'હું બોમન ઇરાની સાથે કાસ્ટિંગ કાઉચ કરવા માંગતી હતી':ફરાહ ખાનની વાત સાંભળી સૌ ખડખડાટ હસી પડ્યા; એક્ટરની પત્નીને સૌતન ગણાવી
ફિલ્મ ડિરેક્ટર- કોરિયોગ્રાફર ફરાહ ખાનના તેના કુક દિલીપ સાથેના ફૂડ વ્લોગને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. બંને વચ્ચેની મજાક-મસ્તીએ થોડા સમયમાં જ લોકોના દિલમાં જગ્યા મેળવી લીધી છે. તાજેતરમાં બંને તેમના નવા ફૂડ વ્લોગ માટે એક્ટર બોમન ઈરાનીના ઘરે પહોંચ્યાં હતાં. જ્યાં ફરાહે ખુલાસો કર્યો કે, તે બોમન ઈરાની સાથે કાસ્ટિંગ કાઉચ કરવા માંગતી હતી. જોકે, આ વાત સાંભળીને બોમન અને તેમના પત્ની ખડખડાટ હસી પડ્યાં હતાં. બોમનના ઘરે જતા પહેલા ફરાહ દિલીપને કહે છે કે, 'જો હું બોમન સાથે ફ્લર્ટ કરીશ તો ઘરે જઇને ભૈયા (ફરાહનો પતિ)ને આ વિશે વાત ન કરીશ. ત્યારે દિલીપ નિર્દોષતાથી પૂછે છે કે, 'ફ્લર્ટિંગ શું છે?' ત્યારે ફરાહ સમજાવે છે કે, 'ફ્લર્ટિંગ એટલે આંખો મારવી, અથવા જો હું બોમન સરને ગળે લગાવું, કે હું તેમની બાજુમાં બેસું.' પછી દિલીપ પૂછે છે કે, 'મેડમ, તમે એવું તે શું કરવાના છો કે તેને છુપાવવું પડે?' આ વાત પર ફરાહ તેને ચૂપ રહેવાનું કહે છે. ત્યારે દિલીપ ધીમેથી કહે છે કે, 'હું તો સરને કહી દઈશ.' જ્યારે ફરાહ બોમન ઈરાનીના ઘરે પહોંચે છે, ત્યારે તેની પત્ની ઝેનેબિયા દરવાજો ખોલે છે. બોમનની પત્નીને જોઈને ફરાહ કહે છે, 'આવી ગઈ મારી સૌતન.' ત્યારે બોમન તેમની પત્નીનો પક્ષ લેતા કહે છે કે, 'તું મારી ઝેનેબિયાને સૌતન કહે છે, તું સૌતન છે...' પછી બંને એકબીજાને ગળે લગાવે છે અને સાઇડ કિસ આપે છે. ત્યારે ફરાહ દિલીપને કહે છે કે, 'સરને આ કંઈ કહેવાનું નથી.' પછી તે બોમનને ગળે લગાવીને કહે છે, 'મેં તેને (દિલીપ)ને કહી દીધું છે કે, કોઈને કહેવાનું નથી.' જોકે, દિલીપ ઝડપથી કહે છે, 'હું તો સાહેબને કહીશ.' બોમન અને ફરાહ બંને તેને ટાપલી મારે છે અને કહે છે 'ચૂપ રહે.' ફરાહ આગળ કહે છે, 'જ્યારે તેની પત્નીને અમારી નિકટતાથી કોઈ વાંધો નથી, તો તને આટલી તકલીફ કેમ છે?' ફરાહ ખાને આગળ મજાકમાં કહ્યું, 'હું મારી ફિલ્મ માટે ફક્ત બોમન સાથે કાસ્ટિંગ કાઉચ કરવા માંગતી હતી.' તે આગળ કહે છે, 'પણ તેની કાસ્ટિંગ ઝડપથી થઈ ગઈ, તેને સોફા પર બેસવાની પણ જરૂર નહોતી.' પછી ત્યાં હાજર બધા ખડખડાટ હસી પડે છે. ફરાહે પહેલા બોમનને ફિલ્મ 'મૈં હું ના' માટે કાસ્ટ કર્યો હતો. ત્યારબાદ 2014 માં ફિલ્મ 'હેપ્પી ન્યૂ યર'માં ફરીથી કાસ્ટ કર્યો હતો.

What's Your Reaction?






