માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ:ભરતીમાં અનામત મામલે 9 દિવસથી ધરણાં, વિધાનસભા તરફ કૂચ કરતાં મામલો બિચક્યો, લોખંડનાં બેરિકેડ ફગાવ્યા
ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા નવ દિવસથી સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે માજી સૈનિકોના ધરણા કરી રહ્યાં છે. માજી સૈનિકોની માગ છે કે, તેમની બેઠક અન્ય કોઈ કેટેગરીમાં ન આપવામાં આવે. સરકાર તરફથી વાટાઘાટો કે બાંહેધરી ન મળતાં તેમણે વિધાનસભાના ઘેરાવની ચીમકી આપી હતી. જેમાં સોમવાર સુધી સરકાર પાસેથી જવાબ ન મળતાં આજરોજ(5 ઓગસ્ટ, 2025) સત્યાગ્રહ છાવણી ખાતે 300 જેટલા માજી સૈનીકો એકઠા થયા હતા. પૂર્વ સૈનિકોની આ ચીમકીને પગલે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. બપોર સુધીમાં સરકાર તરફથી કોઈ હકારાત્મક જવાબ ન મળતાં વિધાનસભા તરફ કૂચ કરી કહ્યું હતું કે, વિધાનસભા ઘેરાવ માટે ફક્ત સરકાર જવાબદાર રહેશે. માજી સૈનિકોએ વિધાનસભા તરફ કૂચ કરતા ઘર્ષણ પોલીસે બેરિકેડિંગ તેમજ નાકાબંધી કરી હોવા છતાં માજી સૈનિકોએ આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન પોલીસ અને માજી સૈનિકો વચ્ચે ઘર્ષણના દૃશ્યો સર્જાયા હતા. પોલીસ દ્વારા રાખવામાં આવેલા બેરિકેડિંગ સહિતનું હટાવીને માજી સૈનિકો વિધાનસભા તરફ વધી રહ્યાં હતાં. આ સમયે પોલીસ સાથે ઉગ્ર ઘર્ષણ થયું હતું. પોલીસે માજી સૈનિકોને ડિટેઇન કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. આ જોઈને માજી સૈનિકોએ પોલીસની વાનને રોકી દઈને પોતાના સાથીદારોને છોડાવવાની પેરવી કરી હતી. પોલીસે માજી સૈનિકોને ઘ-3 સર્કલ નજીક રોકી દીધા છે. સરકારે સોમવાર સુધી કોઈ નિર્ણય ન કર્યો દેશની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરવાની તૈયારી દર્શાવનારા આ નિવૃત સૈનિકોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. તેમની મુખ્ય માગણી છે કે, સરકારી ભરતીમાં તેમની અનામત બેઠકો અન્ય કેટેગરીમાં ન આપવામાં આવે. આ અંગે નિર્ણય કરવા માટે તેમણે સરકારને સોમવાર (4 ઓગસ્ટ) સુધીનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું. 9 દિવસમાં એક પણ સરકારનો પ્રતિનિધિ વાત કરવા નથી આવ્યાઃ જીતેન્દ્ર નિમાવત આ અંગે પૂર્વ સૈનિક સેવા ફાઉન્ડેશનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતે કહ્યું કે, છેલ્લા આઠ દિવસથી અમે ધરણા ઉપર બેઠા છે. જે ગુજરાત સરકારમાં માજી સૈનિકોની અનામત છે અને અન્ય બીજા અન્ય મુદ્દાઓ છે, એ મુદ્દાઓનું ઓલરેડી નિયમ બનેલો છે. છતાં પણ આ મુદ્દાઓનું નિયમોમાં પાલન જ નથી થતું. એની અમલવારી માટે અહીં ધરણા ઉપર બેઠા છે. આજે 9 દિવસ થઈ ગયા પણ સરકારના એક પણ પ્રતિનિધિ અને કોઈ પણ અહીં અમારી સાથે વાતચીત કરવા આવ્યા નથી. અમે સામેથી વારંવાર વાતચીત કરવા જઈએ છીએ, પણ કહેવાય કે એ ફાઈલ અધિકારી પાસે મોકલી દેવાય છે. ‘કાગળમાં બતાવવા માટે સરકારે આ નિયમો બન્યા?’ વધુમાં ઉમેર્યું કે, આ નિયમ કોઈ આજના નથી. આ નિયમ ઘણા વર્ષોના છે, પણ એનું પાલન થતું નથી. અમલવારી નથી થતી. તો કેવલને કેવલ માજી સૈનિકો માટે એવું છે કે, એક ચોપડામાં બતાવવા માટે, કે કાગળમાં બતાવવા માટે આ નિયમો બનેલા છે. માજી સૈનિકો એનો લાભ લઈ શકતા નથી. તો નિયમ શાના માટે બનાવ્યા છે? સરકારને મારી નમ્ર વિનંતી છે કે, આ નિયમ જે બનાવ્યા છે એ નિયમનું પાલન થાય અને બધા માજી સૈનિકોને એનો લાભ મળે તો જ અમે આજે અહીંથી જવાના છે. નહીં તો અત્યારે અમે વિધાનસભા કૂચ કરશું. ‘હવે તમામ પાછળ સરકારની જવાબદારી રહેશે’ હાલ મારી મુખ્યમંત્રી સાથે વાતચીત ન થાય તો અમે વિધાનસભાનો ઘેરાવ કરવા જઈ રહ્યા છીએ અને એના માટે ફક્ત અને ફક્ત જવાબદાર સરકાર હશે. કેમ કે, આટલો બધો સમય આપ્યો. છેલ્લા એક મહિનાથી અમે આમથી આમ ભટકી રહ્યા છીએ, પણ કોઈએ અમને અમારા પ્રત્યે હકારાત્મક જવાબ નથી આવ્યો. તો આની જે પણ જવાબદારી હશે એ સરકારની થશે. એટલે સરકારને નમ્ર વિનંતી છે કે અમારી સાથે વાતચીત કરે.

What's Your Reaction?






