બે વર્ષમાં જ લગ્નજીવનમાં ભંગાણ પડ્યું!:હંસિકા મોટવાણીએ પતિ સાથેના ફોટો ડિલીટ કર્યા; લાંબા સમયથી બંને અલગ રહેતા હોવાની ચર્ચા
હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ, હંસિકા અને સોહેલ અલગ રહી રહ્યા છે. બંને લગ્નના બે વર્ષ બાદથી જ અલગ રહેવા લાગ્યા છે. આ જ અહેવાલમાં, એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, હંસિકાએ તેની માતા સાથે રહેવાનું શરૂ કર્યું છે, જ્યારે સોહેલ તેના માતા-પિતા સાથે શિફ્ટ થઈ ગયો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, જ્યારે હંસિકા અને સોહેલના ડિસેમ્બર 2022 માં લગ્ન થયા, ત્યારે શરૂઆતમાં આ દંપતી સોહેલના પરિવાર સાથે રહેતું હતું. જોકે, મોટા પરિવાર સાથે એડજસ્ટ થવું મુશ્કેલ હતું તેથી પછીથી તેઓ એક જ બિલ્ડિંગમાં એક ફ્લેટમાં શિફ્ટ થઈ ગયા. જોકે, અલગ રહેવા પછી પણ બંને વચ્ચેની સમસ્યાઓનો અંત આવ્યો નહીં. જોકે, છૂટાછેડાના સમાચાર પર અત્યાર સુધી બંને તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. છૂટાછેડાની ચર્ચા વચ્ચે એક્ટ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પરથી પતિ સોહેલ સાથેના ફોટો ડિલીટ કે આર્કાઇવ કરી દીધા છે. તેના લગ્નના ફોટો પણ દૂર કરી દીધા છે. ઉપરાંત તેણે છેલ્લે બે અઠવાડિયા પહેલા માતા સાથે એક રમુજી રીલ શેર કર્યા બાદ કોઈ રીલ કે ફોટો શેર કર્યો નથી. તેમજ સ્ટોરી પણ મુકતી ન હોવાથી તેના ફેન્સ ચિંતામાં મુકાઈ ગયા છે. નોંધનીય છે કે, સોહેલના હંસિકા સાથે બીજા લગ્ન છે. એક્ટ્રેસ પહેલા તેણે રિંકી બજાજ નામની મહિલા સાથે લગ્ન કર્યાં હતાં. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં રિંકીને હંસિકાની મિત્ર ગણાવવામાં આવી હતી અને એવો દાવો કરાયો હતો કે, તેણે તેની બહેનપણીના એક્સ પતિ સાથે લગ્ન કર્યા છે. જોકે, એક્ટ્રેસે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, સોહેલ તેના ભાઈનો સારો મિત્ર છે. તેને બળજબરીથી વિલન બનાવવામાં આવી રહી છે. ટીવીમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે શરૂઆત કરી હંસિકાએ ટીવી ઇન્ડસ્ટ્રીમાં 'શકા લાકા બૂમ બૂમ'થી બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તે 'દેશ મેં નિકલા હોગા ચાંદ' અને હૃતિક રોશનની ફિલ્મ 'કોઈ... મિલ ગયા'માં પણ જોવા મળી હતી. હંસિકાએ 2007માં તેલુગુ ફિલ્મ 'દેસામુદુરુ'માં લીડ એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કર્યું હતું, જે સુપરહિટ રહી હતી. આ પછી, તેણે કોલિવૂડમાં 'કાંત્રી', 'મસ્કા' અને 2011 માં તમિલ ફિલ્મ 'મેપિલ્લઈ' સાથે ડેબ્યૂ કર્યું. હંસિકાએ 'સિંઘમ 2' અને 'અરનમનઈ' જેવી ઘણી હિટ તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે. 2017 માં, તે મલયાલમ ફિલ્મ 'વિલન' માં પણ જોવા મળી હતી.

What's Your Reaction?






