, ત્યાં કોઈ પણ મૂર્તિની સ્થાપના કે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી નથી. એટલું જ નહીં. મહાદેવનું શિવલિંગ પણ મંદિર પરિસરમાં એક તરફ રાખવામાં આવેલું હતું. આ દ્રશ્યોએ કમિશનર અને સત્તાધીશોના જુઠાણાનો સ્પષ્ટપણે પર્દાફાશ કરી દીધો હતો.

What's Your Reaction?






