ગુજરાતી ફિલ્મ 'મહારાણી' પહેલી ઓગસ્ટે રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મની સ્ટાર-કાસ્ટ માનસી પારેખ, શ્રદ્ધા ડાંગર, સંજય ગોરડિયા, ઓજસ રાવલ તથા ડિરેક્ટર વિરલ શાહ દિવ્યભાસ્કરની મુલાકાતે આવ્યાં હતાં. ફિલ્મની સ્ટાર-કાસ્ટે ઘણી જ ધમાલ મસ્તી કરી હતી. સ્ટાર-કાસ્ટે ફિલ્મની રસપ્રદ વાતો પણ શૅર કરી હતી. આ ફિલ્મ મરાઠી ફિલ્મ 'નાચ ગં ઘુમા'ની ઑફિશિયલ ગુજરાતી રિમેક છે. 'ઘરમાં કકળાટ થયો ને આ ફિલ્મ બની'
ડિરેક્ટર વિરલ શાહને ફિલ્મ અંગે વાત કરતા જણાવ્યું, 'સાચું કહું તો એક દિવસ સવાર સવારમાં મારા ઘરે કામવાળીબાઈનો કકળાટ ચાલતો હતો. આ દરમિયાન મારી પત્નીએ એમ કહ્યું કે તેણે આજે કેમ આમ કર્યું? તને એ લોકો સાઈડની સ્ટોરી ખ્યાલ છે? તેની આ વાતે મને બેઘડી વિચારતો કરી મૂક્યો ને મને થયું કે આ વાત તો દર્શકોને કહેવા જેવી છે. ત્યારે જ મને મારી પત્ની પૂજાએ આ રીતની મરાઠી ફિલ્મ બની ગઈ હોવાની વાત કહી. તેણે આ ફિલ્મ જોઈ હતી. પછી મેં પણ આ ફિલ્મ જોઈ. આ ફિલ્મ જોતાં જોતાં જ વિચાર આવ્યો કે આ વાત તો મારે મારા ગુજરાતી દર્શકોને અચૂકથી કહેવી જોઈએ.' 'મરાઠી ફિલ્મ જોતી વખતે જ મેં માનસી-શ્રદ્ધા સાથે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું'
'તમને જાણીને જરા નવાઈ લાગશે, પરંતુ હું જ્યારે ફિલ્મ જોતો હતો ત્યારે જ મનમાં નક્કી કરી લીધું કે કામવાળીબાઈના રોલમાં શ્રદ્ધા ને વર્કિંગ વુમનનો રોલ માનસી પ્લે કરશે. મેં જે દિવસે ફિલ્મ જોઈ તે જ રાત્રે શ્રદ્ધા ને માનસીને મેસેજ પણ કરી દીધો હતો. બીજા દિવસે એક પાર્ટીમાં હું ને ઓજસ મળ્યા ને તેને પણ વાત કરી દીધી. પછી આ ફિલ્મમાં મારા કો-રાઇટર હાર્દિક સાંગાણી ને રામ મોરી છે તો તેમને મળ્યોને વાત કરી કે આમાં સંજયભાઈને લેવાય? તો હાર્દિકે તો તરત જ સંજયભાઈને ફોન કરીને જણાવી પણ દીધું કે સર તમારા કંઈક લખીએ છીએ તો તમારે કરવાનું છે. અમે સંજયભાઈના રિપ્લાયની સાત દિવસ રાહ જોઈએ.' 'મેં તો તરત જ હા પાડી'
