'તુજે ક્યું બતાઉં, તું મેરા ભતીજા લગતા હૈ?':'હાઉસફુલ 5'ની ફી વિશે પૂછતાં અક્ષય કુમાર અકળાયો, કહ્યું- 'તારે રેડ પડાવવી છે?'
અક્ષય કુમારની ફિલ્મ 'હાઉસફુલ 5'નું ટ્રેલર 27 મેના રોજ રિલીઝ થયું છે. ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ હાજર રહી હતી. જોકે, આ દરમિયાન જ્યારે એક પત્રકારે અક્ષય કુમારને તેની ફી વિશે પ્રશ્ન કર્યો ત્યારે તે ગુસ્સે થઈ ગયો. જોકે, બાદમાં તેણે પોતાની રમુજી અંદાજથી બધાને હસાવ્યા. ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં એક પત્રકારે અક્ષય કુમારને પૂછ્યું- 'હાઉસફુલ 5' માટે તમે સાજિદ પાસેથી કેટલા પૈસા લીધા? તેના જવાબમાં અક્ષયે કહ્યું, 'જો મેં પૈસા લીધા હોય તો પણ હું તને કેમ કહું, તું અમારો ભત્રીજો છે કે મારે તને કહેવું જોઈએ. મેં ઘણા બધા પૈસા લીધા છે, ફિલ્મ બની, તે ઘણા સારા બજેટમાં બની, ખૂબ મજા આવી, આજે ખુશીનો દિવસ છે, તારે દરોડો પડાવવો છે?' અક્ષય કુમારનો જવાબ સાંભળીને બધા હસી પડ્યા. નોંધનીય છે કે, ટ્રેલર લૉન્ચ ઇવેન્ટમાં અક્ષય કુમારનો રમૂજી અંદાજ જોવા મળ્યો હતો. ક્યારેક તે કો-સ્ટાર નરગીસ ફખરી સાથે મજાક કરતો જોવા મળતો હતો, તો ક્યારેક તે અન્ય કો-સ્ટાર્સ સાથે મસ્તી કરતો જોવા મળતો હતો. 'હેરાફેરી 3'ના વિવાદ પર અક્ષયે મૌન તોડ્યું આ ઇવેન્ટમાં અક્ષય કુમારે 'હેરાફેરી-3' સાથે જોડાયેલા વિવાદ વિશે પણ વાત કરી. પરેશ રાવલના હેરાફેરી 3 છોડવાના પ્રશ્ન પર એક્ટરે પહેલી વાર નિવેદન આપ્યું. તેણે કહ્યું, 'સૌથી પહેલા તો તેમના વિશે કંઈપણ ખોટું કહેવાનું બંધ કરો. હું છેલ્લા 30-32 વર્ષથી તેમની સાથે કામ કરી રહ્યો છું. અમે ખૂબ સારા મિત્રો છીએ. તે એક શાનદાર અભિનેતા છે અને હું તેનો ખૂબ આદર કરું છું. મને નથી લાગતું કે, આ મુદ્દા પર ચર્ચા કરવાની આ યોગ્ય જગ્યા છે. આ એક ગંભીર મામલો છે અને જે કંઈ થવાનું છે તેનો નિર્ણય કોર્ટમાં થશે. તેથી, હું અહીં આ વિશે કંઈ કહેવાના પક્ષમાં નથી.' નોંધનીય છે કે, પરેશ રાવલે ફિલ્મ 'હેરાફેરી-3' છોડી દીધા બાદ વિવાદ વકર્યો છે. દરમિયાન અક્ષય કુમારે તેના પ્રોડક્શન હાઉસ 'કેપ ઓફ ગુડ ફિલ્મ્સ' દ્વારા પરેશ રાવલને કાનૂની નોટિસ મોકલી છે. આ નોટિસમાં, તેણે ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે છોડી દેવા અને અનપ્રોફેશનલ રીત દાખવવા બદલ 25 કરોડ રૂપિયાની માંગણી કરી છે. જેના પર પરેશ રાવલનું નિવેદન પણ સામે આવ્યું હતું. એક્ટરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (પહેલાં ટ્વિટર) પર પોસ્ટ કર્યું હતું કે, 'મારા વકીલ, અમિત નાયકે કાનૂની જવાબ મોકલી આપ્યો છે. જવાબ વાંચીને મામલો શાંત થઈ જશે.' ફિલ્મ 'હાઉસફુલ 5' 6 જૂને રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન, જેકલીન ફર્નાન્ડીઝ, સોનમ બાજવા, નરગીસ ફખરી, ફરદીન ખાન, જેકી શ્રોફ, સંજય દત્ત અને નાના પાટેકર સહિત ઘણા કલાકારો છે.

What's Your Reaction?






