6 વર્ષની બાળકીના કથન મુજબ અપહરણની નોંધાઈ ફરિયાદ:રાજકોટમાંથી 24 જુલાઈએ લાપતા થયેલા ફઈ-ભત્રીજી ઈન્દોરથી મળી આવ્યા બાદ 44 વર્ષના ફઈને ફરિયાદી ન બનાવાયાં
શહેરના વેપારી પરિવારની 6 વર્ષની પુત્રી અને તેની 44 વર્ષની ફઇના ગુમ થયા બાદ ઇન્દોરથી મળી આવવાના મામલામાં શુક્રવારે રાત્રે પોલીસે અજાણ્યા શખ્સો સામે અપહરણનો ગુનો નોંધ્યો હતો, ફઇ-ભત્રીજીને રાજકોટથી ઉઠાવી જઇ કચ્છ, મહેસાણા અને ઇન્દોર લઇ જઇ હોટેલમાં રાખવામાં આવ્યા હતા, જોકે અપહરણકારોનો હેતુ હજુ સુધી બહાર આવ્યો નથી. એરપોર્ટ રોડ પરના અલ્કાપુરી મેઇન રોડ પર રહેતા વેપારી રિયાઝભાઇ ફિરોજભાઇ માખાણી (ઉ.વ.42)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યા શખ્સો હોવાનું કહ્યું હતું. રીયાઝભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.24ના તેમની 6 વર્ષની પુત્રી અનાયા અને 44 વર્ષના તેમના બહેન રીમાબેન ગુમ થઇ ગયા હતા અને આ અંગેની તા.25ના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. તા.31ના ફઇ ભત્રીજી ઇન્દોરથી મળી આવ્યા હતા અને પોલીસ તેને રાજકોટ લઇ આવી હતી. રિયાઝભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઘરે આવ્યા બાદ તેની છ વર્ષની પુત્રી અનાયાએ જણાવ્યું હતું કે, તા.24ના પોતે તથા ફઇ રીમાબેન સાંજે પોણા આઠેક વાગ્યે રેસકોર્સ ફરવા ગયા હતા અને ઘરે આવવા નીકળતા હતા ત્યારે ફનવર્લ્ડ પાસે પહોંચતા એક બુકાનીધારી શખ્સ આવ્યો હતો અને અનાયા તથા ફઇ રીમાબેનને ગાડીમાં બેસવાનું કહેતા અમે બંને બેસી ગયા હતા અને મારી સીટ પર તે શખ્સ બેસી ગયો હતો અને અનાયાના ગળા પર છરી રાખી દીધી હતી, અનાયા રડવા લાગી હતી અને ફઇને કાર ચલાવવાનું કહેતા તે કાર હંકારવા લાગ્યા હતા. થોડીવાર પછી તે શખ્સે કાર ઉભી રખાવી હતી અને અન્ય એક કાર આવતાં તેમાં ફઇ ભત્રીજીને બેસાડી દેવાયા હતા કાર અન્ય એક શખ્સ ચલાવતો હતો. અનાયા કારમાં સૂઇ ગઇ હતી અને બીજા દિવસે સવારે જાગી ત્યારે કોઇ ઝાડ પાનવાળી જગ્યામાં આવેલા મકાનમાં અનાયા અને ફઇ રીમાબેન રૂમમાં હતા, બે દિવસ એ જ રૂમમાં ફઇ ભત્રીજી રોકાયા હતા, ફઇ રીમાબેન જમવાનું ઓર્ડર કરે ત્યારે જમવાનું મળી જતું હતું, ત્યારબાદ સવારે એક શખ્સ આવેલો હતો અને તેણે ગાડીમાં બેસાડી રાખી આખો દિવસ રસ્તામાં ગાડી ચલાવી હતી અને પછી એક જૂના મકાનમાં મુકી ગયા હતા જ્યાં આજુબાજુમાં ઊંટગાડી વાળા હતા, ત્યાં એક દિવસ રોકાયા હતા, ત્યાં પણ ફઇ રીમાબેન જમવાનો ઓર્ડર કરે ત્યારે જમવાનું આવી જતું હતું, એ પછી એક દિવસ સવારે ફરીથી તે શખ્સ આવ્યો હતો અને કારમાં બેસાડી થોડીવાર રસ્તા પર ગાડી ચલાવી આગળ જતાં ફઇ ભત્રીજીને રસ્તામાં ઉતારી દીધા હતા અને ફઇ રીમાબેને કોઇ વ્યક્તિનો ફોન લઇને રિયાઝભાઇને ફોન કરી પોતે ઇન્દોર નજીક હોવાની જાણ કરી હતી. પોલીસે રિયાઝભાઇની ફરિયાદ પરથી તેમની 6 વર્ષની પુત્રી અને 44 વર્ષના બહેનના અપહરણનો ગુનો નોંધ્યો હતો. અપહરણકારોએ કોઇ ડિમાન્ડ ન કરી કોઇ ત્રાસ ન આપ્યો!! પોલીસે ફઈની પૂછપરછ કરી હતી તેમજ રિયાઝભાઇ અને તેના પરિવારજનોએ વાતચીત કરી ત્યારે પણ અનાયા કે તેના ફઇ રીમાબેને અપહરણકારોએ કોઇ ત્રાસ આપ્યો હોય કે કોઇ ડિમાન્ડ કરી હોય તેવી વાત કરી નહોતી, જો કોઇ ડિમાન્ડ નહોતી તો ફઇ ભત્રીજીનું અપહરણ કરવાનો ઇરાદો શું?, એટલું જ નહીં, ફઇ ભત્રીજીને કોઇ શારીરિક ત્રાસ પણ આપવામાં આવ્યો નથી તો કોઇપણ હેતુ વગર અપહરણ તે ચર્ચાનો વિષય બન્યો છે. આ કારણોસર ફઇને ફરિયાદી ન બનાવાયાં 6 વર્ષની બાળકી અને 44 વર્ષના તેના ફઇના લાપતા થયા અને મળી આવ્યાની ઘટના બાદ અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો તેમાં ભોગ બનનાર બે વ્યક્તિ છે જેમાં એક છ વર્ષની બાળકી અને બીજા તેના 44 વર્ષના ફઇ છે, સામાન્ય કિસ્સામાં એક ભોગ બનનાર બાળકી છે ત્યારે સહજ રીતે તેના 44 વર્ષની વયના ફઇ રીમાબેન ફરિયાદી બને પરંતુ આ કિસ્સામાં માસૂમ અનાયાએ ઘરે આવીને તેના પિતા રિયાઝભાઇને જે સ્ટોરી કહી તે સ્ટોરી પરથી પોલીસે રિયાઝભાઇને ફરિયાદી બનાવ્યા હતા. આ બાબતે કાયદાના નિષ્ણાતો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, જવલ્લે જ બનતા કિસ્સાઓ પૈકીનો આ કિસ્સો છે, ફરિયાદી રિયાઝભાઇ ઘટનાના ભોગ બનનાર નથી પરંતુ હિયર સે એવિડન્સ મુજબ તેમને તેમની છ વર્ષની ભોગ બનનાર પુત્રી અનાયાએ જે હકીકત કહી તે હકીકત સાંભળીને તેમણે ફરિયાદ નોંધાવી છે, 44 વર્ષના ફઇ જેનું પણ અપહરણ થયું છે તેવું દર્શાવવામાં આવ્યું છે તેમને ફરિયાદી નહીં બનાવાતા આ કેસની તપાસમાં આગામી દિવસોમાં કોઇ નવો વળાંક આવે તેવી દ્દઢ શંકા સેવાઇ રહી છે.

What's Your Reaction?






