જમીનના સોદાના બહાને 90 લાખની છેતરપિંડી:વેપારીના સસરા અને પરિવારે બોગસ સાટાખત ઉભો કરી વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધાનો આક્ષેપ
સુરતના રિંગ રોડ પર ટેક્સટાઈલનો વેપાર કરતા વેસુના એક વેપારી સાથે જમીનના સોદાના બહાને 90 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વેપારીના સસરા લોકનાથ ગંભીર સહિત તેમના પરિવારે આ છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે. આ અંગે વેપારી ગૌરવકુમાર મદનલાલ જુનેજાએ ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. લથાણ-વેસુમાં આવેલી જમીનો ભાગીદારીમાં ખરીદી હતી પ્રાપ્ત માહિતી અનુસાર, વેસુના યુનિકોન પ્લાઝામાં રહેતા અને રિંગ રોડ પર અશોકા ટાવરમાં "રીંકેશ સારીઝ" ના નામથી કાપડનો વેપાર કરતા 46 વર્ષીય ગૌરવકુમાર મદનલાલ જુનેજાએ તેમના સસરા લોકનાથ લુરીડારામ ગંભીર, સાસુ મોનરમારાણી ઉર્ફે મનોરમાબેન લોકનાથ ગંભીર અને સાળા હાર્દિક લોકનાથ ગંભીર (રહે, ગંભીર ફાર્મ હાઉસ, વેલેન્ટાઈન સિનેમા પાસે, પીપલોદ) સામે ફરિયાદ નોંધાવી છે. ગૌરવકુમાર જુનેજાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના બંને પરિવારો વચ્ચે 1998થી પારિવારિક સંબંધો છે. 1999માં અલથાણ-વેસુ વિસ્તારમાં આવેલી અલગ-અલગ જમીનો ભાગીદારીમાં ખરીદી હતી અને તેના દસ્તાવેજો ગૌરવકુમાર અને ગંભીર પરિવારની "શિવશક્તિ ડેવલોપર્સ" નામે કરાવ્યા હતા. 90 લાખ ચેકથી આપ્યા અને બાકીની રોકડ રકમ આપી આ દરમિયાન, ભરથાણા-વેસુ સર્વે નંબર 116-બી, ટી.પી. સ્કીમ નંબર 65, ફાયનલ પ્લોટ નંબર 9 વાળી જમીનમાં ગૌરવકુમારે 90 લાખ આપ્યા હતા. આ પૈસા તેમણે તેમના સસરા લોકનાથ ગંભીર અને સાસુ મનોરમારાણી ઉર્ફે મનોરમાબેનને ચેક દ્વારા આપ્યા હતા, જ્યારે બાકીની રકમ રોકડમાં આપી હતી, જેની સાથે તેઓએ ડાયરી લખી આપી હતી. વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધાનો આક્ષેપ ગંભીર પરિવારે સ્ટેમ્પ ડ્યુટી અને ઇન્કમ ટેક્સની ચોરી કરવા માટે, 25 માર્ચ 2008ના રોજ બોગસ સ્ટેમ્પ પેપર ઉપર 31 માર્ચ 2008ના રોજનો જૂની તારીખનો બોગસ સાટાખત તાજેતરમાં ઊભો કર્યો હતો. આના દ્વારા એવું ચિત્ર ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે, જમીન 2008થી જ "જે.બી. ડેવલોપર્સ" ભાગીદારી પેઢીના નામે ખરીદવામાં આવી છે. ગૌરવકુમાર જુનેજાની મિલકત પચાવી પાડવાના ઇરાદે ગંભીર પરિવારે આ બોગસ સાટાખતના આધારે વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરાવી લઈ ગૌરવકુમાર સાથે છેતરપિંડી કરી હતી. ગૌરવકુમારની ફરિયાદને આધારે ક્રાઈમ બ્રાન્ચે ગંભીર પરિવાર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

What's Your Reaction?






