ગંભીરા બ્રિજ દુર્ઘટનાઃ સસ્પેન્ડેડ 3 અધિકારી ACBમાં જવાબ આપવા પહોંચ્યાં:મદદનીશ ઇજનેર અને બે નાયબ કાર્યપાલકની મિલકતોની પૂછપરછ; કાર્યપાલક ઇજનેરની તપાસ માટે સરકારની મંજૂરી માગી
વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સસ્પેન્ડેડ ચાર અધિકારીની વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ તપાસ સોંપાયા બાદ ACBએ તપાસ શરૂ કરી દીધી છે. આજે (31 જુલાઈ) આ ઘટના માટે જવાબદાર મદદનીશ ઇજનેર અને બે નાયબ કાર્યપાલક ઈજનેરને તેઓની મિલકતોની પૂછપરછ અને નિવેદનો લેવા માટે બોલાવ્યા હતા. જ્યારે કાર્યપાલક ઇજનેરની તપાસ માટે સરકારમાં મંજૂરી માંગવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 21 લોકોનો ભોગ લેનાર ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રીએ નિષ્ણાંતોની એક ટીમને આ દુર્ઘટનાગ્રસ્ત થયેલા મુજપુર-ગંભીરા પુલની અત્યાર સુધીના સમગ્ર સમયગાળા દરમિયાન થયેલી મરામત, ઇન્સ્પેક્શન, ગુણવત્તા ચકાસણી જેવી બાબતોનો અહેવાલ તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી. ચારેય અધિકારીને ફરજ મોકૂફ કરવા CMએ આદેશ આપ્યો હતો નિષ્ણાંતોની આ ટીમ દ્વારા દુર્ઘટના સ્થળની જાત મુલાકાત કરાયા બાદ આ દુર્ઘટનાના કારણોના પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે આ દુર્ઘટનામાં જવાબદાર જણાયેલાં કાર્યપાલક ઇજનેર એન. એમ. નાયકાવાલા, નાયબ કાર્યપાલક ઇજનેર યુ.સી.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર આર. ટી. પટેલ અને નાયબ કાર્યપાલક ઇજનેર તથા મદદનીશ ઇજનેર જે. વી. શાહને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફી હેઠળ મૂકવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો હતો. આ ઘટનામાં સરકાર આટલેથી ન અટકતા આ ઘટના માટે જવાબદાર મનાતા આ ચારેય અધિકારીની મિલકતોની તપાસ કરવા વડોદરા એસીબીને હુકમ કર્યો હતો. જે હુકમના આધારે વડોદરા એસીબીએ તપાસ શરૂ કરી દીધી છે. એન. એમ. નાયકાવાલાની તપાસ માટે સરકારની મંજૂરી માગીઃ PI વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાના પી.આઇ. એ.જે. ચૌહાણે જણાવ્યું હતું કે, આજે મદદનીશ ઇજનેર જે. વી. શાહ, નાયબ કાર્યપાલક ઇજનેર યુ. સી. પટેલ અને નાયબ કાર્યપાલક ઇજનેર આર. ટી. પટેલને તેઓની મિલકત સહિત અન્ય વિગતો મેળવવા અને નિવેદનો લેવા માટે બોલાવ્યા છે. જ્યારે કાર્યપાલક ઇજનેર એન. એમ. નાયકાવાલાની તપાસ માટે સરકાર પાસે મંજૂરી માંગવામાં આવી છે.

What's Your Reaction?






