Editor's View: મસ્કનો 'ટ્રમ્પ રસ' ખાટો થઈ ગયો:અમેરિકી રાષ્ટ્રપતિને એક જ દિવસમાં બે મોટા ઝટકા; ટ્રમ્પની બંને ભુજા કપાઈ ગઈ, 5 પોઇન્ટમાં સમજો મોહભંગનું મહાભારત
આ વાત ત્રણ મહિના પહેલાંની છે. ફેબ્રુઆરી-2025ની. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ને એક મહિનો માંડ થયો હતો. એ વખતથી જ ટ્રમ્પ અને મસ્ક વચ્ચે તિરાડ પડી રહી હોવાના સંકેત મળી ચૂક્યા હતા. એક કેબિનેટ મિટિંગમાં મસ્કે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો પર જાહેરમાં ઘણા આક્ષેપો કર્યા. ટ્રાન્સપોર્ટ મંત્રી સાથે પણ દલીલો કરી. એ વખતે ડોનાલ્ડ ટ્રમ્પે મસ્કને બેસી જવા ઈશારો કર્યો. ટ્રમ્પે જાહેરમાં કહ્યું કે, તમારું કામ માત્ર સલાહ આપવાનું છે. નિર્ણય લેવાનું કામ મંત્રીઓનું છે. એ સમયગાળા દરમિયાન અમેરિકામાં મંદીના ભણકારા વાગી રહ્યા હતા અને તેની અસર ઈલોન મસ્કની નેટવર્થ પર પણ જોવા મળી. 24 કલાકમાં મસ્કની કુલ સંપત્તિ 29 બિલિયન ડોલર એટલે કે અઢી લાખ કરોડથી વધુ ઘટી ગઈ. એ વખતે ટ્રમ્પ અને મસ્ક વચ્ચે પડેલી તિરાડ પહોળી થતી ગઈ ને આખરે જે થવાનું હતું તે થઈને રહ્યું. મસ્કે ટ્રમ્પ સરકાર સાથે છેડો ફાડી નાખ્યો. આ ટ્રમ્પ માટે અસહ્ય ઝટકો છે. ટ્રમ્પને બીજો ઝટકો ટેરિફ મામલે લાગ્યો. અમેરિકાની કોર્ટે કહ્યું કે, અમેરિકાના સંવિધાનમાં લખ્યું છે કે દેશની પ્રગતિ માટે સંતુલિત બિઝનેસ કરવો. રાષ્ટ્રપતિ પોતાની શક્તિ વાપરીને ટેરિફના નિર્ણયો લઈ શકે નહીં. ટ્રમ્પનું અભિમાન ભાંગીને ભુક્કો થઈ ગયું છે. મસ્કના જોરે ટ્રમ્પ કૂદતા હતા અને ટેરિફની ધમકી આપતા હતા. મસ્ક અને ટેરિફ બંને ટ્રમ્પની ભૂજા હતી, એ જ બંને કપાઈ ગઈ છે. નમસ્કાર, ડોનાલ્ડ ટ્રમ્પના અણઘડ નિર્ણયો, બીજા દેશના રાષ્ટ્રપતિઓનું અપમાન, ટેરિફના કારણે દુનિયા સાથે સંબંધો બગાડવા આ બધું અમેરિકાને ભારે પડી રહ્યું હતું. ટ્રમ્પના નજીકના સાથી ઈલોન મસ્કે સમયસર ટ્રમ્પ સાથે છેડો ફાડી નાખ્યો છે. એના બે કારણો છે... ટ્રમ્પ જે બજેટ બિલ લાવ્યા હતા, મસ્ક તેની વિરોધમાં હતા ટ્રમ્પની નીતિઓના કારણે મસ્કની કંપની ટેસ્લા અને સ્પેસએક્સને થઈ રહેલું નુકસાન ઈલોન મસ્કે એકાએક ટ્રમ્પનો સાથ છોડી દીધો ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ ઈલોન મસ્કે અમેરિકાના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર લખ્યું કે, પોતે હવે ડોનાલ્ડ ટ્રમ્પની ટીમનો ભાગ નથી, જોકે તે ટ્રમ્પને "જિગરી દોસ્ત" માને છે. વિશેષ સરકારી અધિકારી તરીકેનો મારો નિર્ધારિત સમય પૂરો થઈ રહ્યો છે, તેથી હું રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માનું છું કે તેમણે મને નકામા ખર્ચ ઘટાડવાની તક આપી. સમય જતાં DOGE (ડોજ) મિશન વધુ મજબૂત બનશે. અમેરિકામાં સરકારી સંસ્થા છે, જેનું નામ છે - ડોજ. (DOGE). આ સંસ્થાનું કામ એ છે કે ગમે તેમ કરીને સરકારી ખર્ચા ઘટાડવા. ટ્રમ્પ બીજીવાર રાષ્ટ્રપતિ બન્યા ત્યારે ઈલોન મસ્કને ડોજના હેડ બનાવી દીધા. ટ્રમ્પે અવધિ આપી હતી કે મસ્ક 130 દિવસ માટે ડોજના અધ્યક્ષ રહેશે. આ 130 દિવસ 30 મેએ પૂરા થાય છે. તેના એક દિવસ પહેલાં જ 29 મેએ મસ્કે પોતે જ જાહેરાત કરીને ટ્રમ્પ સાથે છેડો ફાડી નાખ્યો. મસ્કને એવો તે શું વાંધો પડ્યો કે સરકારમાંથી રાજીનામું આપી દીધું? ટ્રમ્પ અને ઈલોન