શ્રાવણના બીજા સોમવારે કચ્છમાં વરસાદી ઝાપટાં:રાપર અને ભચાઉમાં ઝરમર-ઝરમર વરસાદ પડતાં ખેડૂતોને રાહત મળી, માર્ગો પર પાણી વહ્યાં
શ્રાવણ માસના બીજા સોમવારે પૂર્વ કચ્છના ભચાઉ નગરમાં વરસાદનું ઝાપટું પડ્યું હતું. રાપર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારે સાડા દસ વાગ્યા બાદ વરસાદી વાતાવરણ સર્જાયું હતું. ઝરમર વરસાદના ઝાપટાં સાથે ક્યારેક વધારે પ્રમાણમાં વરસાદ પડ્યો હતો. આના કારણે શહેરના માર્ગો પરથી પાણી વહી નીકળ્યાં હતાં. સખત ઉકળાટભર્યા વાતાવરણ વચ્ચે વરસાદના ઝાપટાં પડતાં લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. વાગડ વિસ્તારના રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઓછા વરસાદને કારણે ચોમાસુ પાક મુરઝાઈ રહ્યો હતો. આ વરસાદના ઝાપટાં ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થયાં છે. વરસાદ પંદરથી વીસ મિનિટ સુધી પડ્યો હતો. દરમિયાન જિલ્લાના અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જળવાઈ રહ્યું છે. આથી વરસાદની શક્યતા દેખાઈ રહી છે. જોકે, હવામાન વિભાગ તરફથી હજુ સુધી કોઈ આગાહી કરવામાં આવી નથી.

What's Your Reaction?






