બીમારીથી કંટાળી કોંગી નેતાએ બ્રિજ પરથી પડતું મૂક્યું:આપઘાતના પ્રયાસ પહેલાંની શંકાસ્પદ ગતિવિધિ કેમેરામાં કેદ; ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં તાપી નદીમાંથી રેસ્ક્યૂ કર્યું
સુરતમાં ગઈકાલે વરિયાવબ્રિજ પરથી તાપી નદીમાં કૂદીને એક કોંગ્રેસનેતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફાયરબ્રિગેડ અને એક જાગ્રત નાગરિકની સમયસરની કાર્યવાહીને કારણે તેમનો જીવ બચી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ કોંગ્રેસી નેતા બ્રિજની પાળી પર ચાલતા હોય એવી શંકાસ્પદ ગતિવિધિ બાદ એક જાગ્રત નાગરિકે વીડિયો બનાવી ફાયર વિભાગને જાણ કરતાં તેમનો બચાવ થયો હતો. એક જાગ્રત નાગરિકે ફાયરબ્રિગેડને જાણ કરી મળતી માહિતી પ્રમાણે, ગત રાત્રે આ ઘટના બનતાં પહેલાં કોંગી નેતા વરિયાવબ્રિજ પર આંટા મારતા જોવા મળ્યા હતા. આ દરમિયાન એક જાગ્રત નાગરિકે તેમની શંકાસ્પદ ગતિવિધિઓનો વીડિયો શૂટ કર્યો હતો અને તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરી હતી. નેતાએ નદીમાં કૂદવાની સાથે જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અંધારામાં પણ તાત્કાલિક શોધખોળ કરીને નેતાને પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ચાર વર્ષથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા ફાયર વિભાગે આ કોંગ્રેસના નેતાને પાણીમાંથી બહાર કાઢીને 108 મારફત હોસ્પિટલ ખસેડ્યા હતા. આ સાથે જ સ્થાનિક સિંગણપોર પોલીસને પણ જાણ કરી દેવામાં આવી હતી. આ કોંગ્રેસી નેતાએ હોસ્પિટલમાંથી સ્વસ્થ થતાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. કોંગ્રેસ પક્ષમાંથી વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા આ નેતા છેલ્લાં ચાર વર્ષથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા. કેન્સરના કારણે તેમને દિવસ-રાત ઊંઘ આવતી ન હતી, જેનાથી કંટાળીને તેમણે આત્મહત્યા કરવાનું પગલું ભર્યું હતું. નેતાનું કાઉન્સેલિંગ કરીને પરિવારને સોંપવામાં આવ્યા ફાયરબ્રિગેડ અને જાગ્રત નાગરિકની સતર્કતા અને સમયસૂચકતાને કારણે એક કીમતી જીવ બચી ગયો હતો. આ ઘટનાએ ફરી એકવાર માનસિક સ્વાસ્થ્ય અને ગંભીર બીમારીઓથી પીડાતા લોકોની મદદની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. સિંગણપોર પોલીસ દ્વારા આ કોંગી નેતાનું કાઉન્સેલિંગ કરીને પરિવારને સોંપવામાં આવ્યા હતા.

What's Your Reaction?






