વેરાવળ અને તાલાલા તાલુકામાં ખનિજચોરો પર તંત્રની તવાઈ:વેરાવળમાં 6 વાહન ઝડપી 4.77 લાખનો દંડ, તાલાલામાં 1 JCB અને 6 ટ્રેક્ટર જપ્ત
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને તાલાલા તાલુકામાં ખનિજ ચોરી વિરુદ્ધ તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ભૂસ્તરશાસ્ત્રીની કચેરીની ટીમે વેરાવળ તાલુકાના અલગ-અલગ વિસ્તારોમાંથી બિન અધિકૃત રીતે ખનિજ વહન કરતા 6 વાહનો પકડી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન નિયમો અનુસાર કુલ રૂ. 4.77 લાખની દંડકીય રકમની વસૂલાત કરવામાં આવી છે. વાહનો બિન અધિકૃત રીતે ખનિજનું વહન કરતા હતા ત્યારે તંત્રની ટીમે તેમને ઝડપી પાડ્યા હતા. બીજી તરફ, તાલાલા તાલુકાના પિખોર ગામે પણ ભૂસ્તરશાસ્ત્રીની કચેરીની ટીમ અને મામલતદાર તાલાલાની ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન બિન અધિકૃત રીતે હાર્ડ મોરમ ખનિજનું ખનન અને વહન કરતા 1 JCB મશીન અને 6 ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યા હતા. પિખોર ગામેથી પકડાયેલા 6 ટ્રેક્ટર માટે નિયમ અનુસાર રૂ. 1.78 લાખની વસૂલાત કરવામાં આવી છે. જ્યારે JCB મશીન અંગેની કાર્યવાહી નિયમ અનુસાર હાથ ધરવામાં આવશે. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય અને ભૂસ્તરશાસ્ત્રીના સીધા માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખાણ અને ખનિજ કચેરીની ટીમ દ્વારા આવી સઘન ચેકિંગની કામગીરી નિયમિત રીતે હાથ ધરવામાં આવે છે જેથી ખનિજ ચોરી પર અંકુશ લગાવી શકાય.

What's Your Reaction?