ફિલ્મની સ્ટાર-કાસ્ટને પૂછવામાં આવ્યું કે તેમને જ્યારે ફિલ્મની ઑફર કરવામાં આવી તો તેમણે તરત જ હા પાડી હતી કે વિચારવા માટે સમય માગ્યો હતો? માનસીએ તરત જ જવાબ આપ્યો, 'મેં એક મિનિટ પણ વિચાર્યું નહોતું ને તરત જ હા પાડી દીધી હતી.' શ્રદ્ધાએ હસતાં હસતાં બોલી કે તેણે ચા પીતાં પીતાં દસ મિનિટમાં જ હા પાડી દીધી હતી. 'ફિલ્મ કરવી કે નહીં તે અંગે અવઢવમાં હતો'
સંજય ગોરડિયાએ કહ્યું, 'જ્યારે મને આ ફિલ્મ ઑફર થઈ ત્યારે હું અવઢવમાં હતો કે મારે આ ફિલ્મ કરવી કે નહીં, કારણ કે મરાઠી ફિલ્મમાં બોસનો રોલ ઘણો જ નાનો હતો. પછી જ્યારે સ્ક્રિપ્ટ આવી ત્યારે રોલ પ્રોપર હતો એટલે ના પાડવાનો તો કોઈ સવાલ જ નહોતો.' ઓજસ કહે છે, 'મને મરાઠી ફિલ્મ અંગે ખ્યાલ હતો અને તે ફિલ્મ પરથી ગુજરાતી ફિલ્મ બને અને તેમાં કામ કરવાની ઉત્સુકતા ઘણી જ હતી તો મેં તરત જ હા પાડી દીધી.' 'જો આ સ્ટાર-કાસ્ટે ના પાડી હોત તો હું ફિલ્મ બનાવત જ નહીં'
વિરલ શાહે જણાવ્યું, 'મારું નક્કી હતું કે જો આ સ્ટાર-કાસ્ટ ફિલ્મ માટે હા નહીં પાડે તો હું ફિલ્મ બનાવીશ જ નહીં.' વાત પૂરી થતાં જ સંજયભાઈ તરત જ બોલ્યા, 'આ વાત મને કહેવામાં આવી એટલે જ હું ફિલ્મમાં કામ કરવા તૈયાર થયો'. આ વાતને આગળ વધારતાં શ્રદ્ધાએ જણાવ્યું, 'સામાન્ય રીતે બધા જ ડિરેક્ટર એવું કહેતા હોય છે કે મેં આ જ સ્ટાર કાસ્ટ સાથે ફિલ્મ કરવાનું વિચાર્યું હતું, પરંતુ વિરલની આ વાત 100% સાચી છે. મારી ને માનસીની ડેટ મેચ કરવી ઘણી જ એટલે ઘણી જ મુશ્કેલ હતી. અમે બંને એકબીજાને ફોન કરીને ડેટ્સ કંઈક સેટ થાય તે અંગે વાત કરતા હતા. વિરલે પછી થોડું એડજસ્ટ કર્યું ને ત્યારે એ વાતનો અહેસાસ થયો કે વિરલે માત્ર આ વાત કહેવા ખાતર કહી નહોતી.' 'નવેમ્બરમાં શૂટિંગ થવાનું હતું, અંતે એપ્રિલ 2025માં થયું'
વિરલ શાહે કહ્યું, 'ખરી રીતે તો અમે આ ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે નવેમ્બરમાં કરવાના હતા, પરંતુ ડેટ્સ મળતી જ નહોતી એટલે એપ્રિલમાં આ ફિલ્મનું શૂટિંગ 19 દિવસમાં મુંબઈમાં પૂરું કર્યું ને એક મહિનો પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલ્યું. ડિરેક્ટરે પછી હસતા હસતા એમ પણ કહ્યું કે શ્રદ્ધા-માનસીમાં તો વાંધો ના આવ્યો, પરંતુ સંજયભાઈ ફોન કરીને કહેતા કે કાલે તે ઓસ્ટ્રેલિયા છે ને પછી અમેરિકા છે અને પછી તે આવે છે.' સંજયભાઈએ વચ્ચે મમરો મૂકતા કહ્યું, 'અમે બધાએ તો વિરલને દિવસો આપ્યા હતા, પરંતુ ઓજસે તો માત્ર કલાકો જ આપ્યા હતા.'