લુણાવાડામાં ઓપરેશન શિલ્ડ મોકડ્રિલમાં ડ્રોન હુમલાની પરિસ્થિતિ:ફાયર બ્રિગેડ, 108 અને પોલીસની ત્વરિત કામગીરી, નાગરિકોએ સ્વૈચ્છિક બ્લેકઆઉટમાં ભાગ લીધો
મહીસાગર જિલ્લાના લુણાવાડા ફુવારા ચોક ખાતે જિલ્લા કલેકટર અર્પિત સાગરની ઉપસ્થિતિમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાઈ. આ મોકડ્રિલમાં ડ્રોન હુમલાની કાલ્પનિક પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું. ફાયરબ્રિગેડની ટીમ, આપદા મિત્રો, 108 એમ્બ્યુલન્સ અને પોલીસ વિભાગે ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી. ટીમોએ ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. ઇજાગ્રસ્તોને તત્કાળ પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. મોકડ્રિલનો બીજો તબક્કો સાંજે 8 વાગ્યે યોજાયો. સાયરન વાગતાની સાથે જ લુણાવાડાના નાગરિકોએ સ્વયંભૂ રીતે પોતાના ઘરોની લાઈટો બંધ કરી બ્લેકઆઉટમાં સહભાગી થયા. આ દર્શાવે છે કે નાગરિકો કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટર સી વી લટા, નગરપાલિકા પ્રમુખ કીર્તિ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચંદ્રિકાબેન ભાભોર, લુણાવાડા પ્રાંત અધિકારી અને ડિઝાસ્ટર મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

What's Your Reaction?






