પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડની સફળતા:અપહરણના આરોપીને મહેસાણાથી ઝડપી પાડ્યો, ભોગ બનનારને પણ શોધી કાઢી
પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડે શહેરા પોલીસ સ્ટેશનના અપહરણના કેસમાં મહત્વની સફળતા મેળવી છે. પોલીસે નાસતા ફરતા આરોપી તખતસિંહ ચંન્દ્રસિંહ સોલંકીને મહેસાણાના ડેડીયાસન GIDCથી ઝડપી પાડ્યો છે. પંચમહાલ-ગોધરા રેન્જના ઇન્ચાર્જ IGP એમ.એલ.નીનામા અને SP હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પેરોલ ફર્લો સ્કવોર્ડના PSI એસ.આર.શર્માના નેતૃત્વમાં ટીમે ટેકનિકલ અને માનવીય સ્રોતોનો ઉપયોગ કરીને આરોપીને શોધી કાઢ્યો હતો. આરોપી વિરુદ્ધ શહેરા પોલીસ સ્ટેશનમાં IPC કલમ 363, 366 અને POCSO એક્ટની કલમ 12 હેઠળ ગુનો નોંધાયેલો હતો. પેરોલ ફર્લો સ્કવોર્ડના ASI રમેશભાઈ વાઘજીભાઈને મળેલી માહિતી મુજબ, આરોપી મહેસાણા વિસ્તારમાં મજૂરી કામ કરતો હતો. આ માહિતીના આધારે પોલીસે ડેડીયાસન GIDC મોઢેરા રોડ પરથી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી અને ભોગ બનનાર બંનેને શોધી કાઢ્યા છે અને વધુ કાર્યવાહી માટે શહેરા પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.

What's Your Reaction?