શ્રદ્ધાએ પડદા પાછળનું સીક્રેટ શૅર કરતા કહ્યું, ખરી રીતે તો અમારી ફિલ્મની સાચી મહારાણી તો સંજયભાઈ ને ઓજસ છે.' વિરલ આ વાતને વિગતે સમજાવતા કહે છે, 'ઓજસ તો બપોરે બેથી પાંચમાં એક સીન પતાવે, પછી એક ફિલ્મનું પ્રીમિયર છે તો તેમાં જાય ને રાતના 10 વાગ્યે ફિલ્મના સેટ પર આવી જાય. ઓજસે તરત જ મોટેથી કહ્યું કે આવું તો માત્ર એક જ દિવસ થયું હતું.' શ્રદ્ધાએ પણ ઓજસની ટાંગ ખીંચાઈ કરતા કહ્યું, 'જો ગુજરાતીમાં એવેન્જર્સની કોઈ ફિલ્મ બને તો તમામ સુપરપાવર ઓજસ પાસે જ છે.' 'મારું પાત્ર બેલેન્સ છે'
માનસીએ ફિલ્મમાં પોતાના રોલ અંગે વાત કરતા કહ્યું, 'હું મુંબઈમાં વર્કિંગ વુમન છું. દીકરી ને પતિ છે. કામવાળી બાઈ છે, પરંતુ તેની સાથે કંઈક ને કંઈક થતું રહે છે અને પછી એક દિવસ મોટો ઝઘડો થાય છે.' શ્રદ્ધા બોલી, 'ફિલ્મમાં હું માનસીના ઘરની હાઉસ હેલ્પરના રોલમાં છું. એ પાત્ર મેચ્યોર હોવાની સાથે સાથે કોઈ પણ સમયે કંઈ પણ બોલી જાય તેવું છે. આ પાત્રમાં બહુ બધી વસ્તુઓનો બેલેન્સ જોવા મળે છે. આ પાત્ર ગમે તે ત્યારે ગમે તે કરતું હોવાથી દર્શકોને મનમાં સતત એ વાત ચાલશે કે હવે રાની શું કરશે? મને લાગે છે કે દરેક એક્ટરે લાઇફમાં ક્યારેક તો આવું કોઈ પાત્ર ભજવવું જ જોઈએ, આ પાત્ર ભજવવું ઘણું જ મુશ્કેલ હતું પણ એક વાર કરી લો પછી કમાલનો આનંદ આવે છે.' સંજય કહે છે, 'ઘરની ગૃહિણીના ઘરે બાઈ મોડી આવે છે એટલે તે ઑફિસમાં લેટ પહોંચે. હું ફિલ્મમાં માનસીનો બોસ છું એટલે તેની અસર મારા પર થાય. આ બધામાં જે કોમિક્સ સર્જાય છે તે દર્શકોને મજા કરાવશે.' 'ઇમોશનલ સાઇડ પણ જોવા મળશે'
ઓજસ પોતાના રોલ અંગે જણાવ્યું, 'ફિલ્મમાં મારો રોલ જિજ્ઞેશનો છે. હું પતિ, પિતા ને દીકરો હોઉં છું. તે રૂટિન લાઇફ જીવે છે, તેને એમ જ છે કે પત્ની આખું ઘર સંભાળી છે, પરંતુ જ્યારે તેને કામવાળી બાઇના પ્રશ્નો સામે આવે ત્યારે જિજ્ઞેશની ઇમોશનલ સાઇડ સામે આવે છે.' 'ફિલ્મ પ્યોરલી એન્ટરટેઇનર છે'
