'જળ એ જ જીવન':પૂરતું પાણી નહીં પીવો તો કિડની ખરાબ થઈ જશે, જાણો ડિહાઇડ્રેશનના લક્ષણો અને ઉંમર પ્રમાણે કેટલું પાણી પીવું
ઉનાળામાં આકરા તડકા અને પરસેવાના કારણે ઘણું પ્રવાહી શરીરમાંથી નીકળી જતુ હોવાથી શરીરને વધુ પાણીની જરૂર પડે છે. તેવામાં જો પૂરતું પાણી પીવામાં ન આવે તો ડિહાઇડ્રેશન થઈ શકે છે, જે ઝાડા, લો બ્લડ પ્રેશર, ચક્કર આવવા અને બેભાન થવા જેવી ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. આ એક ગંભીર સમસ્યા છે, જે વિશ્વભરના લાખો લોકોને અસર કરે છે. ભારતમાં તે વધુ સામાન્ય છે કારણ કે અહીંનું વાતાવરણ ગરમ અને વધુ ભેજવાળું છે. ચિંતાજનક વાત એ છે કે, ઘણા લોકો તેના લક્ષણોને ઓળખી શકતા નથી અને તેમને ખ્યાલ નથી હોતો કે તેઓ ધીમે ધીમે ડિહાઇડ્રેશનનો ભોગ બની રહ્યા છે. જોકે, થોડી જાગૃતિ અને નિયમિત પાણી પીવાની ટેવથી આ જોખમથી બચી શકાય છે. તો ચાલો આજે 'ફિઝિકલ હેલ્થ' કોલમમાં આપણે ડિહાઇડ્રેશન વિશે વિગતવાર વાત કરીશું. સાથે એ પણ જાણીશું કે- ડિહાઇડ્રેશન શું છે? શરીરમાં પાણીની ઊણપને ડિહાઇડ્રેશન કહેવામાં આવે છે. આ સમસ્યા સામાન્ય રીતે તડકામાં વધુ સમય વિતાવવો, વધુ પડતો પરસેવો થવો, તાવ આવવો, ઝાડા કે ઉલટી થવાને કારણે થઈ શકે છે. આ ઉપરાંત, જો તમે પૂરતું પાણી પીતા નથી અથવા કોઈ એવી દવાઓ લઈ રહ્યા છો, જેના કારણે વારંવાર યૂરિન પાસ થાય છે, તો ડિહાઇડ્રેશનનું જોખમ વધી શકે છે. શરીરમાં પાણીનું કામ શરીરમાં પાણીના અસંખ્ય કાર્યો છે. તે શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે યૂરિન અને પરસેવા દ્વારા શરીરમાંથી કચરો દૂર કરવામાં પણ મદદ કરે છે. એટલું જ નહીં, તે આપણા ખોરાકને પચાવવામાં પણ મોટી ભૂમિકા ભજવે છે. પાણી આપણા શરીરના અવયવો અને પેશીઓ (ટિશ્યૂ)ને ભેજવાળી રાખીને તેનું રક્ષણ કરે છે. આ ઉપરાંત, શરીરમાં પાણીના કેટલાક અન્ય કાર્યો પણ છે. નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજીએ- શરીરના દરેક ભાગમાં પાણી હોય છે સ્વસ્થ વ્યક્તિના શરીરમાં લગભગ 60-70% સુધી પાણી હોય છે, જ્યારે નવજાત શિશુમાં તે લગભગ 75-80% સુધી હોય છે. શરીરના બધા જ ભાગોમાં પાણી હોય છે પરંતુ કેટલાક અવયવોમાં તેનું પ્રમાણ વધુ હોય છે. મગજ અને લિવરમાં સૌથી વધુ પાણી હોય છે, જ્યારે હાડકાં અને દાંતમાં સૌથી ઓછું પાણી હોય છે. નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજીએ- ડિહાઇડ્રેશનનું કારણ ઘણીવાર, વ્યસ્ત જીવનશૈલી અથવા પાણી પીવાની ટેવ ન હોવાને કારણે, લોકો દિવસભર પૂરતું પાણી પી શકતા નથી. અતિશય ગરમી, તાવ, ઉલટી, ઝાડા અથવા ભારે શારીરિક શ્રમને કારણે શરીરમાં વધુ પડતો પરસેવો અને ઇલેક્ટ્રોલાઇટ્સનું પ્રમાણ ઘટે છે. જો તેની ભરપાઈ સમયસર ન કરવામાં આવે તો ડિહાઇડ્રેશન થઈ શકે છે. આ ઉપરાંત, લિવર રોગ, ડાયાબિટીસ, કેટલીક દવાઓનું સેવન, વધુ પડતું કેફીન અથવા આલ્કોહોલ જેવા રોગો પણ શરીરમાં પાણીની ઊણપનું કારણ બની શકે છે. ડિહાઇડ્રેશનના ચિહ્નો શરીરમાં પાણીની ઊણપ કેટલી હદ સુધી થાય છે, તેના આધારે ડિહાઇડ્રેશનના લક્ષણો હળવાથી ગંભીર સુધીના હોઈ શકે છે. સૌથી સામાન્ય લક્ષણોમાં વારંવાર તરસ લાગવી, મોં સુકાઈ જવું, ઓછી માત્રામાં યૂરિન પાસ થવું અને યૂરિનનો રંગ ઘેરો પીળો હોવો સામેલ છે. આ સાથે, થાક, ચક્કર આવવા, ચીડિયાપણું