ચકચાર મચી ગઈ:એંધલ હાઇવે પર ટ્રકની કેબિનમાંથી ડ્રાઇવર મૃત હાલતમાં મળ્યો
ગણદેવી તાલુકાના એંધલમાંથી પસાર થતા ને.હા.નં. 48 પર એક હોટલના પાર્કિંગમાંથી ટ્રકની કેબિનમાંથી ટ્રક ચાલક મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. વાપીથી ટ્રક (નં. એચપી-12-એએ-6528) દવાનો સમાન ભરી હિમાચલ પ્રદેશ જઈ રહી હતી. રાત્રિના 1.30 કલાકે ડ્રાઈવર ટ્રક લઈને એંધલ હાઇવે પર એપેક્ષ હોટલમાં આવ્યો હતો. વોચમેને ટ્રક પાર્ક કરવી સવારે ઉઠવા અંગે પૂછ્યું હતું ત્યારે ડ્રાઈવરે જણાવ્યું હતું કે હું જાતે ઉઠીને જતો રહીશ ઉઠાડતા નહીં. આથી વોચમેને સવારે ડ્રાઈવરને ઉઠાડ્યો ન હતો અને વોચમેન પણ સવારે સુવા જતો રહ્યો હતો. બીજી બાજુ ટ્રક ડ્રાઈવરના પરિવારે જીપીએસથી જોયું કે ટ્રક એક જ જગ્યાએ પડી છે અને ડ્રાઈવરને ફોન કરે તો પણ ઉઠાવતો ન હોવાથી પરિવાર ચિંતામાં મુકાયો હતો. ગુગલમાં જોતા એંધલના ઝુબેરભાઈની ચીકનની શોપની જાહેરાત જોઈ અને ફોન નંબર જોતા તેમને ફોન કરી જણાવ્યું કે આ નંબરની ટ્રક તમારી આસપાસ પાર્ક થઇ છે તો જરા જોઇને જણાવો કે ડ્રાઈવર ફોન કેમ ઉપાડતો નથી ત્યારે ઝુબેરભાઈએ જણાવ્યું કે ફોનની રીંગ તો વાગે છે પણ ભાઈ સુતેલા હોય એવું લાગે છે. બપોરે 1 કલાકે પણ ન ઉઠતા તેમણે હોટલવાળાને જાણ કરી હતી. કશુક અજુગતું લાગે છે એવું જણાવી પોલીસને જાણ કરી હતી. પોલીસે બપોરે આવી જોયું તો ડ્રાઈવર હલનચલન કરતો ન હોવાથી હાઇવેની એબ્યુલન્સને જાણ કરી તપાસ કરતા ડ્રાઇવર મૃત્યુ પામ્યાનું જાણવા મળ્યું હતું.

What's Your Reaction?






