સૌરાષ્ટ્ર-કચ્છમાં આ વર્ષે 11 વર્ષની સરેરાશ કરતા ઓછો વરસાદ:1 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રમાં સરેરાશ 17 અને કચ્છમાં 12 ઈંચ, વરસાદ ઓછો પણ 161 ડેમમાં જળસંગ્રહ ગત વર્ષ કરતા વધુ
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં સત્તાવાર ચોમાસાના આગમનને દોઢ મહિનાનો સમય વિતી ચૂક્યો છે. 1 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં સરેરાશ 17 ઈંચ જ્યારે કચ્છમાં 12 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. હાલ મોટાભાગના જિલ્લાઓમાં મેઘવિરામ છે. 1 ઓગસ્ટ સુધીમાં છેલ્લા 11 વર્ષમાં વરસેલા સરેરાશ વરસાદ કરતા આ વર્ષે ઓછો વરસાદ વરસ્યો છે. જો કે, હજી ચોમાસું બાકી હોય આ ખાધ પૂરી થવાની શક્યતા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વરસાદ ઓછો છે પણ સૌરાષ્ટ્ર કચ્છના ડેમમાં ગત વર્ષ કરતા જળસંગ્રહ વધુ થયો છે. સૌરાષ્ટ્ર કચ્છના 12 જિલ્લામાં 1 ઓગસ્ટ સુધીમાં વરસેલા વરસાદની અને ડેમની સ્થિતિ કેવી છે તે ગ્રાફિક્સની મદદથી સમજીએ. 11 વર્ષની સરેરાશ કરતા આ વર્ષે ઓછો વરસાદ છેલ્લા 11 વર્ષ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં 1 ઓગસ્ટ દરમિયાન વરસેલા સરેરાશ વરસાદ કરતા આ વર્ષે 1 ઓગસ્ટ સુધીમાં ઓછો વરસાદ વરસ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં પણ આ વર્ષે 1 ઓગસ્ટ સુધીમાં સૌથી ઓછો વરસાદ છે. આ વર્ષે સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં સરેરાશ 16 અને કચ્છમાં 12 ઈંચ વરસાદ વરસ્યો છે. આ પહેલા 2016માં 1 ઓગસ્ટ સુધીમાં સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં સરેરાશ 9 ઈંચ અને કચ્છમાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ જૂનાગઢમાં 21 ઈંચ સરેરાશ વરસાદ 1 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાઓમાં વરસેલા વરસાદના આંકડાની વાત કરીએ તો, સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં 21 ઈંચ સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે ઓછો અમરેલી, મોરબી અને કચ્છમાં 12-12 ઈંચ નોંધાયો છે. સૌરાષ્ટ્ર ઝોનના ડેમની સ્થિતિ 1 ઓગસ્ટ 2025 સુધીમાં સૌરાષ્ટ્રના 141 ડેમમાં 66.18 ટકા જળસંગ્રહ થયો છે. જે ગયા વર્ષે આજની તારીખે 51.54 ટકા જ હતો. એટલે કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સૌરાષ્ટ્રના ડેમોમાં 15 ટકા વધુ જળસંગ્રહ થયેલો છે. કચ્છ ઝોનના ડેમની સ્થિતિ કચ્છ જિલ્લાના 20 ડેમમાં 1 ઓગસ્ટ 2024ના રોજ 52.25 ટકા જળસંગ્રહ હતો. તેની સરખામણીએ આ વર્ષે 3 ટકા વધુ એટલે કે 55.21 ટકા જળસંગ્રહ થયેલો છે. આ સમાચાર પણ વાંચોઃ નર્મદા ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડાયું સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસથી પાણીની ભારે આવક થઈ રહી છે. આ કારણે ડેમના કુલ 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા નદીમાં 3 લાખ 88 હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિને કારણે નર્મદા નદીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવી શકે છે. વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. (સંપૂર્ણ સમાચાર વાંચો) ગુજરાતના છલકાતા ડેમોનો અદભુત નજારો આ વર્ષે જૂનમાં પડેલા નોંધપાત્ર વરસાદે ગુજરાતના ડેમોને ફરી જીવંત કરી દીધા છે. દિવ્ય ભાસ્કરે ગુજરાતના એવા 5 ડેમની ખાસ ઝલક રજૂ કરી છે, જે માત્ર છલકાયા નથી, પણ ધસમસતા પાણી સાથે ગુજરાતની સંસ્કૃતિ અને ઇતિહાસની વાતો કહી રહ્યા છે (વીડિયો જોવા અહીં ક્લિક કરો).

What's Your Reaction?






