હેપ્પી બર્થ-ડે ગાંધીનગર:ગુજરાતના કેપિટલ સિટીથી લઈને એજ્યુકેશન સિટી તરીકે દેશમાં પ્રખ્યાત, મહાનગરોની સાથે ગાંધીનગર જિલ્લો પણ વિકાસની કૂચમાં અગ્રેસર
આજે ગુજરાતના પાટનગરનો 61નો જન્મ દિવસ છે. ગાંધીનગરની સ્થાપના 2 ઓગસ્ટ 1965ના રોજ કરવામાં આવી હતી. ગાંધીનગર રાજ્યના કેપિટલ સિટી, ગ્રીન સિટી, ક્લીન સિટી, ટ્વીન સિટી, પોલિટિકલ સિટી તથા એજ્યુકેશન સિટી તરીકે પણ સમગ્ર દેશમાં પ્રખ્યાત છે, સાથે જ સુંદર માર્ગો, બગીચાઓ, કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, વાંચનાલયો ધરાવતા પાટનગરે રાજ્યના અન્ય શહેરો માટે રાહબર બનાવા સાથે આજે પોતાના 60 વર્ષની સફર પૂર્ણ કરી છે. આ સાથે જ ગાંધીનગર જિલ્લો વિકાસની આ કૂચમાં અગ્રેસર તો છે જ પરંતુ વિકાસની સાથોસાથ વિવિધ ક્ષેત્રોમાં પણ સિમાચિન્હો અંકિત કરી રહ્યું છે અને રાજ્યને વિકાસનું નેતૃત્વ પુરૂ પાડી રહ્યું છે. પાટનગર 1થી 30 સેક્ટરો અથવા 'ક' થી 'જ'નાં માર્ગો સુધી બંધાયેલું નથી ગાંધીનગર આજે વિસ્તારની દૃષ્ટિએ પણ વિશાળ બન્યું છે. શરૂઆતમાં ગાંધીનગર સેક્ટર 28 અને 29 એમ બે સેક્ટર પુરતુ જ જાણીતું હતું, જ્યારે આજે માત્ર 1થી 30 સેક્ટરો અથવા 'ક' થી 'જ'નાં માર્ગો કે 1થી 7 સર્કલોની સીમામાં બંધાયેલું નથી. ગાંધીનગમાં આસપાસનાં ઘણાં ગામડાઓનો સમાવેશ થયો છે, જેમા છેલ્લે 18 જુન 2020નાં રોજ 18 ગ્રામપંચાયતો અને એક નગરપાલિકાનો સમાવેશ ગાંધીનગર મહાનગરપાલિકામાં કરતાં પાટનગરનો વ્યાપ વધ્યો છે. ચંડીગઢ બાદ બીજા સ્થાને આયોજન બદ્ધ શહેર તરીકે ગાંધીનગર જાણીતું ઈ.સ 1965માં અમદાવાદ અને મેહસાણા જિલ્લામાંથી ગાંધીનગરની રચના કરવામાં આવી હતી. ગાંધીનગરનું નિર્માણ ફ્રેન્ચ આર્કિટેક લા-કાર્બુઝિયર દ્વારા પંજાબના ચંડીગઢ મુજબ 30 સેકટરોમાં કરવામાં આવી હતી. સંપુર્ણ ભારતમાં ચંડીગઢ પછી બીજા સ્થાને આયોજન બદ્ધ શહેર તરીકે ગાંધીનગર જાણીતું છે. 1971માં ગુજરાતનું પાટનગર અમદાવાદથી ગાંધીનગર ખસેડાયું ઈ.સ 1971માં હિતેન્દ્રભાઈ દેસાઈના મુખ્યમંત્રી પદ હેઠળ ગુજરાતનું પાટનગર અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવ્યું હતું. આ સમયથી જ ગાંધીનગરને શ્રેષ્ઠ બનાવવની સાથે સુરક્ષિત અને સવલતો સભર બનાવવાની સરકારની નેમ હતી. વર્તમાન સમયમાં રાજ્ય તેમજ કેન્દ્ર સરકારનાં નેતૃત્વમાં જિલ્લાએ શાંતિ, સ્થિરતા, એકતા સાથેના સર્વાંગી વિકાસનો સંગમ રચ્યો છે અને જન ભાગીદારી સાથે જિલ્લાએ ઉચ્ચ શિક્ષણ, આરોગ્ય, ઉધોગો, ઉર્જા, કૃષિ, માર્ગ વિકાસ, પાણી પુરવઠો, રોજગારી, મહિલા બાળ વિકાસ તથા વંચિતોને વિકાસની દિશામાં સુવર્ણ સિદ્ધિઓ હાંસલ કરી છે. ગાંધીનગરની આગવી ઓળખ બની ગિફ્ટ સિટી આજે ગાંધીનગર જિલ્લો વિકાસનું શ્રેષ્ઠ મોડલ બન્યો છે. જિલ્લો વૈશ્વિક કક્ષાની શિક્ષણ સુવિધાઓ, યુનિવર્સિટીઓ થકી વિદ્યાધામ બની દેશ વિદેશના વિદ્યાર્થીઓને આકર્ષી રહ્યો છે. વિશ્વનાં શ્રેષ્ઠ શહેરોની બરાબરી કરી શકે તેવા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ જિલ્લામાં આકારીત થઈ રહ્યો છે. જેમાં મહાત્મા મંદિર નિર્માણ થઈ ચૂક્યું છે અને ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી એટલે કે, ગિફ્ટ સિટી ગાંધીનગરની નવી ઓળખ સમા બની છે. શૈક્ષણિક નગરી તરીકે ગાંધીનગરને નવી ઓળખ મળી આ સાથે ગાંધીનગરની શૈક્ષણિક સંસ્થઓની વાત કરવામાં