'હોમબાઉન્ડ'ના સિનેમેટોગ્રાફરનો કાંડ ખુલ્યો!:ગંદા મેસેજ, જાતીય ઉત્પીડન અને હેરાન કરવાના આરોપો, કરણ જોહરે 'ઝીરો ટૉલરન્સ'ના નામે હાથ ખંખેર્યા
કરણ જોહરની ફિલ્મ 'હોમબાઉન્ડ' પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલ 2025માં ચર્ચામાં આવી હતી. આ ફિલ્મને 9 મિનિટ સુધી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું. હવે આ ફિલ્મના સિનેમેટોગ્રાફર પ્રતીક શાહ પર જાતીય ગેરવર્તણૂક (સેક્શુઅલ મિસકન્ડક્ટ)નો આરોપ મૂકવામાં આવ્યો છે. પ્રતીક શાહ પર આરોપો લાગ્યા બાદ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સે પ્રતીક અંગે ઑફિશિયલ સ્ટેટમેન્ટ બહાર પાડીને હાથ ખંખેરી લીધા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'પ્રતીકે તેમની સાથે મર્યાદિત સમય માટે કામ કર્યું હતું અને તે દરમિયાન તેમને ફિલ્મમાં કામ કરતા કોઈપણ કલાકારો કે ક્રૂ મેમ્બર તરફથી પ્રતીક વિરુદ્ધ કોઈ ફરિયાદ મળી નથી.' ધર્મા પ્રોડક્શન્સ તરફથી સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'ધર્મા પ્રોડક્શન્સમાં અમારી સાથે કામ કરતા કોઈપણ વ્યક્તિ સાથે દુર્વ્યવહાર અથવા જાતીય સતામણી પ્રત્યે ઝીરો ટૉલરન્સ (શૂન્ય સહિષ્ણુતા)ની નીતિ ધરાવીએ છે અને અમે જાતીય સતામણીના કેસોને ખૂબ ગંભીરતાથી લઈએ છીએ. પ્રતીક શાહ 'હોમબાઉન્ડ' પ્રોજેક્ટમાં ફ્રીલાન્સર હતા અને તેમણે મર્યાદિત સમય માટે ફિલ્મ પર કામ કર્યું હતું. તેમનો અમારી સાથેનો સંબંધ પૂરો થઈ ગયો છે. આ મર્યાદિત સમયગાળા દરમિયાન અમારી આંતરિક POSH સમિતિને 'હોમબાઉન્ડ' ફિલ્મના કોઈપણ કલાકારો અને ક્રૂ તરફથી તેમના વિરુદ્ધ કોઈ ફરિયાદ મળી નથી.' ઇન્ટરનલ પોશ કમિટી એ 'કાર્યસ્થળે મહિલાઓની જાતીય સતામણી (અટકાવવા, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ, 2013' હેઠળ ફરજિયાત બનાવવામાં આવેલી એક સમિતિ છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી અટકાવવાનો, તેનો પ્રતિબંધ કરવાનો અને આવી ઘટનાઓ બને તો તેની ફરિયાદોનું નિરાકરણ લાવવાનો છે. 31 મેના રોજ, ફિલ્મ મેકર હંસલ મહેતાએ પણ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x (અગાઉ ટ્વિટર) હેન્ડલ પર લખ્યું હતું કે 'સત્તાના હોદ્દા પર બેઠેલા પુરુષોના હિંસક વર્તનની સંપૂર્ણ તપાસ થવી જોઈએ.' પોતાના ટ્વીટમાં કોઈનું નામ લીધા વિના, તેમણે લખ્યું, 'દુર્વ્યવહાર (અબ્યુઝ) મૌનમાં પાંગરે છે. તે ડરમાં પાંગરે છે.' શું છે આખો મામલો? 29 મેના રોજ, એક સ્વતંત્ર ફિલ્મમેકર અભિનવ સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પ્રતીક શાહ વિરુદ્ધ એક લાંબી નોટ લખી. તેણે પોતાની સ્ટોરીમાં પ્રતીકને ચાલાકીભર્યો (મેનિપ્યુલેટિવ) અને ભાવનાત્મક રીતે અપમાનજનક (ઇમોશનલી અબ્યૂસિવ) કહ્યો. અભિનવનો દાવો છે કે, તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી ત્યારબાદ લગભગ 20 છોકરીઓએ તેનો સંપર્ક કર્યો અને પ્રતીક પર ગંભીર આરોપો લગાવ્યા. જ્યારે મામલો વધુ વકર્યો, ત્યારે પ્રતીકે પોતાનું સોશિયલ મીડિયા ડિલીટ કરી દીધું અથવા એક્ટિવેટ કરી દીધું. અભિનવ પછી લેખિકા સૃષ્ટિ રિયા જૈને પણ એક ઇન્સ્ટા સ્ટોરી શેર કરી અને પ્રતીક શાહ પર આરોપ લગાવ્યો. રિયાએ જણાવ્યું કે, પ્રતીક છેલ્લા ચાર વર્ષથી તેને ખોટા મેસેજ મોકલી રહ્યો છે.

What's Your Reaction?






