ફાલ્ગુનીએ રડતાં-રડતાં કબૂલ્યું, 'મારી ભૂલ થઈ ગઈ સાહેબ':સોલંકી પરિવાર ફરવા જતો ત્યારે નરેશ પણ સાથે આવતો, અલ્પેશે ત્રણ વીડિયો બનાવ્યા
સુરતના જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં રહેતા શિક્ષકે 2 વર્ષ અને 8 વર્ષના બે પુત્રને ઝેર આપી પોતે ફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધું હતું. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી હતી, જેમાં પત્નીના લગ્નેતર સંબંધને પગલે મૃતકે આ પગલું ભર્યું હોવાનું સામે આવતાં પોલીસે આરોપી પત્ની ફાલ્ગુની અને તેના પ્રેમી, ખેતીવાડી વિસ્તરણ અધિકારી નરેશ રાઠોડની ધરપકડ કરી છે. પોલીસ સામે ફાલ્ગુનીએ રડતાં-રડતાં કબૂલ્યું કે 'મારી ભૂલ થઈ ગઈ સાહેબ, અલ્પેશ વારંવાર શંકા કરતો અને એના કારણે તેનું સ્મોકિંગ અને ડ્રિંક્સ પણ વધી ગયું હતું.' લગ્નેતર સંબંધોની જાણ થયા બાદ અલ્પેશે ફાલ્ગુનીને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ તે માનવા તૈયાર નહોતી. આખરે અલ્પેશે નરેશ રાઠોડને ફોન કરીને આ સંબંધો પર પૂર્ણવિરામ મૂકવાની આજીજી પણ કરી હતી. અલ્પેશના મોબાઇલમાંથી આ વાતચીતનું રેકોર્ડિંગ પણ પોલીસને મળ્યું છે. આ તમામ બાબતોથી કંટાળીને અલ્પેશે એક મહિના પહેલાં જ આ ભયાનક પગલું ભરવાનું નક્કી કરી લીધું હતું. તેણે પોતાની લાગણીઓ અને સંઘર્ષોને બે ડાયરી અને આઠ પાનાંની સુસાઈડ નોટમાં વ્યક્ત કર્યા હતા. આ ઉપરાંત તેણે આપઘાત પૂર્વે ફાલ્ગુનીને ઉદ્દેશીને ત્રણ વીડિયો પણ બનાવ્યા હતા, જેમાં તેણે રડતાં-રડતાં પોતાની લાગણી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે 'મેં ક્યારેય આવું વિચાર્યું નહોતું અને હું બધું સહન કરી શકું છું, પરંતુ લગ્નેતર સંબંધો નહીં.' આ પણ વાંચો: પત્ની અને પ્રેમીના રિમાન્ડ નામંજૂર, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા; બંને સામે જિલ્લા પંચાયત કચેરીમાં રિપોર્ટ કરાશે પ્રેમલગ્નથી લઈને લગ્નેતર સંબંધ સુધીની સફર અલ્પેશ અને ફાલ્ગુનીનાં દસ વર્ષ પહેલાં પ્રેમલગ્ન થયાં હતાં. અલ્પેશે સુસાઈડ નોટમાં લખ્યું છે કે તે ફાલ્ગુનીને પોતાનું સર્વસ્વ માનતો હતો અને તેને ખૂબ પ્રેમ કરતો હતો, પરંતુ છેલ્લાં ચારેક વર્ષથી ફાલ્ગુનીએ અલ્પેશની પીઠ પાછળ નરેશ રાઠોડ સાથે લગ્નેતર સંબંધો શરૂ કર્યા હતા. આ સંબંધની જાણ બે મહિના પહેલાં અલ્પેશને થતાં તેના પર જાણે આભ તૂટી પડ્યું હતું. ફાલ્ગુની અને નરેશની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે બંને અગાઉ તાલુકા પંચાયતમાં ક્લાર્ક તરીકે સાથે નોકરી કરતાં હતાં અને ત્યારથી જ તેમની વચ્ચે મિત્રતા અને બાદમાં પ્રેમસંબંધ બંધાયો હતો. આ પણ વાંચો: અફેરની વાતમાં પત્ની કહેતી 'શું બાયલાની જેમ રડે છે': ભાસ્કરે વાંચ્યો ડાયરીમાં દર્દ, વેદના ને લાચારીનો એક-એક શબ્દ સંબંધોનું રહસ્ય અને અલ્પેશની માનસિક યાતના અલ્પેશ અને નરેશ પણ એકબીજાથી પરિચિત હતા, કારણ કે નરેશ ફાલ્ગુનીનો સહકર્મી હતો અને તે તેમના ઘરે આવ-જા કરતો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે અલ્પેશ તેના પરિવાર સાથે વીકએન્ડમાં બહાર ફરવા જતો ત્યારે નરેશ પણ ઘણીવાર તેમની સાથે જતો હતો. અલ્પેશને તેના પર વિશ્વાસ હતો અને તેને ક્યારેય શંકા ગઈ નહોતી, પરંતુ જ્યારે તેને ફાલ્ગુની અને નરેશના સંબંધોની જાણ થઈ ત્યારે તે માનસિક રીતે ભાંગી પડ્યો હતો. તેણે પોતાની સુસાઈડ નોટમાં લખ્યું છે કે ફાલ્ગુની જ્યારે પણ નરેશને મળીને આવતી ત્યારે તેની સાથે તોછડાઈથી વાત કરતી, ઝઘડો કરતી અને અપમાનિત કરતી હતી. આ પણ વાંચો: દીકરાઓને બીજા માળે લઈ ગયો, સોફ્ટ ડ્રિંકમાં ઉંદર મારવાની દવા પીવડાવી સૂવડાવી પોતે પંખે લટકી ગયો નરેશ રાઠોડના અગાઉ પણ બે લગ્ન થયા હતા પોલીસ તપાસમાં નરેશ રાઠોડના ભૂતકાળ વિશે પણ કેટલીક વિગતો સામે આવી છે. તેની પ્રથમ પત્નીનું દમની બીમારીથી અવસાન થયું હતું. ત્યાર બાદ તેણે બીજા લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના માત્ર છ મહિનામાં જ છૂટાછેડા થયા હતા. અલ્પેશના પરિવારનો આ આરોપ છે કે નરેશ જ આ બધા માટે જવાબદાર છે. નરેશની બેરોકટોક ફાલ્ગુનીના ઘરે અવરજવર હતી અને અલ્પેશ તેને એક મિત્ર તરીકે સ્વીકારી રહ્યો હતો. આશ્ચર્યજનક રીતે જ્યારે અલ્પેશ તેના પરિવાર સાથે બહાર ફરવા જતો ત્યારે નરેશ પણ ઘણીવાર તેમની સાથે જતો, જે આ સંબંધની નિર્લજ્જતા દર્શાવે છે. 'અલ્પેશ વારંવાર શંકા કરતો અને એના કારણે તે વ્યસનના રવાડે ચડ્યો હતો' પોલીસે જ્યારે ફાલ્ગુનીની ધરપકડ કરી ત્યારે તેણે રડતાં-રડતાં કબૂલ્યું કે 'મારી ભૂલ થઈ ગઈ સાહેબ.' તેણે એમ પણ કહ્યું હતું કે અલ્પેશના કહેવાથી મેં સંબંધો તોડી નાખ્યા હતા, પરંતુ અલ્પેશ વારંવાર શંકા કરતો હતો અને એના કારણે તેનું સ્મોકિંગ અને ડ્રિંક્સ વધી ગયું હતું, જોકે અલ્પેશના મોબાઈલમાંથી મળેલા પુરાવા અને સુસાઈડ નોટની વિગતો આ વાતની વિરુદ્ધ જાય છે. ફાલ્ગુની અને નરેશની પૂછપરછમાં પોલીસને વધુ ચોંકાવનારી વિગતો મળવાની શક્યતા છે.

What's Your Reaction?