માનસીએ ફિલ્મની USP અંગે જણાવ્યું, 'ફિલ્મ પ્યોરલી એન્ટરટેઇનર છે. ફિલ્મમાં કોમેડી, ઇમોશન ને ડ્રામાનું પર્ફેક્ટ બેલેન્સ છે.' ડિરેક્ટરના મતે, 'સામાન્ય રીતે ફિલ્મ દર્શકોને અલગ જ દુનિયામાં લઈ જતી હોય છે, પરંતુ 'મહારાણી' ઘરની વાત કરે છે. આવું દરેકના ઘરમાં બનતું જ હોય છે.' ફિલ્મના મેમોરેબલ સીન
મેમોરેબલ સીન અંગે માનસીએ કહ્યું, 'ફિલ્મના એક સીનમાં હું મારા પતિ જિજ્ઞેશને કહી દઉં છું કે તું બાઈ નહીં લાવે તો તારે ઘરે આવવાનું નથી. આ સાંભળીને જિજ્ઞેશ બાઈ શોધવા માટે ઉતાવળો બને છે. પછી પોતાની ઑફિસમાં કામ કરતી સ્વીપરબેન આગળ જાય છે અને તેની સામે જોઈને સ્માઇલ કરે છે.' વિરલે વચ્ચે ટાપસી પૂરવતા કહ્યું, 'આ સીનમાં મ્યૂઝિક કમ્પોઝર પાર્થે બેકગ્રાઉન્ડ સ્કોરમાં રોમેન્ટિક ધૂન મૂકી હતી અને ઓજસે આ સીન એટલો પર્ફેક્ટલી પ્લે કર્યો છે કે કોઈ પણ આ સીન જોઈને હસી પડે.' સંજય ગોરડિયાના મતે, 'ફિલ્મમાં માનસીની બાઈ જતી રહે છે અને તે ઑફિસમાં ધ્રુસકે ધ્રુસકે રડતી હોય છે. આ દરમિયાન હું તેને પૂછતો હોઉં છું કે તો પછી ગુજરી કોણ ગયું?' આ સીન પણ ઘણો જ ફન્ની હતો.' સંજય ગોરડિયાના વખાણ કરતા વિરલે જણાવ્યું, 'જ્યારે સ્ક્રિપ્ટનું રીડિંગ થાય ત્યારે હંમેશાં સંજયભાઈ તે વાંચી નાખે અને કંઈ જ કહે નહીં. જ્યારે ફ્લોર પર શૂટિંગ કરવા આવે ત્યારે તે કહે કે હું તને કંઈક આપું છું. તે જે રીતે સીન પર્ફોર્મ કરે તે શબ્દોમાં વર્ણવી ના શકાય. આ ફિલ્મના એક-બે સીનમાં તો એવું થયું કે અમારી DOP (ડિરેક્ટર ઑફ ફોટોગ્રાફી) હસી હસીને બેવડ વળી ગઈ અને તેનાથી કેમેરો હલી ગયો.' 'અમે તો જમતાં જમતાં ફિલ્મ કરી નાખી'
શૂટિંગમાં કેવી મસ્તી કરી તે પૂછતાં જ સ્ટાર-કાસ્ટ એક સાથે બોલી ઊઠી કે અમે બહુ જ મસ્તી કરી હતી. વિરલ ને શ્રદ્ધાએ એમ કહ્યું, 'અમે તો જમતાં જમતાં ફિલ્મ કરી હોય તેમ લાગે છે. અમે બધા ભૂખ્યા પેટે સારું કામ ના કરી શકીએ.' વિરલે વાતને આગળ વધારતા કહ્યું, 'રોજ સવારે જ્યારે અમે બધા સેટ પર ભેગા થતાં ત્યારે બધા એકબીજાને પૂછતા કે આજે ટિફિનમાં કોણ શું લાવ્યું છે? પછી શૂટિંગ શરૂ થતું. અમારો ફર્સ્ટ હાફ ઘણો જ સારો જતો, કારણ કે અમને ખ્યાલ હતો કે કામ ટાઇમસર પતશે તો બધાને જમવાનું છે.' શ્રદ્ધા ડાંગરે મજાક મજાકમાં કહી દીધું, 'જમ્યાં પછી ઊંઘ બહુ જ આવતી. જો ડિરેક્ટર-પ્રોડ્યુસર જમ્યાં પછી વચ્ચે બે કલાક ઊંઘવા માટે બ્રેક આપે તો તે એક ચેક ઓછો લેવા પણ તૈયાર છે.' 'બંનેને ફિલ્મ ઘણી જ ગમી'
