દાહોદના ગરબાડાની નવાગામ આંગણવાડીમાં છતના પોપડા પડ્યા:રજાનો દિવસ હોવાથી દુર્ઘટના ટળી, બાળ વિકાસ અધિકારીએ કહ્યું-15 દિવસ પહેલાં જ ભાડાના મકાનમાં આંગળવાડી ખસેડાઈ હતી
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આવેલી નવાગામ આંગણવાડીમાં રવિવારે છતના પોપડા પડવાની ઘટના સામે આવી છે. આ આંગણવાડીમાં 47 નાના બાળકો અભ્યાસ કરે છે. રજાના દિવસે ઘટના બનવાથી બાળકોનો બચાવ થયો હતો. સ્થાનિક નાગરિક અરવિંદ ભાભોરે જણાવ્યું કે, આખી આંગણવાડી જર્જરિત હાલતમાં છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે જો બાળકોની હાજરીમાં આ ઘટના બની હોત તો પરિણામ ગંભીર આવી શકત. તેમની માગ છે કે આંગણવાડીને નવી બનાવવામાં આવે. આંગણવાડીની ઈમારત એટલી જર્જરિત છે કે કર્મચારી બહેનો પણ મજબૂરીમાં પોતાની ફરજ બજાવે છે. આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ચર્ચા જગાવી છે. બીજી તરફ ગરબાડા તાલુકા સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી નેહા શુક્લાએ જણાવ્યું કે તાલુકાની તમામ આંગણવાડીઓની ચકાસણી કરવામાં આવી હતી. નવાગામની આ આંગણવાડી જર્જરિત હોવાનું જણાતાં 15 દિવસ પહેલાં જ તેને ભાડાના મકાનમાં ખસેડવાની સૂચના આપવામાં આવી હતી. હાલમાં આ આંગણવાડીમાં કોઈ બાળકો બેસતા નથી. આ ઈમારતમાં ફક્ત સામાન રાખવામાં આવ્યો છે. આંગણવાડી કાર્યકરને સૂચના આપવામાં આવી છે કે ઈમારતમાં રાખેલો તમામ સામાન તાત્કાલિક ખસેડી લેવામાં આવે. આ ઘટનાએ દાહોદ જિલ્લામાં આંગણવાડીઓની જર્જરિત સ્થિતિને ઉજાગર કરી છે. અનેક આંગણવાડીઓ હજુ પણ જોખમી હાલતમાં કાર્યરત છે, જે બાળકોની સુરક્ષા માટે ચિંતાનો વિષય છે. સ્થાનિકોની નવી આંગણવાડી બનાવવાની માંગને ધ્યાનમાં રાખી, વહીવટીતંત્રે આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.

What's Your Reaction?






