બોલેરો કાર 10 ફૂટ ઊંચેથી ઊંધા માથે ખાબકી:રાજકોટ-ભાવનગર રોડ પર મહીકા પાસે અકસ્માત; કારમાં સવાર માર્ગ અને મકાન વિભાગના અધિકારી-ડ્રાઇવરનાં મોત
રાજકોટ ભાવનગર હાઇવે પર ગઈ મોડીરાત્રે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં રાજકોટ માર્ગ અને મકાન વિભાગના યાંત્રિક કાર્યપાલ ઈજનેર અને બહુમાળી ભવનમાં કોન્ટ્રેક્ટ બેઝ ડ્રાઇવરનાં મોત નીપજ્યાં છે. ભાવનગરથી પરત રાજકોટ ફરતા સમયે મહીકા ગામ નજીક વિઠ્ઠલવાવ ગૌશાળા પાસે ગોળાઈમાં સરકારી ગાડી રોડની સાઈડનું ડિવાઈડર તોડી 10 ફૂટ નીચે નાળામાં ખાબકી હતી, જેમાં કારચાલક અને RBના અધિકારીનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. સ્થાનિક રાહદારીએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. 3 વર્ષથી યાંત્રિક કાર્યપાલ ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા રાજકોટ ભાવનગર-હાઇવે પર મહીકા ગામ નજીક વિઠ્ઠલવાવ ગૌશાળા પાસે રોડની સાઈડનું ડિવાઈડર તોડી બોલેરો કાર 10 ફૂટ નીચે નાળામાં ખાબકી હતી. રાત્રિના 11 વાગ્યા આસપાસ અકસ્માત સર્જાયો હતો. આજે સવારે સ્થાનિક રાહદારીએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરતાં મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામનાર ચંપક છનજી પટેલ છેલ્લાં 3 વર્ષથી રાજકોટમાં યાંત્રિક કાર્યપાલ ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા અને કાલે ભાવનગર ખાતે સાઈટમાં કામ અર્થે ગયા હતા, જ્યાંથી રાત્રે પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર ગોળાઈ પાસે ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં કાર નીચે ખાબકી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અકસ્માતમાં બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી રાજકોટ બહુમાળી ભવનમાં છેલ્લાં 15 વર્ષથી કોન્ટ્રેકટ બેઝ કર્મચારીમાં ડ્રાઇવર તરીકે જાવેદભાઈ યુનુસભાઈ પઢિયાર (ઉં.વ.34) ફરજ બજાવતા હતા અને તેઓ રાજકોટમાં બજરંગવાળી વિસ્તારમાં શેરી નંબર 9ના ખૂણે રહેતા હતા. તેના પિતા નિવૃત્ત SRP મેન છે અને તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે, જેમણે પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. જ્યારે રાજકોટ માર્ગ અને મકાન વિભાગમાં યાંત્રિક કાર્યપાલ ઈજનેર તરીકે છેલ્લાં 3 વર્ષથી ફરજ બજાવતા ચંપક છનજીભાઈ પટેલ (ઉં.વ.55) મૂળ વલસાડ વાપી વિસ્તારના રહેવાસી છે અને રાજકોટમાં તેઓ સરકારી ક્વાર્ટરમાં રહેતા હતા. તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે, જેમણે પણ પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

What's Your Reaction?






