એક જ દિવસમાં ત્રણ આત્મહત્યા:નવસારીમાં રેલવે ટ્રેક પર મહિલા, ટાંકલમાં યુવક અને સાતેમ ગામમાં 30 વર્ષીય વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું
નવસારી જિલ્લામાં એક જ દિવસમાં ત્રણ આત્મહત્યાના બનાવ નોંધાતા ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. આ ત્રણેય ઘટનાઓ અલગ-અલગ પોલીસ સ્ટેશનની હદમાં બની છે. પહેલી ઘટનામાં, 6 ઓગસ્ટના રોજ બપોરે આશરે 12:55 વાગ્યે સુરત-મુંબઈ રેલવે ટ્રેક પર એક અજાણી મહિલાએ ટ્રેન સામે કૂદીને આત્મહત્યા કરી હતી. 12472 અપ ટ્રેનના ડ્રાઈવરે આ અંગે માહિતી આપી હતી. નવસારી રેલવે સ્ટેશનના માસ્ટર અવધ બિહારીએ વિજલપોર પોલીસને જાણ કરી હતી. મૃતક મહિલાની ઉંમર આશરે 35થી 40 વર્ષની હોવાનું અનુમાન છે. તેણે ગુલાબી અને લીલા રંગની ફૂલવાળી ડિઝાઇનની સાડી પહેરી હતી અને પગમાં આછા ગુલાબી રંગના સફેદ પટ્ટાવાળા સ્લીપર હતા. અકસ્માતમાં મહિલાનું શરીર ગંભીર રીતે છિન્નભિન્ન થઈ ગયું હતું. આ મામલે વિજલપોર પોલીસ સ્ટેશનના PSI એચ.એસ. પટેલ તપાસ કરી રહ્યા છે. બીજી ઘટનામાં, ચિખલી તાલુકાના ટાંકલ ગામે રહેતા 30 વર્ષીય જયસિંહ કાલસિંહ રાજપુતે 6 ઓગસ્ટના રોજ બપોરે 1 વાગ્યા પહેલા ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તે મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના રાનીવાડા તાલુકાના કોરી ગામનો રહેવાસી હતો. હાલ તે ટાંકલના રેટકુવા વિસ્તારમાં પ્રમુખ શોપિંગ સેન્ટરના રૂમ નંબર 2માં ભાડે રહેતો હતો. આ કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ ધનસુખભાઈ મણીલાલ કરી રહ્યા છે. ત્રીજી ઘટનામાં, સાતેમ ગામના રામનગર ફળિયામાં રહેતા 30 વર્ષીય ચંપકભાઈ બાબુભાઈ હળપતિએ 6 ઓગસ્ટના રોજ સાંજે 7:30 વાગ્યે જીતેન્દ્રભાઈ ભુલાભાઈ પટેલની આંબાવાડીમાં આંબાના ઝાડની ડાળી સાથે સફેદ દોરી વડે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ મૃતકના પિતા બાબુભાઈ નગીનભાઈ હળપતિ (55)એ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં કરી હતી. આ મામલે PSI એમ.એલ. સૈયદ તપાસ કરી રહ્યા છે. ત્રણેય ઘટનાઓમાં આત્મહત્યાના કારણો અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે. એક જ દિવસમાં ત્રણ આત્મહત્યાના બનાવ નોંધાતા જિલ્લામાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

What's Your Reaction?






