સ્યૂસાઇડ નોટમાં દર્દ, વેદના અને લાચારીના શબ્દો...:1 મહિનાથી રોજ લખેલી ડાયરીમાં અલ્પેશની યાતના ‘હું વન લેડી મેન હતો ને ફાલ્ગુની મને કહેતી અફેર હોવા જોઇએ, હું બહાર નીકળું એટલે એ નરેશને
અઠવાલાઇન્સ જિલ્લા પંચાયત ક્વાટર્સમાં સાત અને અઢી વર્ષના પુત્રોને ઝેર આપી શિક્ષક અલ્પેશ સોલંકીએ પત્નીના અફેરથી ત્રાસીને ગુરુવારે ફાંસો ખાઇ લીધો હતો. કાળજું કંપાવનારી આ ઘટનામાં પોલીસે પત્ની ફાલ્ગુની (જિલ્લા પંચાયત ક્લાર્ક) અને તેના પ્રેમી નરેશ રાઠોડ (ખેતીવાડી વિસ્તરણ અધિકારી) સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી છે. અલ્પેશ સાથે લવમેરેજ કર્યા પછી ફાલ્ગુનીએ નરેશ સાથે અફેર કર્યું હતું. અલ્પેશે બે ડાયરી અને સ્યૂસાઇડ નોટ લખી હતી. છેલ્લા 1 મહિનાથી અલ્પેશ રોજ ડાયરીમાં પોતાની વેદના લખતો હતો. તેણે એવું પણ લખ્યું હતું કે, હું વન લેડી મેન હતો અને ફાલ્ગુની મને કહેતી કે ‘અફેર તો હોવા જ જોઇએ’. હું બહાર નીકળું એટલે એ નરેશને ઘરે બોલાવી લેતી.’ અફેર તોડી નાખવાને બદલે ફાલ્ગુનીએ એવું કહ્યું હતું કે, તારે મરી જવું હોય તો મરી જા. મને મારી લાઇફ જીવવા દે.’ તેણે એવું પણ લખ્યું હતું કે, ‘ફાલ્ગુની અને નરેશને અફેર તોડી નાખવા સમજાવ્યા હતા, પણ તેઓ માન્યા ન હતા.’ અલ્પેશના ભાઇ જીજ્ઞેશ સોલંકી (રહે, અરૂણ ઉદય સોસાયટી, બમરોલી)એ બંને વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અલ્પેશની 400 પાનાની ડાયરી, 13 પાનની સ્યૂસાઇડ નોટમાં દર્દ, વેદના અને લાચારીના શબ્દો... મને ભરોસો હતો હું મરી જઈશ પછી મારા દીકરાઓને કોઈ જોવાવાળું નથી, હું જ્યારે અફેર બંધ કરવા કહેતો ત્યારે ફાલ્ગુની કહેતી, ‘નરેશની પત્ની નથી એટલે તેનું દુ:ખ દૂર કરું છું’ પાંડેસરા પોલીસ લાઇનમાં રહેતા હતા ત્યારે અલ્પેશ અને ફાલ્ગુની વચ્ચે પ્રેમસંબંધ બંધાતાં 2014માં લગ્ન કર્યા હતા. અલ્પેશ પાંડેસરાની મેરી માથા સ્કૂલમાં પીટી ટીચર હતો અને ફાલ્ગુની જિલ્લા પંચાયતમાં ક્લાર્ક હતી. ફરજ દરમિયાન તેને ખેતીવાડી વિસ્તરણ અધિકારી નરેશ સાથે અફેર થયું હતું. ફાલ્ગુનીને અફેર હોવાનું સ્પષ્ટ થતાં 28 જૂનથી અલ્પેશે ડાયરી લખવાનું શરૂ કર્યં હતું. એક મહિનામાં 2 ડાયરીનાં 400 પાનાંમાં પત્ની પ્રત્યેની પોતાની લાગણી, પત્ની પ્રત્યેની ઘૃણા અને પોતાની જીંદગીની પીડા વર્ણવી હતી. આપઘાતનો નિર્ણય કર્યાની પૂર્વ રાત્રિએ જ તેણે 13 પાનાંની સ્યૂસાઇડ નોટ પણ લખી હતી, જેના અંશો આ મુજબ છે... ‘જ્યારે મને કન્ફર્મ થઈ ગયું કે મારી પત્ની નરેશ સાથે અફેરમાં છે ત્યારે મેં તેને સમજાવવાના ખૂબ પ્રયાસ કર્યા હતા. મારા કૌટૂંબિક સગાના ઘરે પણ લઇ જઈને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને જાણે તે સમજી ગઈ હોય તેમ તેણે મારા ચહેરાનું ટેટૂ પોતાના ખભા પર ચિતરાવી દીધું હતું. પણ એક દિવસ જ્યારે તેના વ્હીકલમાં પંક્ચર પડ્યું ત્યારે તેણે મદદ માટે મને બોલાવવાને બદલે નરેશને બોલાવ્યો હતો. એ મને કહેતી હતી કે જીંદગીમાં આવા સંબંધો (અફેર) હોવા જોઇએ. જીંદગી એક જ વાર મળી છે અને આ જીંદગી મારી છે. મને મારી લાઇફ જીવવા દે. હું તો નરેશનું દુ:ખ દૂર કરું છું, કેમ કે તેની પત્ની નથી અને તેને એક દીકરો છે. હું તેને સમજાવતો કે તને નરેશનું દુ:ખ દેખાય છે, પરંતુ મારું દુ:ખ તને દેખાતું જ નથી. હું જ્યારે ઘરેથી બહાર નીકળું ત્યારે ફાલ્ગુની નરેશને ઘરે બોલાવી લેતી હતી. એ મને વારંવાર કહેતી કે મને ડરાવીને તમે રાખી નહીં શકો. હું વન લેડીમેન છું. મેં મારી જીંદગીમાં કોઈ બીજી છોકરીને જોઈ પણ નથી અને વારંવાર ફાલ્ગુનીના શબ્દો મારા વિચારોમાં સતત રમ્યા કરતા હતા. મને ભરોસો હતો કે હું મરી જઇશ પછી મારા દીકરાઓને જોવાવાળું કોઈ જ નથી. એમને હું કોના ભરોસે મુકી શકું? આ બધું વાંચીને સૌથી પહેલાં મારી પત્ની ફાલ્ગુની અને તેના પ્રેમી નરેશને પકડજો અને હું મારી પત્ની ફાલ્ગુનીને કેટલો પ્રેમ કરું છું તેની આપવિતી પણ એક ડાયરીમાં લખી છે. આ ડાયરી તેને આપજો અને વંચાવજો એટલે તેને ખબર પડે કે હું તેને કેટલો પ્રેમ કરું છું. મારા પૈસા અને જે કંઈ પણ છે તે મારા ભાઈ, મારા બહેન, મારી મમ્મી અને ભાઇના છોકરાને આપી દેજો.’ સ્યુસાઇડ નોટ અને ડાયરી સ્કૂલે મુકી દીધી, ભાઈને કહ્યું ‘સ્કૂલેથી બેગ લઈ આવી તારી પાસે રાખજે’ ગુરુવારે સવારે અલ્પેશ નિત્યક્રમ મુજબ સવારે 6 વાગ્યે સ્કૂલે પહોંચી ગયા હતા. સાથે રાખેલી બેગમાં પોતે લખેલી બે ડાયરી અને સ્યુસાઇડ નોટ પણ લઇ ગયા હતા. 9.30 વાગ્યે સ્કૂલેથી પાછા આવ્યા. પત્ની ફાલ્ગુની ઓફિસે જવા નીકળી અને પછી પોતાના 2 વર્ષના અને 7 વર્ષના દીકરાને ઉંદર મારવાની દવા પીવડાવી 2 કલાક સુધી બંનેનાં મૃત્યુની રાહ જોઈ પછી 11.30 વાગ્યે પરસેવે રેબઝેબ થઈ વીડિયો બનાવ્યો. આ પહેલાં પોતાના ભાઇને કહ્યું ‘હું બેગ સ્કૂલે ભૂલી ગયો છું. તું લઇ આવજે અને તારી પાસે જ રાખજે.’ ડાયરીમાં બેંક ખાતાં, ગૂગલ ડ્રાઇવના પાસવર્ડથી માંડી બધી જ વિગતો લખી દીધી હતી. નરેશની પહેલી પત્નીનું મૃત્યુ થયું હતું, બીજી છોડીને જતી રહ્યા પછી અફેર થયું નરેશ રાઠોડની પહેલી પત્નીનું મૃત્યુ થયું હતું. એક દીકરો હતો. બીજી સ્ત્રી સાથે લિવ-ઇનમાં રહેતો હતો. તે સ્ત્રી તેને છોડીને જતી રહીહતી. પોતાની જ સાથી કર્મચારી ફાલ્ગુની સાથે અફેરમાં જોડાયો હતો.

What's Your Reaction?






