પાટણમાં સિંધી સમાજના ચાલીસા વ્રત:ઝૂલેલાલ ભગવાનના 26માં વંશજ ઠાકુર સાઈ મનીષ લાલનું આગમન, 46 વ્રતધારીઓને આશીર્વાદ આપ્યા
પાટણમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સિંધી સમાજ દ્વારા તેમના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલની યાદમાં ચાલીસા વ્રતની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પવિત્ર અવસર પર ભરૂચથી શ્રી ઝૂલેલાલ ભગવાનના 26માં વંશજ અને વર્તમાન ગાદેશ્વર, પરમ પૂજ્ય ઠાકુર સાઈ મનીષ લાલ સાહેબજીનું પાટણ ખાતે આગમન થયું હતું. સાઈ મનીષ લાલ સાહેબજીએ પાટણની મુલાકાત લઈ ચાલીસા વ્રત કરનાર 46 ભાઈ-બહેનોને વિશેષ આશીર્વાદ પાઠવ્યા હતા. તેમણે ઝૂલેલાલ ભગવાનના અમર કથાનો મહિમા સમજાવ્યો હતો. આ કાર્યક્રમમાં સિંધી સમાજના અનેક પરિવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પાટણના ઇષ્ટદેવ શ્રી ઝૂલેલાલ ભગવાન અને કુળદેવી શ્રી હિંગળાજ માતાના મંદિરે વર્ષોથી અખંડ જ્યોત પ્રજ્વલિત છે. આ સ્થળે ભક્તિમય માહોલ સર્જાયો હતો. કાર્યક્રમ દરમિયાન ઝૂલેલાલ રાસ મંડળના ભજનોના તાલે સૌ કોઈ ભક્તિભાવમાં ઝૂમી ઉઠ્યા હતા. પાટણના અગ્રણી વેપારીના ઘરે સાઈજીનું ભવ્ય સ્વાગત અને સામૈયું કરવામાં આવ્યું હતું. તેમણે 40 દિવસના વ્રતનું મહત્વ અને ઝૂલેલાલ ભગવાનનો મહિમા સમજાવીને, ઉપસ્થિત સૌને આશીર્વાદ આપ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઝૂલેલાલ મંદિરના પ્રમુખ ખેમચંદભાઈ સહીત ઝૂલેલાલ રાસ મંડળના તમામ કારોબારી સભ્યોએ સહકાર આપ્યો હતો.

What's Your Reaction?






