દીપડાએ પિતાની બાજુમાં સૂતેલા પુત્રને ફાડી ખાધો:રાજવીરને બચાવવા દોટ મૂકી, પણ એકના એક પુત્રનો મૃતદેહ જ હાથ લાગ્યો, માતાનું હૈયાફાટ રુદન
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં એક અત્યંત દુઃખદ ઘટના બની છે. ભાચા ગામ નજીકના ખોડિયારધાર વિસ્તારમાં એક દીપડાએ ઝૂંપડામાં પિતાની બાજુમાં સૂતેલા બે વર્ષના માસૂમ બાળકને ફાડી ખાધો હતો. પિતાએ પોતાના એકના એક દીકરાને બચાવવા માટે દોટ મૂકી, પરંતુ તેમના હાથમાં માત્ર પુત્રનો મૃતદેહ જ આવ્યો. આ કરુણ ઘટનાથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે અને માતાના હૈયાફાટ રુદનથી આસપાસના લોકો પણ હચમચી ગયા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ ફેલાયો છે. દીપડો ઝૂંપડામાંથી બાળકને ઉઠાવી ગયો ઘટનાની વિગતો અનુસાર, ભુપતભાઈ જીવાભાઈ સોલંકી અને તેમનો પરિવાર ખોડિયારધાર વિસ્તારમાં આવેલા ઝૂંપડામાં રહે છે. રાત્રિના લગભગ એક વાગ્યે તેમનો બે વર્ષનો પુત્ર રાજવીર, તેના પિતાની બાજુમાં સૂતો હતો. તે જ સમયે એક દીપડો ઝૂંપડામાં ઘૂસી આવ્યો અને બાળકને તેના ગળાના ભાગેથી પકડીને લઈ ગયો, જેથી તે ચીસ પણ પાડી શક્યો ન હતો. દીપડો આંબાના ઝાડ નીચે લોહીલુહાણ હાલતમાં બાળકને લઈને બેઠો હતો ભુપતભાઈ જાગી જતાં તેમણે અને આસપાસના લોકોએ દીપડાનો પીછો કર્યો. લગભગ એક કિલોમીટર દૂર એક વાડીમાં આંબાના ઝાડ નીચે દીપડો બાળકને લોહીલુહાણ હાલતમાં લઈને બેઠો હતો. લોકોએ બૂમાબૂમ કરતાં દીપડો બાળકને છોડીને ભાગી ગયો હતો, પરંતુ ત્યાં સુધીમાં રાજવીરનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. સદનસીબે પાસે સૂતેલી છ મહિનાની બાળકીને કોઈ ઈજા નહીં ઘટનાની જાણ થતાં જ સર્વે જીવ પર્યાવરણ ટ્રસ્ટના પ્રમુખ અબ્બાસભાઈ બ્લોચ દ્વારા જસાધાર વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટર વીરાભાઈ ચાવડા અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે, આ દુ:ખદ ઘટનામાં પાસે સૂતેલી છ મહિનાની બાળકી હિરલને કોઈ ઈજા થઈ ન હતી. વન વિભાગે માનવભક્ષી દીપડાને પકડવા પાંજરું ગોઠવ્યું વન વિભાગે આ માનવભક્ષી દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું છે અને તેની શોધખોળ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી દીપડાના આંટાફેરા હોવા છતાં સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી નહોતી. પરિવાર પર આભ ફાટ્યું મૃતક રાજવીર તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. બે વર્ષ પહેલાં જ તેનો જન્મ થયો હતો. પુત્રના આકસ્મિક અને કરુણ મૃત્યુથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પંથકમાં વધતા દીપડાના હુમલાઓથી માનવજીવન જોખમમાં મુકાયું છે અને સ્થાનિક લોકોમાં ભારે ભય ફેલાયો છે. આ પણ વાંચો વરંડાનો ગેટ ખોલતાં જ દીપડાનો મહિલા પર હુમલો એક મહિના પહેલાં ઉનાના આમોદ્રા ગામમાં વહેલી સવારે દીપડાએ દહેશત ફેલાવી હતી. દીપડો રહેણાક વિસ્તારમાં એક ઘરમાં ઘૂસી ગયો હતો. પત્નીએ બૂમાબૂમ કરતાં બચાવવા ગયેલા પતિ પર દીપડાએ ઘરમાં ઘુસી તરાપ મારી કર્યો હતો. વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાન્ક્વિલાઈઝર ગન વડે દીપડાને બેભાન કરી પાંજરે પુર્યો હતો. (આખો અહેવાલ વાંચો) પ્રભાસપાટણમાં બે દીપડા ઘૂસી આવતાં અફરાતફરી નવ દિવસ પહેલાં ગીર સોમનાથના પ્રભાસપાટણના ઘાંચીવાડા વિસ્તારમાં વહેલી સવારે બે દીપડા ઘૂસી આવતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. એક દીપડાએ વાડામાં ઘૂસી બકરાનું મારણ કર્યું, જેથી લોકોએ ચીસાચીસ કરતાં બીજો દીપડો ઘરમાં પુરાઇ ગયો હતો. જેને લઇ લોકોમાં ભય ફેલાયો હતો. આખરે વન વિભાગે મહામહેનતે દીપડાને કાબૂમાં લીધો હતો. (આખો અહેવાલ વાંચો)

What's Your Reaction?






