મહેસાણામાં રખડાતા ઢોરનો ત્રાસ યથાવત્:રાધનપુર રોડ પર ગાયે બાઈકસવારને અડફેટે લેતા યુવક રોડ પર પટકાયો, હાથ-પગ અને બરડાના ભાગે ગંભીર ઈજા
મહેસાણા જિલ્લામાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે મહેસાણા શહેરમાં રખડતા ઢોરે એક યુવકને અડફેટે લેતા યુવકને ઈજા પહોંચી હતી, ત્યારે સ્થાનિક લોકોએ યુવકની મદદ કરી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. રખડતા ઢોરે અડફેટે લેતા યુવકને હાથ-પગે ઇજા મહેસાણા જિલ્લા અને શહેરમાં રખડતા ઢોરોના કારણે રોજબરોજ અકસ્માતની ઘટના સામે આવે છે. મહેસાણા શહેરમાં આજે સાંજે 6 વાગ્યાના અરસામાં 23 વર્ષીય દેવ ત્રિવેદી નામનો યુવક શૈલજા હોમ્સ પોતાના ઘરેથી બાઈક લઈ કામ અર્થે નીકળ્યો હતો. આ દરમિયાન રાધનપુર રોડ પર આવેલા રિયા હોન્ડા સામે પહોંચતા રખડતા ઢોરે યુવકના બાઈકને અડફેટે લેતા યુવક રોડ પર પટકાયો હતો જેમાં હાથ-પગ અને બરડાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો ઘટના દરમિયાન આસપાસના લોકો યુવકની મદદે દોડી આવ્યા હતા. ત્યાર બાદ યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે રાધનપુર રોડ પર આવેલા હનુમાનજી મંદિર આસપાસ દિવસ દરમિયાન મોટી સંખ્યામાં રખડતા ઢોર ફરતા હોય છે. જેના કારણે લોકો ભયભીત બની અહીંયાંથી પસાર થવા મજબુર બન્યા છે. બે દિવસ અગાઉ આખલાએ હુમલો કરતો વૃદ્ધનું મોત બેચરાજી તાલુકાના કનોડા ગામે આખલાએ 88 વર્ષના વૃદ્ધ મફતલાલ પટેલને સિંગડે ભરાવતા તેઓ નીચે પટક્યા હતા. જેના કારણે વૃદ્ધને પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો હતો. આમ મહેસાણા શહેર અને જિલ્લામાં રખડતા ઢોરોના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

What's Your Reaction?






