પાટણની સુરમ્ય સોસાયટીમાં સાબરમતી ગેસ એજન્સી સામે રોષ:અધૂરું ખોદકામ, માટીનો નિકાલ ન થતાં ગંદકી, NOC માટે દબાણ કરાતું હોવાનો આક્ષેપ
પાટણના હાંસાપુર ખાતે આવેલ એલપી ભવન પાછળની સુરમ્ય સોસાયટીમાં સાબરમતી ગેસ એજન્સી દ્વારા ગેસ લાઇન નાખવાના કામમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. સ્થાનિક રહીશોએ આ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર, ગેસ લાઇન માટે ખોદકામ કર્યા બાદ તેનું યોગ્ય પુરાણ કરવામાં આવ્યું નથી. આ મુદ્દે વારંવાર રજૂઆત કરવા છતાં એજન્સી તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી. ખોદકામ દરમિયાન નીકળેલી માટીનો નિકાલ પણ કરવામાં આવ્યો નથી. આના કારણે સોસાયટીમાં ગંદકી ફેલાઈ રહી છે. રહીશોને રોજિંદા જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સમસ્યા એટલેથી અટકતી નથી. જે લોકોએ ગેસ કનેક્શન માટે અરજી કરી છે, તેમને હજુ સુધી કનેક્શન આપવામાં આવ્યું નથી. સોસાયટીના સભ્યોનો આરોપ છે કે ગેસ એજન્સીના અધિકારીઓ કામ પૂર્ણ થયા પહેલાં જ 'નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ' (NOC) પર સહી કરવા માટે દબાણ કરી રહ્યા છે. રહીશોનું કહેવું છે કે જ્યાં સુધી કામ સંપૂર્ણ રીતે પૂર્ણ ન થાય ત્યાં સુધી NOC પર સહી કરવી શક્ય નથી. છતાં અધિકારીઓ વારંવાર આ માટે દબાણ કરી રહ્યા છે. આ સમગ્ર મામલે સાબરમતી ગેસ એજન્સીના વહીવટીતંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોએ તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવા અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

What's Your Reaction?