વચ્ચેના તાજેતરના સંઘર્ષનું કારણ એક ભારે ભરખમ સરકારી બિલ મનાય છે. ટ્રમ્પે તેને "One Big Beautiful Bill" કહ્યું છે. આ બિલમાં ટેક્સ ઘટાડાની જોગવાઈ છે. ગેરકાયદે ઘૂસણખોરી અટકાવવા બોર્ડરની સિક્યોરિટી વધારવા માટેની જોગવાઈ છે. મસ્કે તેને "બહુ મોટા ખર્ચવાળું બિલ" ગણાવ્યું. મસ્કના મતે આ બિલ ફેડરલ ડેફિસિટ (સંઘીય ખાધ)માં વધારો કરે છે અને DOGE (ડોજ)ના 'કામને નબળું પાડે છે'. મસ્કે CBS ચેનલને ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, વિશાળ ખર્ચવાળું બિલ જોઈને નિરાશ થયા છે. આ બિલ બજેટ ખાધમાં વધારો કરનારું છે અને DOGE ટીમ દ્વારા કરવામાં આવી રહેલા કામને નબળું પાડે છે. આમાં બે વાત છે. 28 મેએ CBS ચેનલને ઈન્ટરવ્યૂ આપ્યો ને વ્હાઈટ હાઉસમાંથી ફરમાન આવી ગયું કે, મિસ્ટર મસ્ક. તમને તાત્કાલિક અસરથી ડોજના અધ્યક્ષ પદેથી હટાવવામાં આવે છે. બીજી વાત એવી છે કે, મસ્કને ખબર હતી કે આ ઈન્ટરવ્યૂ પછી ટ્રમ્પને મારી વાત ગમશે નહીં ને કાંઈપણ પગલાં લેશે. એના કરતાં સામેથી જ ટ્રમ્પ સરકારને ટાટા બાય..બાય.. કરી દેવું સારું. એક વાત નોંધ લેવા જેવી છે કે, મસ્કે ટ્રમ્પ સરકાર સાથે છેડો ફાડ્યો તે પહેલાં ટ્રમ્પને મળ્યા પણ નહીં. ટ્રમ્પના 'બિગ બ્યૂટિફુલ બિલ'નો મસ્ક વિરોધ કરે છે, તેને 5 પોઈન્ટમાં સમજો ઈન્કમટેક્સ અને એસ્ટેટ ટેક્સમાં 2017ના ઘટાડાને કાયમી બનાવવા, ટેક્સ ડિડક્શનને વધારવાનો પ્રસ્તાવ. ઓવરટાઇમ, ટિપ્સ અને સોશિયલ સિક્યોરિટી ઈન્કમ પર ટેક્સ ઘટાડવાનો પ્રસ્તાવ, વ્હાઇટ હાઉસ કહે છે કે વાર્ષિક 30થી 80 હજાર ડોલર કમાતા લોકોએ આવતા વર્ષે 15% ઓછો ટેક્સ આપવો પડશે. ગેરકાયદે ઈમિગ્રેશન રોકવા માટે બોર્ડર સિક્યોરિટી અને અમેરિકી સેનાને મજબૂત કરવા વધારે ખર્ચ કરવો. સરકારમાં નકામા ખર્ચા, ગોટાળા અને દુરુપયોગ રોકવા માટે કડક વ્યવસ્થા કરવી. ડેબ્ટ સીલિંગ એટલે કે સરકાર કેટલી લોન લઈ શકે છે, તેની મર્યાદા વધારવી. આ મર્યાદા સમયાંતરે વધારવી પડે છે જેથી સરકાર પોતાના બિલ અને ખર્ચા ચૂકવી શકે. સરકારી કલ્ચરથી મસ્ક કંટાળી ગયા સરકારી ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરવામાં મસ્કને ટિપિકલ બાબુગીરી કલ્ચરનો અનુભવ થયો. વોશિંગ્ટન પોસ્ટ સાથે વાત કરતી વખતે, તેમણે એક વાર કહ્યું હતું કે, "સંઘીય નોકરશાહી (ફેડરલ બ્યૂરોક્રસી)ની સ્થિતિ મારી સમજ કરતાં ઘણી ખરાબ છે. મને લાગે છે કે કેટલીક સમસ્યાઓ છે, પરંતુ ઓછામાં ઓછું મારે એટલું તો કહેવું જ પડશે કે ડી.સી.માં પરિસ્થિતિ સુધારવાનો પ્રયાસ કરવો એ ખરેખર મુશ્કેલ લડાઈ છે." ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં 250 મિલિયન ડોલર ખર્ચનારા ઈલોન મસ્કને ટ્રમ્પના મંત્રીઓ સાથે માથાકૂટ થઈ ચૂકી છે. ટ્રમ્પના મંત્રીઓએ શરૂઆતમાં મસ્કને વેલકમ કર્યું હતું. પછી ટૂંક સમયમાં જ નીતિગત બાબતો પર બંને વચ્ચે માથાકૂટ થવા લાગી. મસ્કે અઢી લાખ સરકારી કર્મચારીઓને કાઢી મૂક્યા ટ્રમ્પે જવાબદારી આપી હતી કે, સરકારી ખર્ચા ઘટાડવા. મસ્કે પહેલું કામ એ કર્યું કે, સરકારમાં ભરતી જ બંધ કરી દીધી. બીજું કામ એ કર્યું કે, અમેરિકામાં 23 લાખ સરકારી કર્મચારી છે. તેમાંથી 2 લાખ 60 હજાર કર્મચારીને કાઢી મૂક્યા. બાકીના જે કર્મચારીઓ હતા તેમને દર અઠવાડિયે ઈમેલ પહોંચી જતો.

What's Your Reaction?