અને મળ ત્યાગ કરવામાં સમસ્યા જેવા લક્ષણો પણ દેખાઈ શકે છે. કેટલાક ગંભીર લક્ષણોમાં હૃદયના ધબકારા અને શ્વાસ લેવામાં વધારો, શુષ્ક ત્વચા, ઊંડી થઈ ગયેલી આંખો, લો બ્લડ પ્રેશર અને ક્યારેક બેભાન થવું સામેલ છે. ડિહાઇડ્રેશનની સારવાર ડિહાઇડ્રેશનની સારવાર તેની તીવ્રતા પર આધાર રાખે છે. હળવા અથવા મધ્યમ ડિહાઇડ્રેશનની સારવાર સામાન્ય રીતે ઘરે જ કરી શકાય છે, જેમાં પૂરતું પાણી પીવું અને ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન્સ (ORS) લેવામાં આવે છે. ORSમાં પાણી, મીઠું અને ગ્લુકોઝનું સંતુલિત મિશ્રણ હોય છે, જે શરીરમાંથી નીકળી ગયેલા ઇલેક્ટ્રોલાઇટ્સની ફરીથી ભરપાઇ કરે છે. જો ડિહાઇડ્રેશન ગંભીર બને છે, તો વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને શરીરને ઝડપથી રિહાઇડ્રેટ કરવા માટે નસમાં (IV) પ્રવાહી આપવામાં આવી શકે છે. જો ઝાડા, ઉલટી અથવા તાવ જેવી બીમારીને કારણે ડિહાઇડ્રેશન થાય છે, તો ડોકટરો તેની સારવાર કરે છે. ડિહાઇડ્રેશનથી બચવાના ઉપાયો ડિહાઇડ્રેશનથી બચવા માટે, તરસ લાગે ત્યાં સુધી રાહ ન જુઓ, તેના બદલે, દિવસભર થોડી થોડી માત્રામાં પાણી પીતા રહો. પાણીથી ભરપૂર ફળો અને શાકભાજીનું પણ સેવન કરો. ઉનાળામાં આપણને વધુ પરસેવો થાય છે, તેથી પાણીનું સેવન વધારવું ખૂબ જ જરૂરી છે. આ સિવાય, કેટલીક બીજી બાબતો પણ ધ્યાનમાં રાખો. નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજીએ- કઈ ઉંમરના વ્યક્તિને કેટલું પાણી જોઈએ છે? આ સંપૂર્ણપણે વ્યક્તિની ઉંમર, લિંગ (જેન્ડર), શારીરિક પ્રવૃત્તિ અને આબોહવા જેવા પરિબળો પર આધાર રાખે છે. નેશનલ એકેડેમી ઓફ સાયન્સ, એન્જિનિયરિંગ એન્ડ મેડિસિન (NASEM) અનુસાર, સ્ત્રીઓએ દરરોજ લગભગ 2.7 લિટર પાણી પીવું જોઈએ અને પુરુષોએ લગભગ 3.7 લિટર પાણી પીવું જોઈએ. જોકે, આ માત્રા વ્યક્તિના વજન, સ્વાસ્થ્યની સ્થિતિ અને પર્યાવરણ અનુસાર બદલાઈ શકે છે. નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજીએ- ડિહાઇડ્રેશન સંબંધિત સામાન્ય પ્રશ્નો અને જવાબો પ્રશ્ન- કયા લોકોને ડિહાઇડ્રેશનનું જોખમ વધુ હોય છે? જવાબઃ બાળકોને ડિહાઇડ્રેશનનું જોખમ વધુ હોય છે કારણ કે તેઓ તેમની તરસ વ્યક્ત કરી શકતા નથી. વૃદ્ધોમાં ઉંમર વધવાની સાથે તરસ લાગવાની ક્ષમતા ઓછી થાય છે, તેથી તેઓ પૂરતું પાણી પી શકતા નથી. ઉપરાંત, તેમની કિડની લાંબા સમય સુધી પાણીનો સંગ્રહ કરી શકતી નથી. આ ઉપરાંત, ઊંચાઈ પર રહેતા લોકોને પણ ડિહાઇડ્રેશનનું જોખમ વધુ હોય છે. પ્રશ્ન- ડિહાઇડ્રેશનના કિસ્સામાં ડૉક્ટર પાસે ક્યારે જવું જોઈએ? જવાબઃ તે ડિહાઇડ્રેશન કેટલું ગંભીર છે, તેના પર આધાર રાખે છે. જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ જ સુસ્ત હોય, બેભાન હોય, તેની નાડી કે શ્વાસ ખૂબ જ ઝડપી હોય, આવી સ્થિતિમાં ડૉક્ટરને દેખાડવું ખૂબ જરૂરી છે. શિશુઓ અને નાના બાળકોમાં ડિહાઇડ્રેશન ઝડપથી ગંભીર બની શકે છે, તેથી લક્ષણો પર તાત્કાલિક ધ્યાન આપો. પ્રશ્ન: ઉનાળામાં કયા ખાદ્ય પદાર્થો પાણી પૂરું પાડે છે? જવાબઃ તેમાં મુખ્યત્વે તરબૂચ, શક્કરટેટી, કાકડી, બીલ્લાં, સફરજન, કેરી, નારંગી વગેરે જેવા ફળોનો સમાવેશ થાય છે. શાકભાજીમાં કાકડી, પાલક અને અન્ય પાંદડાવાળા શાકભાજી, દૂધી વગેરે પણ ફાયદાકારક છે

What's Your Reaction?