માનસીએ રિયલ લાઇફ કામવાળી બાઇના અનુભવો શૅર કરતા કહ્યું, 'હું હાલમાં જ મારી બંને કામવાળી બાઇને ફિલ્મ જોવા લઈ ગઈ હતી અને શરૂઆતમાં તો તેમણે એમ જ કહ્યું કે દીદી આવી જ છે. પછી તેમણે આખી ફિલ્મ જોઈ અને તેમને ઘણી જ મજા આવી. બંને મરાઠી છે એટલે તેમણે મરાઠી ફિલ્મ જોઈ હતી. આ જ કારણે તેઓ મને કહેતા કે અમે જોઈએ કે તમે ગુજરાતી ફિલ્મ કેવી બનાવી છે? તેમને મરાઠી ફિલ્મ કરતાં ગુજરાતી ફિલ્મ વધુ ગમી.' શ્રદ્ધા જણાવે છે, 'એકવાર ધોધમાર વરસાદ હતો અને તબિયત પણ ખરાબ હતી. દરવાજો ખુલ્લો હતો અને તેને કારણે ઘરમાં પાણી આવી ગયું હતું એટલે હું સીધી લપસી ગઈ. ત્યારબાદ તો હું એકદમ જ રડવા લાગી. આ બધાની વચ્ચે મેં એક કામવાળીબાઇને ફોન કર્યો ને તે તરત જ આવી ગઈ. તેણે મને પાણી આપ્યું ને આખા ઘરનું કામ કર્યું. પછી તે રોજ કામ કરવા આવે છે.' 'કોરોનાએ ઘરનું કામ કરતાં શીખવાડી દીધું'
સંજય ગોરડિયા કહે છે, 'કોરોનાને કારણે આપણે ઘણું બધું કામ કરતાં શીખી ગયા છીએ. મારા ઘરમાં નિયમ છે કે જમ્યા બાદ પોતાની થાળી જાતે જ રસોડામાં મૂકવા જવાની. કામવાળીબાઇ મોડી આવે કે ના આવે તો તેની અસર મારી વાઇફ પર અને પછી મારા પર થાય જ. આવું માત્ર મારા ત્યાં જ નહીં, દરેક ઘરમાં થાય જ. દરેક ફિલ્મમાં લવ સ્ટોરી બતાવવામાં આવે છે, આ ફિલ્મમાં મહારાણી ને નોકરાણી વચ્ચેની વાત છે. આ સબ્જેક્ટને કારણે ફિલ્મ એકદમ અલગ છે. આજ દિન સુધી આવી ફિલ્મ ગુજરાતીમાં બની નથી અને તેથી જ તે અનોખી છે.' ઓજસે પોતાના અનુભવો શૅર કરતા કહે છે, 'અમારા ત્યાં ઘરનોકર એટલે કે તે ઘરે જ રહે એટલે તે નોકર નહીં, પરંતુ પરિવારના સ્વજન જેવા બની જાય. તેમના સંતાનોના લગ્ન હોય તો અમે ભેટ-સોગાદો આપીએ.' વિરલે સ્ટાર-કાસ્ટ સાથે કામ કરવાના અનુભવ અંગે જણાવ્યું, 'ઘણી જ મજા આવી. હું ઘણો જ નસીબદાર છું કે અત્યાર સુધી તમામ ફિલ્મમાં સારા કલાકારોનો સાથ મળ્યો. આ ચાર સુપરસ્ટાર હોવા ઉપરાંત બેસ્ટ પર્ફોમર પણ છે. તેઓ કેરેક્ટરને સમજે છે અને પ્લે કરે છે.' ફિલ્મના ટફેસ્ટ સીન કયા?