આવેતો PDPU, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટ, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટ, DICT, NID, ચિલ્ડર્ન યુનિવર્સિટ, સ્પોર્ટ્સ યુનિવર્સિટ, IIT, ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ જેવી સંસ્થાઓ થકી ગાંધીનગરને શૈક્ષણિક નગરી તરીકે નવી ઓળખ મળી છે. કૃષિ વિકાસની સાથો સાથ મેડિકલ સુવિધાઓથી સજ્જ ગાંધીનગર જિલ્લામાં ખેતી અને પશુ પાલનની વાત કરવામાં આવે તો કૃષિ વિકાસની સાથો સાથ પશુપાલનમાં શ્વેતક્રાંતિનો વાહક બન્યો છે. આરોગ્યની દૃષ્ટિએ પણ જિલ્લામાં ભરપુર સુવિધાઓ છે. જેમા એક સિવિલ હોસ્પિટલ, 9 સામુહિક આરોગ્ય કેન્દ્ર, 32 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 170 પેટા આરોગ્ય કેન્દ્ર, 14 સરકારી દવાખાના, 2 પી.પી યુનિટ, 17 આયુર્વેદિક આરોગ્ય કેન્દ્ર અને 9 હોમિયોપેથિક દવાખાના સામેલ છે. બે જ સેક્ટરમાં વસેલું ગાંધીનગર આજે વિશાળ બન્યું વર્ષ 1969માં રચાયેલું ગાંધીનગર હવે દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે. ગાંધીનગરનો પૌરાણિક અને ઐતિહાસિક વારસો પણ ભવ્ય છે. ત્યારે પહેલાં માત્ર 28 અને 29 એમ બે જ સેક્ટરમાં દેખાતું કે વસેલું ગાંધીનગર આજે વિશાળ બન્યું છે. ગાંધીનગર જિલ્લામાં 288 ગામ, 4 તાલુકા અને 4 નદીઓનો સમાવેશ ગુજરાતનું પાટનગર એટલે ગાંધીનગર કુલ 2139.62 ચો. કિ.મી. જેટલા કુલ ક્ષેત્રફળમાં ફેલાયેલું છે, જેમાં કુલ 288 ગામ, 4 તાલુકા, 4 નદીઓનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ સાથે જોડાયેલું આ નગર અને ગાંધીનગર જિલ્લાએ સમગ્ર વિશ્વમાં એક હરિયાળા અને રળિયામણા પાટનગર તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી છે. નગરની પ્રથમ ઈમારતની પ્રથમ ઈંટ તા. 2 ઓગસ્ટ 1965ના રોજ હાલના ગુજરાત વિદ્યુત બોર્ડ સ્થિત થર્મલ પાવર સ્ટેશનના સરકીટ હાઉસના મકાનની જગ્યાએ મૂકવામાં આવી હતી. અક્ષરધામથી લઈ ગિફ્ટ સિટી સહિતના આકર્ષણો ગાંધીનગર શહેરી ડિઝાઇન, લીલી જગ્યાઓ અને સાંસ્કૃતિક આકર્ષણો માટે જાણીતું છે. તે ખાસ કરીને તેના ઇન્દ્રોડા ડાયનાસોર અને ફોસિલ પાર્ક, અક્ષરધામ મંદિર અને તેના વ્યાપક લીલા આવરણને કારણે "ભારતની વૃક્ષ રાજધાની" તરીકે પ્રખ્યાત છે. મહાત્મા મંદિર, ઇન્દ્રોડા પાર્ક, અક્ષરધામ, સરિતા ઉદ્યાન, પુનીત વન, અડાલજ ઐતિહાસિક વાવ, અંબાપુરની વાવ, વાસણ ગામે વૈજનાથ મહાદેવનું મંદિર, મહુડીનું જૈન મંદિર, જૈન તીર્થ -કોબા, રૂપાલ ગામે વરદાયિની મંદિર, વિધાનસભા, ત્રિમંદિર, અમરનાથ ધામ, ગિફ્ટ સિટી જેવા આકર્ષણો છે. ગાંધીનગર ગિફ્ટ સિટીનું ઘર પણ છે, જે એક મુખ્ય નાણાકીય અને ટેકનોલોજી કેન્દ્ર છે. ગાંધીનગરની “સુપર સ્વચ્છ લીગ” માટે પસંદગી ગાંધીનગરને "Clean and Green city" તરીકે ઓળખવામાં આવે છે. તેના માટે 17 જુલાઈ 2025ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા ભવ્ય સમારંભમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા માર્ચ 2025માં MoHUAની ટીમ દ્વારા સ્થળ પર કરવામાં આવેલા મૂલ્યાંકન બાદ નક્કી કરવામાં આવ્યા છે. સ્વચ્છ સર્વેક્ષણ 2024માં ગાંધીનગર શહેરને 3 લાખથી 10 લાખની વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં “સુપર સ્વચ્છ લીગ” માટે પસંદ કરવામાં આવ્યું છે.

What's Your Reaction?