માનસીએ જણાવ્યું, 'શૂટિંગ શરૂ કર્યાના બીજા કે ત્રીજા જ દિવસે વિરલે ક્લાઇમેક્સ સીનનું શૂટિંગ કરવાનું નક્કી કર્યું. વિરલ આ આખો સીન વન શોટમાં શૂટ કરવા માગતો હતો. આ સીનમાં ઘણું બધું હતું. આ સીન માટે 40 રીટેક લીધા અને પછી તો આખું રીશૂટ કર્યું. આ ઉપરાંત અન્ય એક સીન હતો કે હું પરિવાર આગળ બ્રેકડાઉન થઈ જાઉં છું અને વિરલ એક ટેકમાં સીન શૂટ કરવાનું કહે છે. આ મોનોલોગ મારા માટે મુશ્કેલ હતો.' ઓજસ સીન અંગે મજાકમાં વાત કરતાં કહે છે, 'ટેકનિકલી એક સીન ટફ હતો. એક સીન એવો હતો કે જિજ્ઞેશને ઓફિસ જવાનું મોડું થાય છે ને મારી પત્ની સાથે આવવાની હોય છે, પરંતુ તેની રકઝક ચાલતી હોય છે અને પછી હું સ્પીડમાં ગાડી લઈને નીકળી જાઉં છું. હું બીજા કોઈની મોંઘી ગાડી લઈને સ્પીડમાં નીકળું છું તો મને ડર એ વાતનો હતો કે ક્યાંક ગાડીને કંઈ ઘસરકો ના પડે.' મુંબઈ ને ગુજરાતના ગુજરાતીઓ કેટલા અલગ તે અંગે વિરલે જણાવ્યું, 'હું મુંબઈયા ગુજરાતી છું. મારા ઘણા ફ્રેન્ડ્સ ગુજરાતમાં રહે છે. આમ જોવા જઈએ તો મને કોઈ ડિફરન્સ લાગ્યો નહીં. બોલવાની સ્ટાઇલ, ફૂડ ટેસ્ટ, ડ્રેસિંગ અલગ છે. ' માનસીએ કહ્યું, 'મને ગુજરાતના ફ્રેન્ડ્સ હંમેશાં કહે તમે લોકો બહુ સ્પીડમાં બોલો છો તો ત્યારે હું એક જ જવાબ આપું કે અમારી પાસે ટાઇમનો અભાવ હોય છે એટલે અમે પહેલા કામની વાત કરીએ અને પછી નિરાંતે બીજી વાત કરીએ.' સંજયભાઈએ કહ્યું, 'મને લહેકો અલગ લાગે છે. આ ઉપરાંત મને એક ફરક લાગે છે કે ખાવા-પીવામાં ગુજરાતના ગુજરાતીઓ વધુ પડતા પર્ટીક્યુલર હોય છે. ગુજરાતમાં સ્ટ્રીટ ફૂડ વેચતા લોકો પોતાનું બ્રાન્ડિંગ કરે છે. આવું મુંબઈમાં થતું નથી. હવે ગુજરાતમાં સ્ટ્રીટ ફૂડ વધુ સારું મળે છે.' ઓજસે કહ્યું, 'મને મુંબઈ ને ગુજરાતના ગુજરાતીઓમાં કંઈ ફેર લાગ્યો નહીં. જેટલા ઉત્સાહથી ત્યાં ગરબા રમાય છે તેટલા જ મુંબઈમાં રમાય છે. ઘૂઘરા ગુજરાત ને મુંબઈ બંને મજાના મળે છે અને ઘરનોકર પણ બંને જગ્યાએ સરખા જ હોય છે.'